Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

આવકથી વધુ સંપત્તિ કેસ

મુલાયમ - અખિલેશને CBI તરફથી રાહત

નવી દિલ્હી તા. ૨૧ : આવકના જાણીતા  સ્ત્રોતથી વધારે સંપત્તિ રાખવાના મામલામાં સીબીઆઈએ મુલાયમસિંહ અને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મુલાયમસિંહ યાદવ વિરુદ્ઘ સુપ્રીમ કોર્ટમાં એક સોગંદનામું દાખલ કર્યું છે. આ સોંગદનામામાં સીબીઆઈએ તેમને કિલનચીટ આપી દીધી હોવાનું સામે આવી રહ્યું છે. સીબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે, પિતા-પુત્રો વિરુદ્ઘ રેગ્યુલર કેસ (આરસી) દાખલ કરવા માટે આ મામલે તેમને કોઈ જ પુરાવાઓ પ્રાપ્ત થયા નથી.

ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે ૨૫ માર્ચના રોજ સર્વોચ્ચ અદાલતે આવક કરતા વધુ સંપત્તિ એકત્રિત કરવાના મામલે સમાજવાદી પક્ષના નેતા મુલાયમસિંહ યાદવ અને તેના પુત્રો અખિલેશ યાદવ અને પ્રતીક યાદવ વિરુદ્ઘ થયેલી અરજી ઉપર સીબીઆઈને નોટિસ જારી કરી હતી. તે સમયે સુપ્રીમના મુખ્ય ન્યાયધીશ રંજન ગોગોઈ અને ન્યાયધીશ દિપક ગુપ્તાની ખંડપીઠે સીબીઆઈને આ કેસમાં તપાસની શું સ્થિતિ છે તે જણાવવા માટે બે સપ્તાહનો સમય આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે પહેલી માર્ચ, ૨૦૦૭ના રોજ તેના નિર્ણયમાં સીબીઆઈને સમાજવાદી પક્ષના નેતાઓ વિરૂદ્ઘ આવકથી વધુ સંપત્તિ એકત્રિત કરવા અંગેની જે અરજી થઇ હતી તે સાચી છે કે નહિ તે અંગે તપાસ કરવાનો આદેશ કર્યો હતો. કોર્ટે ૨૦૧૨માં મુલાયમ અને તેના પુત્રો વિરુદ્ઘ કરેલા એક નિર્ણયમાં આ મુદ્દે થયેલી પુનઃવિચાર અરજીને ફગાવી દીધી હતી અને સીબીઆઈને આ કેસમાં તપાસને ક્રમાનુસાર આગળ વધારવાના નિર્દેશ આપ્યા હતા.

(3:35 pm IST)