Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની ઉપસ્થીતીમાં '' શેડો ગર્વમેન્ટ''ની થઇ શકે છે જાહેરાત

રાહુલનો બર્થ-ડે અમદાવાદમાં ઉજવાય તે માટે પ્રદેશ નેતાઓનો આગ્રહ : ૧૯મીએ બે દિવસ ભરચકક આયોજનઃ ચાર સંવાદ બેઠક-સંમેલન યોજવા કવાયત

અમદાવાદ, તા.૨૧:  કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી જૂન મહિનામાં ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. આગામી ૧૯મી જૂનના દિવસે રાહુલ ગાંધીનો જન્મ દિન છે ત્યારે ગુજરાત કોંગ્રેસે જન્મ દિવસની ઉજવણી રાહુલ ગુજરાતમાં જ કરે તેવો આગ્રહ સેવ્યો છે. જોકે હાઈકમાન્ડ તરફથી તારીખો અંગે હજુ સુધી કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી. કોંગ્રેસે સમાંતર સરકારની રચવાની વાત કરી હતી, જેની યાદી પણ તૈયાર થઈ ગઈ છે એટલે એવી શકયતા છે કે, રાહુલ ગાંધી ગુજરાત આવે ત્યારે જ સમાંતર સરકારની વિધિવત્ જાહેરાત કરવામાં આવે.

સૂત્રો કહે છે કે, રાહુલ બે દિવસ અને એક રાત્રિ ગુજરાતમાં રોકાણ કરવાના છે. લોકસભા ચૂંટણી પહેલાં ગુજરાતના કાર્યકરો-આગેવાનોમાં ઉત્સાહનો સંચાર થાય તે માટે રાહુલ ગુજરાત મુલાકાતે આવશે, આ કારણસર જ ગુજરાત કોંગ્રેસે જનમિત્રોની નિમણૂકોની કામગીરી ફાસ્ટ ટ્રેક પર મૂકી છે. જૂથબંધીમાં દ્યેરાયેલી કોંગ્રેસને શહેરી વિસ્તારોમાં જનમિત્રોની નિમણૂકમાં મુશ્કેલી પડી રહી છે.  નિમણૂકોનો દોર પૂરો થાય પછી રાહુલ જનમિત્રોને ગુજરાતમાં સંબોધશે સાથે જ પ્રદેશના હોદ્દેદારો સાથે બેઠકો યોજશે. અલગ અલગ તબક્કે ચાર સંવાદ બેઠકો તેમજ એક સંમેલનનું પણ કોંગ્રેસ દ્વારા આયોજન કરાઈ રહ્યું છે. શહેર-જિલ્લા, તાલુકા અને પ્રદેશ સંગઠનમાં ફેરબદલ માટેની પણ કવાયત્ હાલ કોંગ્રેસમાં ચાલી રહી છે.

(4:05 pm IST)