Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

દેશમાં એકવાર હોસ્પિટલમાં દાખલ થવાનો સરેરાશ ખર્ચ રૂ. ૨૬૪૫૫

સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કર્યા આંકડાઃ હોસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ એક વ્યકિતના ૩ મહિનાની આવક જેટલોઃ તામિલનાડુ-મહારાષ્ટ્ર કરતા આસામ-ઉત્તરાખંડમાં ઇલાજ મોંઘોઃ દિલ્હીમાં હોસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ માત્ર રૂ. ૭૭૩૭: આસામમાં રૂ. ૫૨૩૬૮

નવી દિલ્હી તા.૨૧: કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ૨૦૧૮ ના જાહેર થયેલા આંકડા મુજબ દેશમાં એકવાર હોસ્પિટલમાં દાખલ થવાનો સરેરાશ ખર્ચ ૨૬૪૫૫ રૂપિયા આવે છે. આ રકમ ભારતના પ્રતિ વ્યકિત આવક પ્રમાણે એક ભારતીયની ત્રણ મહિનાની આવક જેટલી છે.

આંકડા પર ધ્યાન આપીએ તો તમીલનાડું અને મહારાષ્ટ્ર જેવા વિકસીત રાજયોની સરખામણીમાં આસમ અને ઉત્તરાખંડ જેવા રાજયોમાં ઇલાજ વધારે મોંઘો છે. લોકોની ધારણાથી ઉલટું હોસ્પિટલમાં ભર્તી થયા પછી મેડિકલ અને નોન મેડિકલ ખર્ચ દેશના સારી સ્વાસ્થ્ય સેવા વાળા રાજયો કરતા દિલ્હીમાં સોૈથી ઓછો એટલે કે ૭૭૩૭ રૂપિયા ખર્ચ થાય છે. જયારે આસમમાં એકવાર હોસ્પિટલમાં દાખલ જવાનો સરેરાશ ખર્ચ રૂ. ૫૨૩૬૮ રૂપિયા છે.

હિંદીભાષી રાજયોની વાત કરીએ તો હોસ્પિટલોમાં સોૈથી સસ્તો ઇલાજ ઉત્તર પ્રદેશમાં થાય છે. અહીં હોસ્પિટલમાં દાખલ થવાનો સરેરાશ ખર્ચ ૧૩૯૩૧ રૂપિયા થાય છે. ત્યારપછી ઝારખંડ (૧૬૧૭૪ રૂપિયા), મધ્ય પ્રદેશ(૧૭૧૧૭ રૂપિયા), છત્તીસગઢ (૨૪૮૯૧ રૂપિયા), બીહાર (૨૮૦૫૮ રૂપિયા), રાજસ્થાન (૩૧૯૭૮ રૂપિયા) અને હિમાચલ પ્રદેશ (૩૫૨૧૭ રૂપિયા) નો નંબર આવે છે.

ખાસ વાત એ છે કે હોસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ ૭૫ % લોકો પોતાની ઘરની બચતમાંથી ૧૮ % લોકો દેવું કરીને અને ૦.૪ % લોકો પોતાની સંપતિ વેચીને ચુકવે છે.

દિલ્હીમાં હોસ્પિટલમાં દાખલ થવાનો સરેેરાશ ખર્ચ ઓછો હોવા બાબતે સવાલ પુછાતા આરોગ્ય મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ કહયું કે, એમ્સ, રામ મનોહર લોહીયા, સફદર જંગ અને જીબી પંત જેવી કેન્દ્ર અને રાજય સરકારની મોટી હોસ્પિટલોની હાજરીને કારણે દિલ્હીમાં ઘણા બધા દર્દીઓને સાવ ઓછા ભાવે સારવાર મળે છે. એના કારણે ખાનગી હોસ્પિટલો દ્વારા વધારે ર્ચાજ લેવાતો હોવા છતા સરેરાશ ખર્ચ અહીં ઓછો આવે છે. (૧.૪)

(10:36 am IST)