Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

ગર્લફ્રેન્ડ સાથે લગ્ન દરમ્યાન પત્ની પણ લગ્ન મંડપમાં બેઠી

છત્તીસગઢમાં પત્નીની સંમતિથી સીઆરપીએફ જવાને કર્યા બીજા લગ્ન : બન્ને સાથે થયા લગ્ન

છત્તીસગઢ, તા. ર૧ : છત્તીસગઢના જશપુર જીલ્લામાં એક વરરાજાએ બે દુલ્હનો સાથે એકસાથે લગ્ન કરી લીધા જેમાં એક તો તેની પત્ની હતી. મીડીયા રિપોર્ટ અનુસાર, સીઆરપીએફના જવાન અનિલના ચાર વર્ષ પહેલા ગામમાં જ લગ્ન થયા હતા. ત્યાર પછી અનિલને ગામની આંગણવાડી કાર્યકર્તા સાથે પ્રેમ થઇ ગયો. આ દરમ્યાન તેનું પોસ્ટીંગ વારાણસીમાં હતું પણ રજામાં તે ગામડે આવતો રહેતો હતો. પ્રેમ સંબંધોની જાણ થતાં, પત્નીની સંમતિ પછી પરિવાર અને સમાજની મીટીંગ થઇ હતી. સમાજની મીટીંગમાં અનિલની પત્નીએ પોતાને કોઇ વાંધો ન હોવાનું જણાવ્યું હતું, ત્યાર પછી અનિલ અને તેની પ્રેમિકા માટે માર્ગ મોકળો થઇ ગયો હતો, પણ અનિલે પોતાની પહેલી પત્નીને નથી તરછોડી. તેણે એક જ મંડપમાં બન્ને સાથે લગ્ન કરી લીધા હતા. પહેલી પત્ની અને પ્રેમિકાને બંન્નેને દુલ્હન બનાવીને બેસાડવામાં આવી. 

એવું કહેવાય છે કે અનિલને પહેલી પત્ની દ્વારા કોઇ સંતાન નહોતું. અનિલના બીજા લગ્ન માટેનું આ પણ એક કારણ હતું. પરિવારજનો પણ આ કારણે જ બીજી વહુ લાવવા માટે સંમત થયા હતા. ગયા વર્ષે અનિલના નાના ભાઇના લગ્ન હતા પણ તેના ભાઇએ જાન જવાની હતી તે જ દિવસે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. આ સ્થિતિમાં અનિલ તેના પરિવારમાં એક માત્ર બચ્યો હતો.

કાયદાની દૃષ્ટિએ ગુનો

અનિલના આ બીજા લગ્નમાં ગામ લોકો પણ જોડાયા હતા અને લગ્ન સમારંભં બહુ ધામધુમથી મનાવવામાં આવ્યો હતો, પણ હિન્દુ મેરેજ એકટ હેઠળ આ લગ્ન ગેરકાયદેસર છે. જાણકારો અનુસાર, હિન્દુ મેરેજ એકટ હેઠળ કોઇ પણ વ્યકિત પહેલી પત્ની હોય ત્યાં સુધી બીજા લગ્ન ન કરી શકે. તેના માટે તેણે પહેલી પત્નીને છુટાછેડા આપવા જરૂરી છે.

(10:38 am IST)