Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

GSTની રિફંડ સિસ્‍ટમ દૂર કરવા કેન્‍દ્રમાં ગુજરાત રજૂઆત કરશે

હજારો વેપારીઓની વર્કીંગ કેપીટલ બ્‍લોક થઈ ગઈ છેઃ જીએસટી કમિશ્નર રૂબરૂ અથવા પત્ર દ્વારા વિગતો આપશે : જીએસટીનું ૩-બી રિટર્ન હવે આવતીકાલ સુધી ભરી શકાશેઃ જો કે આ રિલીઝ દૂર કરાતા વેપારીઓ અવઢવમાં...

રાજકોટ, તા. ૨૧ : જીએસટીની રિફંડ સિસ્‍ટમ દૂર કરવા ગુજરાત સરકાર કેન્‍દ્રમાં હાઈલેવલ મીટીંગ કરી રજૂઆત કરશે કારણ કે આ સિસ્‍ટમથી વેપારીઓની વર્કીંગ કેપીટલ બ્‍લોક થઈ જતા હજારો વેપારીઓના ધંધાને માઠી અસર પડી છે, આથી આ બાબતે ગુજરાતના જીએસટી કમિશ્નર આખેઆખી રીફંડ સિસ્‍ટમ હટાવવા રૂબરૂ અથવા પત્ર દ્વારા વિસ્‍તૃત રજૂઆતો કરશે.

જીએસટીના કાયદા હેઠળ જે કોઈ વ્‍યાપારીઓ કે ઉદ્યોગકારો ગુડઝ, સર્વિસ કે એકસ્‍પોર્ટ કરે છે તેને અગાઉ ચુકવેલા જીએસટીના રિફંડ મળે છે. ડિજીટલ ઈન્‍ડીયાના ખ્‍યાલને મૂર્તિમંત કરવાના હેતુથી કેસલેસ પદ્ધતિથી રિફંડ ત્‍વરીત ધોરણે મળે તે હેતુથી જીએસટીના કાયદામાં રિફંડની આખી પ્રક્રિયા કોમ્‍પ્‍યુટરાઈઝડ કરવામાં આવી છે અને જીએસટી અંતર્ગત સંક્રાતિકાળ સેટ થતા અને સમજતા સરકાર તેમજ વેપારીઓને ચાર-પાંચ મહિનાઓ લાગ્‍યા હતા અને જેને કારણે વેપારીઓ-ઉદ્યોગકારો અને નિકાસકારોની વર્કીંગ કેપીટલ સમાન રીફંડનું ચુકવણુ બાકી રહે છે.

જેને કારણે વેપારીઓની ખરીદ શકિતમાં ઘટાડો થયો હતો. ગુજરાત ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખ શૈલેષ પટવારીએ જીએસટી કમિશ્નર પી.ડી. વાઘેલાને રજૂઆત કરી હતી. જે અંગે વાઘેલાએ જણાવ્‍યુ કે, આ ગંભીર પ્રશ્ન છે અને કેન્‍દ્ર સરકાર સમક્ષ રીફંડ સિસ્‍ટમને દૂર કરવાનો પ્રસ્‍તાવ મુકીશ. આ અંગે રાજ્‍યમાં સર્વે પણ હાથ ધરવામાં આવ્‍યો જેના પરિણામ કેન્‍દ્ર સરકાર સમક્ષ રજુ કરવામાં આવશે.

દરમિયાન વેપારીઓના ખરીદ અને વેચાણના આંકડાઓની વિગતો દર્શાવતુ રિટર્ન જીએસટીઆર-૩બી ફાઈલ કરવાની ૨૦મી છેલ્લી તારીખ હતી ત્‍યાં સરકારનું વેબ પોર્ટલ ખોટકાઈ જતા ગુજરાતના વેપારીઓ મુશ્‍કેલીમાં મુકાયા હતા. દરમિયાન રિટર્ન ફાઈલ કરવાની મુદત લંબાવતા વેપારીઓને રાહતનો શ્વાસ લીધો છે, હવે કાલ સુધી રિટર્ન ફાઈલ કરી શકાશે.

જીએસટીનું પોર્ટલ છેલ્લા ૪૮ કલાકથી બંધ અવસ્‍થામાં હતુ હવે શનિવાર અને રવિવાર આવતો હોવાથી રિટર્ન ફાઈલ કરવુ શકય ન હતુ. જેથી વેપારીઓને ડિપાર્ટમેન્‍ટના વાંકે દંડ ભરવાની નોબત આવે તેમ હતી. આમ ચારેય બાજુથી વિરોધ અને રોષ ફેલાયો હતો.

બીજી તરફ આજે જીએસટી ડિપાર્ટમેન્‍ટ દ્વારા રિટર્ન ફાઈલ કરવા માટે બે દિવસ એટલે કે ૨૨મી સુધી મુદત વધારી આપી છે. જો કે આજે સવારથી જ પોર્ટલમાં કેટલાક રિટર્નો સબમીટ થયા છે તો ક્‍યાંક એરર આવી રહી છે. આમ વેબસાઈટ સો ટકા કામ કરી રહી નથી તેવુ ટેકસ નિષ્‍ણાતોનું કહેવું છે. જો કે બે દિવસ તારીખ લંબાવી આપતા વેપારીઓના થોડી રાહત થઈ છે પણ આ રીલીઝ શનિવારે સાંજે પાછી ખેંચાતા વેપારીઓ અવઢવમાં છે. રાજકોટના અધિકારીઓ પણ સૂચના મેળવી રહ્યા છે.

 

(11:49 am IST)