Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

તારું નામ મોહમ્મદ છે પૂછીને વૃદ્ધને માર મારતાં મોત થયું

વૃદ્ધને થપ્પડ મારવાનો વીડિયો વાયરલ થયો : એક દિવસ પહેલા આ વૃદ્ધનો પોલીસ દ્વારા ફોટો જાહેર કરાયો હતો, જેમનો મૃતદેહ રામપુરા રોડ પાસેથી મળ્યો

ભોપાલ, તા.૨૧ : મધ્ય પ્રદેશના નીમચમાં વૃદ્ધને શખ્સ દ્વારા સતત થપ્પડ મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં વૃદ્ધને સતત થપ્પડ મારવામાં આવી રહ્યા છે. વીડિયોમાં સાંભળી શકાય છે કે થપ્પડ મારનારી વ્યક્તિ કહે છે કે શુ તારુ નામ મોહમ્મદ છે, તારુ આધાર કાર્ડ બતાવ. વૃદ્ધ કહેતા જોવા મળી રહ્યા છે કે ૨૦૦ રૃપિયા લઈ લો. મહત્વની વાત એ છે કે વીડિયોમાં જોવા મળતા પીડિત વૃદ્ધનો મૃતદેહ રસ્તા પરથી મળ્યો.

આ ઘટના મધ્ય પ્રદેશના નીમચ જિલ્લાના મનાસાની છે. જે વૃદ્ધને થપ્પડ મારવામાં આવી રહ્યા છે તે વૃદ્ધ રતલામ જિલ્લાના સરસી નિવાસી ભંવરલાલ જૈન છે. ભંવરલાલની ઉંમર ૬૫ વર્ષ છે તેઓ માનસિક રીતે કમજોર છે. આશ્ચર્યની વાત એ છે કે સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાંથી એક દિવસ પહેલા આ વૃદ્ધનો મનાસા પોલીસ દ્વારા ફોટો જાહેર કરવામાં આવ્યો હતો. જેમનો મૃતદેહ રામપુરા રોડ પાસેથી મળ્યો હતો. જેમની ઓળખ ભંવરલાલ જૈન તરીકે થઈ છે. વીડિયો વાયરલ થતા મૃતકના ભાઈ અને ગામના લોકો મોટી સંખ્યામાં મનાસા સ્ટેશન પર એકઠા થઈ ગયા. તેમણે આરોપની ધરપકડ કરીને કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.

સોશિયલ મીડિયામાં સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતા વૃદ્ધના મૃત્યુને પગલે લોકોએ હોબાળો મચાવતા રાજ્યના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ જાણકારી આપતા જણાવ્યુ કે મનાસા પોલીસે મારામારી કરનારની ઓળખ કરી લીધી છે. મારામારી કરનાર આરોપી દિનેશ બોથલાલ કુશવાહ છે, જે મનાસાના કાછી મોહલ્લાના રહેવાસી છે. જેઓ ભાજપના પૂર્વ કાઉન્સિલરના પતિ છે. પોલીસે સમગ્ર મામલે ૩૦૨ કલમ હેઠળ કેસ નોંધીને આરોપીની તપાસ શરૃ કરી દીધી છે. કોંગ્રેસના યુવા નેતા જીતૂ પટવારીએ પણ આ ઘટનાને લઈને ટ્વીટ કરી છે.

(8:13 pm IST)