Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

સિધ્‍ધુ જેલમાં : કેદી નંબર ૨૪૧૩૮૩ નવી ઓળખ : રાત્રી બેચેનીમાં વિતાવી : ૪ માસ પછી મળશે પેરોલ

રાત્રે જમવાની ના પાડી : પાંચ કેદી સાથે બેરેક નં. ૧૦માં કેદ

પટિયાલા તા. ૨૧ : ૩૪ વર્ષ જૂના રોડ રેજ કેસમાં સજા સંભળાવ્‍યા બાદ પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્‍યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ રાત પટિયાલા જેલમાં વિતાવી. તેને હવે કેદી નંબર ૨૪૧૩૮૩નું નવું નામ મળ્‍યું છે. રાત્રે સિદ્ધુને જેલની  જેલની લાઇબ્રેરીમાં રાખવામાં આવ્‍યો હતો. તે શિરોમણી અકાલી દળના નેતા અને જેલમાં રહેલા કટ્ટર હરીફ બિક્રમ સિંહ મજીઠિયાના પાડોશી છે.
જેલ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ તેને હવે જેલમાં બેરેક નંબર ૧૦ ફાળવવામાં આવ્‍યો છે. એવું પણ જાણવા મળ્‍યું છે કે સિદ્ધુએ રાત્રે જેલમાં ઉપલબ્‍ધ રોટલી અને દાળ ખાધી નથી. તેણે પોતે ઘઉંની એલર્જી ટાંકી હતી. જેલના સૂત્રોએ જણાવ્‍યું કે સિદ્ધુ માત્ર ફળ અને સલાડ જ ખાતા હતા.
નવજોત સિંહ સિદ્ધુ અન્‍ય પાંચ કેદીઓ સાથે સેન્‍ટ્રલ જેલની બેરેક નંબર ૧૦માં કેદ છે. નાની બેરેકને કારણે તેમાં માત્ર ચારથી પાંચ કેદીઓ જ બંધ રહેશે. સવારે વહેલા ઉઠ્‍યા બાદ નવજોત સિંહ સિદ્ધુ કુર્તા પાયજામા પહેરીને બેરેકમાં બેઠા હતા.
સિદ્ધુ મજીઠિયાની બેરેકથી લગભગ ૫૦૦ મીટરના અંતરે જેલમાં રહેશે. મળતી માહિતી મુજબ મજીઠિયાને બેરેક નંબર ૧૧માં રાખવામાં આવ્‍યા છે. સિદ્ધુ અને મજીઠિયાની બેરેકની બહાર વધારાની સુરક્ષા વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.
જેલ સૂત્રોના જણાવ્‍યા અનુસાર નવજોત સિંહ સિદ્ધુ પણ રાત્રે થોડા બેચેન દેખાતા હતા. તે સેન્‍ટ્રલ જેલની લાઈબ્રેરીના પરિસરમાં રાત રોકાયો હતો અને આજે તેને બેરેક નંબર ૧૦માં શિફટ કરવામાં આવશે. અહીંથી બિક્રમ મજીઠીયાની બેરેક ૮૦૦ મીટર દૂર છે. જેલ પ્રશાસને શુક્રવારે સવારે જ કમ્‍પાઉન્‍ડ પાસે સુરક્ષાકર્મીઓ તૈનાત કર્યા હતા. સિદ્ધુએ કેદીનો પોશાક પહેરવો પડશે, જયારે મજીઠિયા હવાલાતી હોવાથી સામાન્‍ય કપડાં પહેરી શકશે.
નવજોત સિંહ સિદ્ધુ અઠવાડિયામાં માત્ર ૨ દિવસ તેમના પરિવાર અને સમર્થકોને મળી શકશે. જેલના નિયમો મુજબ કેદીઓ મંગળવાર અને શુક્રવારે તેમના સંબંધીઓને મળી શકે છે. અન્‍ડર ટ્રાયલ કેદીઓને અઠવાડિયાના બાકીના દિવસો માટે સોમવારથી શનિવાર સુધી મળવાનો સમય આપવામાં આવ્‍યો છે. જેલમાં બંધ બિક્રમ સિંહ મજીઠિયા અંડર ટ્રાયલ કેદી હોવાના કારણે બાકીના દિવસ માટે મળી શકે છે.

આ રીતે હશે સિધ્‍ધુની દિનચર્યા
*    સાડા   પાંચ વાગ્‍યે દિવસની શરૂઆત ચા સાથે બિસ્‍કિટ અથવા કાળા ચણા
*    સેન્‍ટ્રલ જેલમાં કેદીઓનો દિવસ ૫.૩૦ વાગ્‍યાથી શરૂ થાય છે.
*    સવારે સાત વાગ્‍યે ચા સાથે બિસ્‍કીટ અથવા કાળા ચણા આપવામાં આવે છે.
*    સાડા   આઠ વાગે છ રોટલી, કઠોળ કે શાક આપવામાં આવે છે.
*    આ પછી, કેદીઓએ જેલ સત્તાવાળાઓ દ્વારા સોંપાયેલ કામ કરવાનું હોય છે.
*    સાંજે ૫.૩૦ વાગ્‍યે કામમાંથી બ્રેક છે.
*    સાંજે છ વાગ્‍યે જમવામાં છ રોટલી, કઠોળ કે શાક આપવામાં આવે છે.
*    કેદીઓને સાંજે સાત વાગ્‍યે બેરેકમાં મોકલવામાં આવે છે.
*    કેદીઓ રોજનું કામ શરૂ કરતા પહેલા અને બેરેકમાં જતા પહેલા જેલ પરિસરમાં બનેલા ધાર્મિક સ્‍થળોમાં પ્રાર્થના કરી શકે છે.

જેલમાં સિદ્ધુને આપવામાં
આવી આ વસ્‍તુ
એક ખુરશી-ટેબલ
એક આલમારી
બે પાઘડી
બે પથારીની ચાદર
મચ્‍છરદાની
ત્રણ અન્‍ડરવેર અને વેસ્‍ટ
બે ટુવાલ
એક કોપી-પેન
બુટ ની જોડી
બે ઓશીકું કવર
ચાર કુર્તા પાયજામા

 

(12:09 pm IST)