Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

લોકસભા ચૂંટણીમાં સોશ્યલ મીડિયાના દુરૂપયોગની ૯૦૯ અને પેઇડ ન્યુઝની ૬૪૭ ઘટના

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019 માટે મતદાન પૂર્ણ થયું છે. વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક દેશ ભારતમાં વખતે લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાઇ હતી. રવિવારે આખરી તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે અને આગામી 23મીએ પરિણામ જાહેર થવાના છે. Exit Poll 2019 આંકડા રવિવારે જાહેર કરાતાં સત્તારૂઢ મોદી સરકાર ફરી એકવાર સત્તા ટકાવી રાખશે એવો એક્ઝિટ પોલનો સૂર જોવા મળી રહ્યો છે. જોકે લોકસભા ચૂંટણી દરમિયાન ચોંકાવનારી વિગતો પણ સામે આવી છે. ચૂંટણી દરમિયાન સોશિયલ મીડિયા અને પેઇડ ન્યૂઝ અંગેની ઢગલેબંધ ફરિયાદો સામે આવી છે.

ભારતીય ચૂંટણી પંચે જણાવ્યું કે, લોકસભા ચૂંટણી 2019 દરમિયાન પેઈડ ન્યુઝના 647 કેસ જોવા મળ્યા છે, જ્યારે સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પરથી 909 પોસ્ટને દૂર કરવામાં આવી હતી. સાત તબક્કામાં 84 દિવસ સુધી યોજાયેલી લોકસભા ચૂંટણી-2019 (Loksabha elections 2019) પુરી ચુકી છે. હવે 23 મેનાં રોજ પરિણા જાહેર કરવામાં આવશે.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, પેઈડ ન્યૂઝના કુલ કેસમાં 57 કેસ સાતમા તબક્કાના મતદાન દરમિયાન જોવા મળ્યા. છઠ્ઠા તબક્કામાં 1, પાંચમાં તબક્કામાં 8, ચોથા તબક્કામાં 136, ત્રીજા તબક્કામાં 52, બીજા તબક્કામાં 51 કેસ જોવા મળ્યા હતા. પ્રથમ તબક્કામાં પેઈડ ન્યૂઝના સૌથી 342 કેસ જોવા મળ્યા હતા. પંચે જણાવ્યું કે, 2014ની લોકસભા ચૂંટણીમાં પેઈડ ન્યૂઝના 1,297 કેસ જોવા મળ્યા હતા, જે સૌથી ખરાબ સ્થિતી હતી.

સોશિયલ મીડિયાનો પણ કરાયો દુરૂપયોગ

ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણી 2019માં સૌ પ્રથમ વખત સોશિયલ મીડિયા માટે ઐચ્છિત આચારસંહિતા લાગુ કરવામાં આવી. સાથે સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર નજર રાખવા માટે તમામ ચૂંટણી ક્ષેત્રોમાં વિશેષજ્ઞો અને નોડલ અધિકારીઓની પણ નિમણૂક કરી હતી.

ચૂંટણી પંચે જણાવ્યું કે, લોકસભા ચૂંટણી 2019 દરમિયાન સોશિયલ મીડિયાના જાણીતા પ્લેટફોર્મ એવા ફેસબૂક પરથી 650 પોસ્ટ, ટ્વિટર પરથી 220, શેરચેટમાંથી 31, ગૂગલમાંથી 5 અને વ્હોટ્સએપમાંથી 3 પોસ્ટને દૂર કરવામાં આવી હતી.

સોશિયલ મીડિયા પાછળ 53 કરોડનો ખર્ચ

ભારતમાં 2014ની લોકસભા ચૂંટણીથી સોશિયલ મીડિયાનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવાની શરૂઆત થઈ હતી. વર્તમાન લોકસભા ચૂંટણી 2019માં ફેબ્રુઆરીથી અત્યાર સુધી વિવિધ રાજકીય પક્ષો દ્વારા ફેસબુક અને ગૂગલ જેવા ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રચાર પાછળ રૂ.53 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પાર્ટીની જાહેરાતો પાછળ દેશના વિવિધ રાજકીય પક્ષોએ 26.5 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે.

(12:00 am IST)