Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

ધર્મ અંગે સતત ચિંતન કરતા રહેવું જોઈએઃ પૂ. મોરારીબાપુ

રાજસ્થાનમાં આયોજીત 'માનસ કબંધ' શ્રીરામકથાનો ત્રીજો દિવસ

રાજકોટ, તા. ૨૦ :. 'ધર્મ અંગે સતત ચિંતન કરતા રહેવું જોઈએ' તેમ પૂ. મોરારીબાપુએ રાજસ્થાનના ડુંગરપુર-ખડગદા ખાતે આયોજીત 'માનસ કબંધ' શ્રીરામકથાના ત્રીજા દિવસે કહ્યુ હતુ.

પૂ. મોરારીબાપુએ જણાવ્યુ કે હિંસાને ધર્મના રૂપથી પ્રસ્થાપિત ન કરવો જોઈએ.

પૂ. મોરારીબાપુએ ગઈકાલે બીજા દિવસે કહ્યું હતુ કે, તમે ગમે એટલા સતકર્મ કરો પણ એ પરમાત્માને સમર્પિત ન કરો, ત્યાં સુધી એ ફળતા નથી. મારે નવ દિવસ માટે કબંધથી સંબંધ જોડવો છે. આપણામાં કયાંય કબંધ તત્વ છે કે પછી આવતાવેત પરમાત્માએ એનો નિપાત કરી દીધો છે ? બાપુએ એ અન્વયે કબંધ અને ભગવાન રામના મિલનની થોડીક લીલા-એનો ક્રમ સંક્ષિપ્તમાં સમજાવ્યો હતો.

કબંધનો અર્થ સાધુએ આ પ્રમાણે કર્યો છે. 'ક' અર્થાત કઠોર અને 'બંધ' એટલે બંધન. કઠોર બંધનને કબંધ કહેવાય. કોઈપણ ઉપર તમે બંધન કરો તો તમે માણસ નથી પણ કબંધ છો. મા બાળક પર પ્રેયસી એના પ્રિય-પ્રેમી પર બંધન નાખે છે પણ એમાં સંવેદના છે. એ કબંધ નથી. હવે કઠોર બંધન-પણ કઠોર વસ્તુ કોને કહેવી ? પાંચ વસ્તુઓ કઠોર છે. (૧) લાકડી, (૨) પથ્થર, (૩) લોઢું, (૪) વજ્ર, (૫) સંવેદનમુકત માનવીનું મન.

રામચરિત માનસ એ આવી બુઝાઈ ગયેલી સંવેદનાને ફરી ચેતવંતી કરવાનું કામ કરે છે. રામકથા એ સંવેદના પ્રગટ કરવાનો એક યજ્ઞ છે.

કબંધને ઘણા શ્રાપ મળ્યા છે. એનું કઠોરપણુ જ એનો શ્રાપ છે. કઠોર ન બનો, કોઈ ક્રોધ કરે તો એમાં ઘી ન નાખો, એના ઉપર એક લોટો પાણી નાંખો. રામકથા એ કેવળ કથા નથી, પણ જીવનની વાસ્તવિકતા છે તેમ અંતમાં પૂ. મોરારીબાપુએ જણાવ્યુ હતુ.

(11:20 am IST)