News of Monday, 21st May 2018
નવીદિલ્હી,તા.૨૧: કર્ણાટકમાં ભાજપે હાર કબૂલી લીધા બાદ હવે જેડી-એસના નેતા કુમારસ્વામી બુધવારે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. કોંગ્રેસ અને જેડી-એસ વચ્ચે નક્કી થયેલી ફોર્મ્યુલા મુજબ કોંગ્રેસના ૨૦ અને જેડી-એસના ૧૩ મંત્રી કેબિનેટમાં રહેશે તેવું મનાય છે.
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જી.પરમેશ્વર રાજયના નાયબ મુખ્યમંત્રી બને તેવી પણ શકયતા છે. કુમારસ્વામી બુધવારે પદ અને ગોપનિયતાના શપથ લેશે. સોમવારે ૨૧મેએ સ્વ.રાજીવ ગાંધીની પુણ્યતિથિ હોવાથી તેમણે બુધવારે શપથ લેવાનો નિર્ણય કર્યો છે. કુમારસ્વામી નાણા મંત્રાલય પોતાના હસ્તક જ રાખશે તેમ મનાય છે.
કોંગ્રેસના ધારાસભ્યોને અકબંધ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવનારા ડી.કે.શિવકુમારને ઉર્જા મંત્રી બનાવાય તેવી સંભાવના છે. તેઓ સિદ્ધરામૈયા સરકારમાં પણ ઉર્જામંત્રી જ હતા.
કુમારસ્વામીના શપથ ગ્રહણ સમારંમાં વિપક્ષોનું શકિત પરીક્ષણ જોવા મળશે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ, તેલંગણાના સીએમ ચંદ્રશેખર રાવ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, રાજદના તેજસ્વી યાદવ વગેરે હાજર રહેશે.(૩૦.૪)