Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

કર્ણાટક બાદથી તેલંગાણા પર ભાજપની નજર રહેશે

કર્ણાટકમાં પ્રભુત્વ બાદ તૈયારી

બેંગલોર, તા.૨૦ : કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં શાનદાર દેખાવ કરીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. હવે તેલંગાણા ઉપર ભાજપ પ્રમુખ અમિત શાહે ધ્યાન કેન્દ્રિત કરી દીધું છે. કર્ણાટકમાં સૌથી મોટી પાર્ટી બની હોવા છતાં સરકાર બનાવવામાં નિષ્ફળ રહ્યા બાદ ભાજપે તેલંગાણા પર ધ્યાન કેન્દ્રિત કરી દીધું છે. તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી વર્ષ ૨૦૧૯માં યોજાનાર લોકસભાની ચૂંટણી સાથે યોજાનાર છે. ભાજપના તેલંગાણા અધ્યક્ષ કે લક્ષ્મણનું કહેવું છે કે, તાજેતરમાં જ દિલ્હીમાં અધ્યક્ષ અમિત શાહના નેતૃત્વમાં એક બેઠક યોજાઈ હતી જેમાં તેલંગાણા ઉપર ચર્ચા થઇ હતી. તેમણે કહ્યું હતું કે, જે રાજ્યોમાં ચૂંટણી થનાર હતી ત્યાં યોજાઈ ચુકી છે. હવે તેલંગાણા, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, રાજકીય સ્થિતિ અને ચૂંટણીની યોજનાના મુલ્યાંકન માટે અમિત શાહ આગામી મહિને તેલંગાણા આવી શકે છે. લક્ષ્મણે કહ્યું હતું કે, રાજ્યમાં ભાજપ સંગઠન ખુબ જ મજબૂત છે. રાજ્યમાં પોતાને વધારે મજબૂત કરવા માટે મતદાન કેન્દ્રો ઉપર પેજપ્રમુખ મોડલની પદ્ધતિ અપનાવવામાં આવશે. પેજપ્રમુખ ભાજપના સફળ મોડલ છે જેમાં એક પેજ પ્રભારી પોતાની યાદીમાં રહેલા મતદારોનો સંપર્ક કરે છે. તેમણે ઉમેર્યું હતું કે જ્યાંસુધી પેજપ્રમુખનો પ્રશ્ન છે. ૧૧૯ વિધાનસભા ક્ષેત્રોમાં આશરે ૪૦તી ૫૦ વિધાનસભા ક્ષેત્રોમાં પેજપ્રમુખ કામ પૂર્ણ થઇ ચુક્યુ છે. અન્ય વિધાનસભા ક્ષેત્રોમાં પણ આ કામગીરીને એક અથવા બે મહિનામાં પૂર્ણ કરી લેવાશે. સંગઠનને મજબૂત કરવા તમામ પ્રયાસો થઇ રહ્યા છે.

(8:44 am IST)