Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

કર્ણાટકમાં જનાદેશ કોંગી અને JDSની વિરૂદ્ધમાં હતો : શાહ

જનાદેશ ભાજપની સાથે હતો જેથી સરકાર બનાવવા દાવો કરાયો : અડધાથી વધુ મંત્રીઓની હાર, મુખ્યમંત્રીની હારની ઉજવણી કોંગ્રેસ પાર્ટીએ કરી છે : જેડીએસ દ્વારા ૮૦ સીટો પર જમાનત જપ્ત થયાની ઉજવણી કરાઈ

નવી દિલ્હી, તા.૨૧ ; ભાજપ અધ્યક્ષ અમિત શાહે કર્ણાટકમાં પોતાની પાર્ટીની સરકાર બનવામાં નિષ્ફળ પ્રયાસ થયા પછી આજે પ્રથમ વખત પોતાની પ્રતિક્રિયા આપી હતી. પોતાની પાર્ટીની સરકાર બનાવવાના નિષ્ફળ પ્રયાસનો અમિત શાહે બચાવ પણ કર્યો હતો. અમિત શાહે કહ્યું હતું કે કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધનને કોઈપણ પ્રકારનું સમર્થન લોકો તરફથી મળ્યું નથી. આ ગઠબંધન અપવિત્ર ગઠબંધન તરીકે છે. તેમણે ઉમેર્યું હતું કે સૌથી મોટી પાર્ટી તરીકે સરકાર બનાવવાનો દાવો કરવાની બાબત બિલકુલ યોગ્ય હતી. ભાજપ ઉપર સરકાર બનાવવા માટે હોર્સ ટ્રેડિંગની મદદ લેવાના પ્રયાસોના આક્ષેપો પર વાત કરતા શાહે કહ્યું હતું કે કોંગ્રેસે સમગ્ર અસ્તબલની ખરીદી કરી લીધી હતી. કોંગ્રેસ પર સુપ્રિમ કોર્ટમાં પણ ખોટા નિવેદન કરવાનો અમિત શાહે આક્ષેપ કર્યો હતો અને કહ્યું હતું કે કોંગ્રેસે એવી ખોટી વાત કરી હતી કે યેદીયુરપ્પાએ બહુમતી પુરવાર કરવા માટે રાજ્યપાલ પાસેથી સાત દિવસનો સમય માંગ્યો હતો. ભાજપ અધ્યક્ષે કહ્યું હતું કે કર્ણાટકમાં જનાદેશ કોંગ્રેસની સાથે રહ્યો નથી. પ્રજાએ કોંગ્રેસને જ્યાંથી હરાવી શકવાની સ્થિતિ હતી ત્યાંથી ફેંકી દીધી હતી. શાહે ઉમેર્યું હતું કે કર્ણાટકની પ્રજાએ અમને જનમત આપ્યો હતો અને જનમત કોંગ્રેસની વિરૂદ્ધમાં હતો. જેડીએસની પાર્ટી પણ એ જ જગ્યાએ જીતી છે જ્યાં ભાજપની સંગઠન શક્તિ નબળી હતી. આ જનાદેશ કોંગ્રેસના વિરૂદ્ધમાં છે. તેના અડધાથી વધુ મંત્રીઓ હારી ચુક્યા છે. તેમના મુખ્યમંત્રી પોતે એક જગ્યાએથી હારી ગયા હતા. બીજી સીટ ઉપર ખૂબ ઓછા માર્જિનથી જીતી શક્યા હતા. શાહે કહ્યું હતું કે કોંગ્રેસ સરકારના ભ્રષ્ટાચાર, કુશાસન, દલિત અત્યાર, મહિલા અત્યાચરની વધતી ઘટનાઓના વિષય ઉપર ચુંટણી લડી હતી. કર્ણાટકમાં છેલ્લા પાંચ વર્ષના ગાળામાં ૩૭૦૦ ખેડૂતો આત્મહત્યા કરી ચુક્યા છે. આ તમામ ચીજો એક નિષ્ફળ સરકારની સાબિતી આપી રહી હતી. આને મુદ્દા બનાવીને અમે ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. ઉપરાંત નરેન્દ્ર મોદી સરકારે કર્ણાટક માટે જે કામ કર્યા હતા તેને લોકો જોઈ રહ્યા હતા. સ્વતંત્રતા બાદ સૌથી વધારે નાણાં અને પ્રોજેક્ટ કર્ણાટકને આપવાનું કામ મોદી સરકારે કર્યું હતું. ભાજપ અધ્યક્ષે કહ્યું હતું કે કેટલાક લોકો એક ખોટા પ્રચાર કરવાના પ્રયાસ કરે છે કે પૂર્ણ બહુમતી ન હોવા છતાં ભાજપે સરકાર બનાવવાના પ્રયાસ કર્યા હતા. અમિત શાહે કહ્યું હતું કે અમે સૌથી મોટા પક્ષ તરીકે ઉભર્યા હતા. જેથી અમારો દાવો મજબૂત હતો. જો અમે સરકાર બનાવવાનો દાવો ન કર્યો હોત તો લોકોના જનાદેશનું અપમાન રહ્યું હતો. કોંગ્રેસની વિરૂદ્ધમાં જનાદેશ હતો. આવી સ્થિતિમાં દાવો કરીને કોઈ ખોટા કામ કર્યા ન હતા. ગોવા અને મણીપુરમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હોવા છતાં ભાજપના સરકાર બનાવવાના પ્રયાસ અંગે સ્પષ્ટતા કરતા શાહે કહ્યું હતું કે આ રાજ્યોમાં સૌથી મોટી પાર્ટી કોંગ્રેસે સરકાર બનાવવા માટે દાવા જ કર્યા ન હતા. શાહે ઉમેર્યું હતું કે પ્રજાએ સ્પષ્ટ રીતે કોંગ્રેસ સરકારને ફેંકી દીધી હતી. પ્રજાએ કોંગ્રેસને નકારી કાઢી હતી અને જે કોંગ્રેસને હરાવી શકતા હતા તેને જીત અપાવી હતી. ભાજપે લગભગ ૧૩ સીટો નોટા કરતા પણ ઓછા અંતરથી ગુમાવી છે. જે દર્શાવે છે કે ભાજપને જનાદેશ આપવા માટે પ્રજાએ પુરા પ્રયાસો કર્યા હતા. કોંગ્રેસ પાર્ટી અડધાથી વધુ મંત્રીઓની હાર ઉપર ઉજવણી કરી રહી છે તેમ દેખાઈ રહ્યું છે. મુખ્યમંત્રી પોતે હારી ગયા હતા અને હારવાની ઉજવણી કરી રહ્યા છે. જેડીએસને પણ સ્પષ્ટતા કરવાની જરૂર છે કે તેઓ ૩૮ સીટ જીતીને ઉજવણી કરી રહ્યા છે કે પછી ૮૦ સીટો પર જમાનત જપ્ત થવાની ઉજવણી કરી રહ્યા છે.

 

(7:11 pm IST)