Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

ચીને નરમાશ દાખવી : વૈશ્વિક વેપાર ઉપરથી ખતરો દૂર થયો

અમેરિકાની ચીન સાથેની કુલ વેપારી ખાધ ૩૭૫ અબજ ડોલર : અમેરિકા-ચીન અંતે 'ટ્રેડવોર' અને ટેરિફ લાદવાનું બંધ કરવા સહમત

નવી દિલ્હી તા. ૨૧ : ચીન અને અમેરિકા વચ્ચે છેલ્લાં ઘણાં સમયથી ચાલી રહેલા ટ્રેડ વોરનો આખરે અંત આવવાની શકયતા છે. ચીને અમેરિકા સાથેની ૩૭૫ અબજ ડોલરની વેપારી ખાધ પૂરવા મોટા પાયે અમેરિકન ચીજવસ્તુઓ અને સેવાની ખરીદી કરવાનો નિર્ણય લીધો છે. આંતરરાષ્ટ્રીય આર્થિક નિષ્ણાતોનું કહેવું છે કે, ચીનનું આ પગલાથી બંને દેશના ટ્રેડ વોરનો અંત આવી ગયો છે.

હાલમાં જ બંને દેશોએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને એક સંયુકત નિવેદનમાં કહ્યું હતું કે, અમે અમેરિકા અને ચીન વચ્ચેની વેપારી ખાધ ઘટાડવા પ્રયત્નશીલ છે. આ દરમિયાન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને ચીમકી આપી હતી કે, ચીન એક જ મહિનામાં ૧૦૦ અબજ ડોલર જેટલી વેપારી ખાધ પૂરવી પડશે.એટલું જ નહીં, ૨૦૨૦ સુધી ચીને આ આંકડો ૨૦૦ અબજ ડોલર સુધી પહોંચાડવો પડશે. ચીનની આક્રમક વેપારી નીતિઓના કારણે અમેરિકા ચીન સાથે કુલ ૩૭૫ અબજ ડોલરની વેપારી ખાધ ધરાવે છે.

ચીને જણાવ્યું હતું કે, ચીનના લોકોની વધતી જતી જરૂરિયાતો અને ઉચ્ચ ગુણવત્ત્।ા ધરાવતા આર્થિક વિકાસની જરૂરિયાતો પૂરી કરવા ચીન અમેરિકામાંથી વધુ ખરીદી કરશે.જોકે, ટ્રમ્પની ચીમકી પછી ચીને પણ અમેરિકા સાથે જેવા સાથે તેવાની નીતિ અપનાવવાની ધમકી આપી હતી, પરંતુ હવે ચીને નરમ વલણ અપનાવ્યું છે. હવે બંને દેશોએ કૃષિ અને ઊર્જાને લગતી નિકાસમાં સહમતિ દાખવી છે.

અમેરિકાએ ૨૦૧૬માં ચીન પાસેથી ૪૬૨ અબજ ડોલરથી વધુ ચીજવસ્તુઓની આયાત કરી હતી. ચીનની કુલ નિકાસમાંથી એકલા અમેરિકાનો હિસ્સો ૧૮.૨ ટકા છે. તેની સામે ચીન અમેરિકા પાસેથી ઘણી ઓછી ચીજવસ્તુઓ અને સેવા ખરીદે છે.વર્ષ ૨૦૦૬થી ૨૦૧૬ સુધીના દસ વર્ષમાં અમેરિકા દ્વારા ચીનમાં ઉત્પાદિત ચીજવસ્તુઓની નિકાસમાં ૫૯.૨ ટકાનો વધારો થયો હતો.

જોકે, આ સમજૂતિ પર હજુ સુધી બેમાંથી એક પણ દેશે વિગતે સત્તાવાર નિવેદન આપ્યું નથી, પરંતુ ચીનના નિર્ણયથી વિશ્વ પર મંડરાઇ રહેલા વેપારી ખતરાનો અંત આવી જવાની આશા ઊભી થઇ છે. આ બંને દેશોએ આયાત-નિકાસની નવી શરતો અને કરવેરા લાદવાની વાત કરી હતી, જેને હાલપૂરતી ટાળી દેવાઇ છે.

(3:52 pm IST)