Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

સેંસેક્સ ૨૩૨ પોઈન્ટ ઘટીને ૩૪૬૧૬ની નીચી સપાટીએ

શેરબજારમાં રેન્જ આધારિત કારોબાર રહ્યો : નિફ્ટી ૮૦ પોઈન્ટ ઘટી ૧૦૫૧૭ની નીચી સપાટી ઉપર રહ્યો : નિફ્ટી પીએસયુ બેંક ઈન્ડેક્ષમાં બે ટકાનો ઉછાળો

મુંબઇ,તા. ૨૧ : શેરબજારમાં આજે રેન્જ આધારિત કારોબાર રહ્યો હતો. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી બાદના રાજકીય ઘટનાક્રમની અસર વચ્ચે જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. રેન્જ આધારિત કારોબારના અંતે સેન્સેક્સ ૨૩૨ પોઈન્ટ ઘટીને ૩૪૬૧૬ની નીચી સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૮૦ પોઈન્ટ ઘટીને ૧૦૫૧૭ની નીચી સપાટીએ રહ્યો હતો. બીએસ યેદીયુરપ્પાની મુખ્યમંત્રી તરીકેની ત્રીજી અવધિ માત્ર ૫૫ કલાક સુધી ચાલી હતી. શનિવારે તેમના રાજીનામા બાદ રાજકીય ઘટનાક્રમનો દોર શરૂ થયો હતો. લોકસભાની ચૂંટણીમાં ભાજપને સૌથી વધારે સીટો મળી હોવા છતાં તેને સરકાર બનાવવામાં સફળતા મળી નથી. સેકટરલ ઈન્ડેક્ષની વાત કરવામાં આવે તો નિફ્ટી પીએસયુ બેન્ક ઈન્ડેક્ષમાં બે ટકાથી વધુનો ઉછાળો રહ્યો હતો. બેંક ઓફ ઈન્ડિયા, કેનેરા બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના શેરમાં વધારો થયો હતો. આ ઉપરાંત અન્ય શેરોમાં પણ તેજી રહી હતી. આ સપ્તાહમાં અનેક મહાકાય કંપનીઓના પરિણામ જાહેર કરવામાં આવનાર છે. અમેરિકી શેરબજારમાં આજે ફ્લેટ કારોબાર રહ્યો હતો. ડાઉજોન્સમાં ૨૪૭૧૫ની સપાટી રહી હતી. જ્યારે એસએન્ડપી ૫૦૦માં સાત પોઈન્ટનો ઘટાડો થતા તેની સપાટી ૨૭૧૩ નોંધાઈ હતી. નાસ્ડેક કંપોઝીટમાં ૨૮ પોઈન્ટનો ઘટાડો થયો હતો. જેથી તેની સપાટી ૭૩૫૪ રહી હતી. એશિયન શેરબજારમાં આજે તેજી રહી હતી. ચીન સાથે અમેરિકાના ટ્રેડ વોરને લઈને સ્થિતિ હળવી બની રહી છે. આંધ્ર બેંક, બાટા ઇન્ડિયા, સિપ્લા, ડો. રેડ્ડી લેબ, આઈઓસી, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ૨૨મી મેના દિવસે તેમના પરિણામ જાહેર કરશે. જ્યારે ગોદરેજ ઇન્ડસ્ટ્રી, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રી, જેટ એરવેઝ, તાતા મોટર્સ દ્વારા ૨૩મી મેના દિવસે તેમના જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક ગાળાના પરિણામ જાહેર કરવામાં  આવનાર છે. ગેઇલ, એમઓઆઈએલના પરિણામ ૨૪મી મેના દિવસે જાહેર કરાશે. બેંક ઓફ બરોડા, કેડિલા હેલ્થ કેર, એન્જિનિયર્સ ઇન્ડિયા, હિન્દુસ્તાન કુપર્સ, સન ફાર્મા, ટેક મહિન્દ્ર દ્વારા શુક્રવારના દિવસે તેમના પરિણામ જાહેર કરવામાં આવનાર છે. કર્ણાટક ઘટનાક્રમની સ્થિતીની અસર પણ બજારમાં જોવા મળી રહી છે. બીએસ યેદીયુરપ્પાએ ગુરુવારના દિવસે નાટ્યાત્મક ઘટનાક્રમ વચ્ચે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા પરંતુ શનિવારે રાજીનામુ આપી દીધું હતું. સરકારની રચના કરવા માટે જરૂરી ૧૧૨ના આંકડા સુધી પહોંચવામાં તેઓ નિષ્ફળ નિવડ્યા હતા. જાણકાર લોકોનું કહેવું છે કે, માર્કેટ માટે અન્ય કોઇપણ પરિબળો નકારાત્મકરીતે રહેનાર નથી. ૯મી મેથી ૧૧મી મે દરમિયાન એનબીએફસીનો આઈપીઓ લાવવામાં આવ્યો હતો.  ક્રૂડની કિંમત સતત છઠ્ઠા સપ્તાહમાં વધી ગઈ છે. આ સપ્તાહમાં તેની કિંમત બેરલદીઠ ૮૦ ડોલર સુધી પહોંચી ગઈ છે. અન્ય વિવિધ પરિબળો પણ જોવા મળી રહ્યા છે જેમાં ફેડરલ રિઝર્વની મે મહિનાની બેઠક બુધવારના દિવસે તેના પરિણામ જાહેર કરનાર છે. આ ઉપરાંત યુરોપમાં પણ મહત્વની બેઠક યોજાનાર છે. માર્કેટની દિશા નક્કી કરવામાં આ છ પરિબળો ચાવીરુપ ભૂમિકા ભજવશે. છેલ્લા ૧૦ સપ્તાહમાં સાપ્તાહિક આધાર પર ઇક્વિટીમાં સૌથી વધુ ઘટાડો હાલમાં નોંધાયો હતો. શુક્રવારના દિવસે સેંસેક્સ ૩૦૧ પોઇન્ટ ઘટીને ૩૪૮૪૮ની નીચી સપાટીએ રહ્યો હતો. સેંસેક્સે ૩૫૦૦૦ની સપાટી ગુમાવી દીધી હતી. આવી જ રીતે નિફ્ટી પણ ૧૦૫૯૬ની સપાટીએ રહ્યો હતો. તેમાં ૮૬ પોઇન્ટનો ઘટાડો રહ્યો હતો. સાપ્તાહિક આધાર પર બંનેમાં બે-બે ટકાનો ઘટાડો રહ્યો હતો. શેરબજારમાં હાલમાં પ્રવાહી સ્થિતિ છે. શેરબજારમાં કારોબારી હાલ રોકાણના મૂડમાં નથી.

(7:12 pm IST)