Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

રિલાયન્સ ઇન્ડસ્ટ્રી સૌથી વધુ કારોબાર કરનાર કંપની બની

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ વધુ એક સિદ્ધિ મેળવી : હવે જાહેર ક્ષેત્રની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનને પછડાટ આપી દેવામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીને સફળતા હાથ લાગી

નવી દિલ્હી, તા. ૨૧ : દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ જાહેર ક્ષેત્રની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનને પાછળ છોડીને દેશમાં સૌથી વધારે આવક નોંધાવનાર કંપની બની ગઈ છે. પેટ્રોલિયમથી લઇને રિટેલ વેપાર અને દૂરસંચાર જેવા જુદા જુદા ક્ષેત્રોમાં ફેલાયેલા આરઆઈએલના ૨૦૧૮-૧૯માં કુલ કારોબારનો આંકડો ૬.૨૩ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે જ્યારે આઈઓસીએ ૩૧મી માર્ચ ૨૦૧૯ના દિવસે પૂર્ણ થયેલા નાણાંકીય વર્ષમાં ૬.૧૭ લાખ કરોડ રૂપિયાનો કારોબાર કર્યો હતો. બંને કંપનીઓ દ્વારા આપવામાં આવેલી માહિતીમાં કેટલીક વિગતો સપાટી ઉપર આવી છે. આરઆઈએલ જુદા જુદા ક્ષેત્રોમાં કારોબાર કરે છે. સૌથી વધારે કારોબાર કંપની તરીકે હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી બની ગઈ છે. આઈઓસીની સરખામણીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનો નફો બે ગણાથી વધારે રહ્યો છે. વધતા જતા કારોબાર વચ્ચે રિલાયન્સનો નફો ૨૦૧૮-૧૯માં ૩૯૫૮૮ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે જ્યારે ઇન્ડિયન ઓઇએલે ૧૭૨૭૪ રૂપિયાનો નફો કર્યો છે. આનીસાથે જ ઇન્ડિયન ઓઇલને પાછળ છોડીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ બાજી મારી લીધી છે. આઈઓસી છેલ્લા વર્ષ સુધી દેશની સૌથી વધારે નફો કરનાર કંપની હતી પરંતુ આ વર્ષે લાગે છે કે, તેલ અને કુદરતી ગેસ નિગમ (ઓએનજીસી) તેને પાછળ છોડી દેશે. ઓએનજીસીના વાર્ષિક પરિણામ હજુ જારી કરાયા નથી. કંપનીએ પ્રથમ નવ મહિનામાં ૨૨૬૭૧ કરોડ રૂપિયાનો નફો મેળવી લીધો છે. બીજી બાજુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનો શુદ્ધ નફો ૧૩ ટકા વધીને ૩૯૫૮૮ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે.

(9:07 pm IST)