Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

જ્યારે કોઈ મોટું ઝાડ પડે છે તો ધરતી ધ્રુજે છે : કોંગ્રેસ

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની ૩૧મી પુણ્યતિથિ : અધીર રંજન ચૌધરી પશ્ચિમ બંગાળ પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ છે અને લોકસભામાં વિપક્ષના નેતા છે

નવી દિલ્હી, તા.૨૧ : આજે દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની ૩૧મી પુણ્યતિથિ છે જેના પર કોંગ્રેસી નેતા અધીર રંજન ચૌધરીની એક ટ્વિટથી ભારે ખળભળાટ મચ્યો હતો. બાદમાં તેમણે પોતાની ટ્વિટ ડીલિટ કરી હતી અને સાથે જ જૂની પોસ્ટ અંગે સ્પષ્ટતા પણ આપી હતી. જોકે તેમના દ્વારા જે સ્પષ્ટતા કરવામાં આવી તે મુદ્દે પણ ટીખળ ચાલી રહી છે. અધીર રંજન ચૌધરી પશ્ચિમ બંગાળ પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ છે અને લોકસભામાં વિપક્ષના નેતા છે.

અધીર રંજને ટ્વિટમાં દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને યાદ કરીને ગ્રાફિક્સ સાથે લખ્યું હતું કે, 'જ્યારે કોઈ મોટું ઝાડ પડે છે તો ધરતી ધ્રુજે છે.' ઉલ્લેખનીય છે કે, રાજીવ ગાંધીએ કથિત રીતે પોતાના માતા ઈન્દિરા ગાંધીની હત્યા બાદ આ નિવેદન આપ્યું હતું. રાજીવ ગાંધીએ કહ્યું હતું કે, ઈન્દિરા ગાંધીની હત્યા બાદ ભારતની જનતાને એટલો ક્રોધ આવ્યો, એટલો ગુસ્સો આવ્યો અને કેટલાક દિવસો માટે લોકોને લાગ્યું કે, ભારત ધ્રુજી રહ્યું છે. જ્યારે કોઈ મોટું ઝાડ પડે છે તો ધરતી ધ્રુજે છે. રાજીવના આ નિવેદનને ૧૯૮૪ના શીખવિરોધી તોફાનો સાથે જોડીને જોવામાં આવ્યું હતું.

જોકે અધીર રંજને થોડી વારમાં જ તે ટ્વિટ ડીલિટ કરી દીધી હતી અને નવી ટ્વિટમાં રાજીવ ગાંધીના વિકાસ અંગેના એક નિવેદનને ક્વોટ કર્યું હતું. ત્યાર બાદ અધીર રંજને સ્પષ્ટતા અંગેની ટ્વિટમાં લખ્યું હતું કે, 'મારા નામ સાથે કરવામાં આવેલી ટ્વિટ સાથે મારે કંઈ લાગતું-વળગતું નથી. વિરોધી શક્તિઓ દ્વારા મારા વિરૃદ્ધ એક દુર્ભાવનાપૂર્ણ અભિયાનનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે.'

ભાજપના નેતા મનજિંદર સિંહ સિરસાએ અધીર રંજનની આ ટ્વિટ મુદ્દે નારાજગી વ્યક્ત કરી છે. આ મામલે તેમણે દિલ્હી પોલીસ સમક્ષ કેસ દાખલ કરવા માગણી કરી છે.

સિરસાએ લખ્યું હતું કે, હું દિલ્હી પોલીસ સમક્ષ કેસ દાખલ કરવાની વિનંતી કરૃં છું. અધીર રંજન સિંહ પોતાની ટ્વિટ પોસ્ટ દ્વારા સાંપ્રદાયિક નફરત ફેલાવી રહ્યા છે અને શીખોને ટાર્ગેટ કરી રહ્યા છે. આવા નફરત ફેલાવનારાઓને સોશિયલ મીડિયામાં રહેવાનો કોઈ અધિકાર નથી.

(8:15 pm IST)