Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

જ્ઞાનવાપી કેસમાં 'શિવલિંગ' વિષે કથિત વાંધાજનક ટિપ્પણી કરવાના આરોપી પ્રોફેસર રતન લાલના જામીન મંજુર : દિલ્હી યુનિવર્સીટીના પ્રોફેસર રતન લાલ હિન્દૂ કોલેજમાં ઈતિહાસ વિષય ભણાવે છે : સોશિયલ મીડિયા પર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતી સામગ્રી પોસ્ટ કરવાનો આરોપ

ન્યુદિલ્હી : જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં કથિત 'શિવલિંગ' પર તેમની વાંધાજનક સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ચર્ચામાં આવેલા દિલ્હી યુનિવર્સિટી (DU)ના પ્રોફેસર રતન લાલને જામીન મળી ગયા છે. દિલ્હીની તીસ હજારી કોર્ટે શનિવારે પ્રોફેસર રતન લાલને રૂ. 50,000ની જામીન અને એટલી જ રકમની ગેરંટરના આધારે જામીન આપ્યા હતા.

દિલ્હી પોલીસે પ્રોફેસર રતન લાલને શનિવારે બપોરે તીસ હજારી કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસ અને બચાવ પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે રતન લાલની જામીન અરજી અથવા જ્યુડિશિયલ કસ્ટડી પર નિર્ણય અનામત રાખ્યો હતો.

પ્રોફેસર રતન લાલની ધરપકડના વિરોધમાં ડાબેરી સંગઠનોના વિદ્યાર્થીઓએ શનિવારે મોરિસ નગરમાં આર્ટ ફેકલ્ટી અને સાયબર પોલીસ સ્ટેશનની બહાર ધરણા કર્યા હતા.

દિલ્હી પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે રતન લાલ હિંદુ કોલેજમાં ઈતિહાસના પ્રોફેસર છે. પોલીસને થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર અપમાનજનક અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના હેતુથી વાંધાજનક સામગ્રી પોસ્ટ કરવા બદલ ફરિયાદ મળી હતી.

તેમણે કહ્યું કે ઉત્તરી જિલ્લાના સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદના આધારે 20 મેની રાત્રે ભારતીય દંડ સંહિતાની કલમ 153A અને 295A હેઠળ કેસ નોંધીને પ્રોફેસરની ધરપકડ કરવામાં આવી હતી.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(6:49 pm IST)