Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

રિવાજના નામે સ્ત્રીઓને દુઃખ દેવુ અસહ્ય : કોર્ટ

મદ્રાસ હાઇકોર્ટના જજની ટીપ્પણી - પરંપરામાં માનો, ક્રુરતામાં નહિ

ચેન્નાઇ તા. ૨૧ : રિવાજના નામે સ્ત્રીઓ સાથે ક્રુરતા આચરવાના ચલણ ઉપર ટીકા કરતા મદ્રાસ હાઇકોર્ટે કહ્યુ કે આવા કામને કોઇપણ હાલતમાં યોગ્ય ન ઠેરવી શકાય. મહિલાઓ સાથે ક્રુર આચરણ થતુ હોય તેવો કોઇ પણ રિવાજ ભલે તે લાંબા સમયથી ચાલ્યો આવતો હોય પણ તે ઘરમુળથી ખોટો છે.

જસ્ટીસ અને આનંદ વેકટેંશે કહ્યુ હતુ કે કોઇ વ્યકિત પર કોઇ પણ રિવાજ કે વીધીમાં સામેલ થવાનું દબાણ કરવાનો અધિકાર કોઇ ને નથી. જેમા બીજાને શારિરીક  તકલીફ થાય કે તેને દર્દ અથવા હેરાન ગતી થાય તેવુ કોઇ પણ કામ તે વ્યકિત સાથે ક્રુરતા છે. આવા કોઇ પણ કામને કયાંય પણ યોગ્ય ન ગણી શકાય .

તેમણે કહ્યુ કે જેમા કોઇ વ્યકિતના આત્મ સન્માનને ઠેંસ પહોચે , જે અમાનવીય હોય તેવુ કોઇ પણ કામ બંધારણની કલમ ૨૧નું ઉલ્લંઘન છે.  સમાજને આ સંદેશો પહોચવો  જોઇએ  કે રિવાજના નામે ક્રુરતા નહિ ચલાવી લેવાય. અદાલત તેની સામે કઠોરતા વર્તશે.

આ કેસની વિગત એવી છે કે ૧૨ ફેબ્રુઆરી ૨૦૦૧ના રોજ ચાર મહિલાઓ એક યુવતીને રાત્રે જબરદસ્તી એક બંધ પર લઇ ગઇ ત્યાં તેમણે તેના કપડા ઉતારીને તેનું મુંડન કર્યુ અને ગરમ સોયથી તેની જીભ પર ડામ આપ્યા. તેમને શક હતો કે યુવતી પર ભૂતનો ઓછાયો છે. જજ વેંકટેશે સત્ર ન્યાયાધીશના જૂલાઇ ૨૦૧૦ના ચુકાદા માં ફેરફાર કરતી વખતે આ વાત કરી હતી. સત્ર ન્યાયાધીશે ચારે મહિલાઓને એક વરસની જેલની સજા સંભળાવી હતી. આરોપી મહિલાઓએ પહેલા જ ભોગવેલી જેલની  મુદ્દતને અને તેમની ઉમરને જોતા તેમની સજામાં ફેરફાર કર્યો હતો. તેમણે દરેક મહિલાને આઠ સપ્તાહમાં ૧૫-૧૫ હજાર રૂપિયા વળતર જમા કરાવવાનો હુકમ કર્યો હતો. (૧૭.૩)

(10:37 am IST)