Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

કોરોનાની અસર : મુસ્લિમ દેશોમાં ઇદ ઉલ ફીતર નિમિતે કર્ફયુની ઘોષણા

મિશ્ર, તુર્કી, ઓમાન, કતર, સાઉદી અરબ સંયુકત અરબ અમીરાતનો સમાવેશ

કાહીરા તા. ૨૧ : કોરોના વાયરસના સંક્રમણ અંતર્ગત મોટાભાગના મુસ્લિમ દેશોમાં રમઝાન ઇદમાં કર્ફયુ લગાવવા માટેની ઘોષણા કરવામાં આવી છે. આ દેશોમાં મિશ્ર, તુર્કી, ઓમાન, કતર, સાઉદી અરબ, સંયુકત અરબ, અમીરાત વગેરે દેશોનો સમાવેશ થાય છે. આ મામલે તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયબ એદોગાનએ દેશમાં ઇદની રજા દરમિયાન તા. ૨૩ થી ૨૬ મે સુધી ચાર દિવસ માટે કર્ફયુ લગાવ્યો છે.

'ડોન' અખબારના અહેવાલ મુજબ અગાઉ ૩૧ પ્રાંતોમાં કર્ફયુની ઘોષણા કરવામાં આવી હતી પરંતુ ઇદ દરમિયાન દેશના ૮૧ પ્રાંતોમાં કર્ફયુ લગાવવામાં આવશે. તુર્કી પહેલા સાઉદી અરબ અને સંયુકત અરબ અમીરાતમાં પણ વાયરસના સંક્રમણને રોકવા માટે ઇદ નિમિતે કર્ફયુની ઘોષણા કરી હતી. મિશ્રમાં પણ ૨૪ મે થી છ દિવસની રજા દરમિયાન દેશવ્યાપી લોકડાઉન લાગુ કરવાની ઘોષણા કરી છે.

જોર્ડનમાં ઇદના આગલા દિવસે લોકોને અવર-જવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે પરંતુ તે પછીના દિવસોમાં લોકોને પોતાના વાહનો સાથે પોતાની સુરક્ષા જાળવીને બહાર નીકળવા માટેની મંજૂરી અપાશે. તેમજ કતરમાં નવા કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે કેટલાય નવા ઉપાયોની ઘોષણા કરવામાં આવી છે.

તંત્ર દ્વારા ઘોષણા કરવામાં આવી છે. ઇદ નિમિતે રજા દરમિયાન ખાવા-પીવા માટે અને કેટરીંગ, શોપીંગ, ફાર્મસિસ્ટ, રેસ્ટોરન્ટની ડીલેવરી સેવાઓ અને અન્ય આવશ્યક સેવાઓને ચાલુ રહેશે પરંતુ બીજી દુકાનો ઇદની રજા દરમિયાન બંધ રહેશે. ઇદની રજા દરમિયાન કાનુની ઉલ્લંઘન અને ઘરની બહાર નીકળનારા સામે દંડ અને જેલની સજા પણ કરવામાં આવશે તેમ જણાવાયું છે.

(12:54 pm IST)