Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

કોંગી કાર્યકરોને પાનો ચડાવતા પ્રિયંકા

એકિઝટ પોલ્સથી હિંમત હારશો નહીં : સ્ટ્રોંગ રૂમ્સ પર ચાંપતી નજર રાખજો

નવી દિલ્હી તા. ૨૧ : અનેક એજન્સીઓ અને ન્યૂઝ ચેનલોનાં એકિઝટ પોલ્સમાં ભાજપની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ) ગ્રુપની આસાન જીતની શકયતા દર્શાવવામાં આવી છે, પરંતુ કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રાએ એમનાં પક્ષનાં કાર્યકરોને એક ઓડિયો રેકોર્ડિંગ દ્વારા વિનંતી કરી છે કે તેઓ એકિઝટ પોલ્સના સર્વેક્ષણોમાં માને નહીં

ઓડિયો કિલપમાં પ્રિયંકા એવું બોલતાં સંભળાય છે કે, કાર્યકર્તા બહેનો અને ભાઈઓ, અફવાઓ અને એકિઝટ પોલ્સથી હિંમત હારશો નહીં. એ માત્ર તમારો જુસ્સો તોડવા માટે જ ફેલાવવામાં આવી રહ્યા છે. તમે હિંમત હારશો નહીં. ઈલેકટ્રોનિક વોટિંગ મશીનો (ઈવીએમ) જયાં રાખવામાં આવ્યા છે તે સ્ટ્રોંગ રૂમ્સ અને કાઉન્ટિંગ રૂમ્સ પર ચાંપતી નજર રાખજો. મને વિશ્વાસ છે કે આપણો સખત પરિશ્રમ આપણને સારાં ફળ આપશે.

ઉલ્લેખનીય છે કે, ગયા રવિવાર અને સોમવારે ટેલિવિઝન ચેનલો પર અનેક એકિઝટ પોલ્સ રજૂ કરવામાં આવ્યા હતા જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે લોકસભા ચૂંટણી-૨૦૧૯માં ભાજપ-એનડીએ જીતશે અને એ જ ફરી કેન્દ્રમાં સત્તા પર આવશે. મોટા ભાગના એકિઝટ પોલ્સે ૫૪૨ સીટવાળી લોકસભામાં ભાજપને બહુમતી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ફરી જયજયકારના તારણો રજૂ કર્યા હતા.

સાત રાઉન્ડવાળી લોકસભા ચૂંટણી, જે ૧૧ એપ્રિલથી શરૂ થઈ હતી, તે ગયા રવિવારે ૧૯ મેએ સાતમા અને આખરી રાઉન્ડના મતદાન સાથે સમાપ્ત થઈ ગઈ છે. હવે ૨૩ મેએ મતગણતરી થશે અને એ જ દિવસે પરિણામની જાહેરાત થશે.

(10:25 am IST)