Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

મ્યુચ્યુઅલ ફંડ : રોકાણકારનો વિશ્વાસ હાલમાં સતત વધ્યો છે

આઠ લાખ ફોલિયોનો એક મહિનામાં ઉમેરો : એપ્રિલ ૨૦૧૮ના અંતે આંકડો ઓલટાઇમ હાઈ ૭.૨૨ કરોડ સુધી પહોંચી ગયો : લાંબા ગાળે રોકાણ થઇ રહ્યું છે

નવીદિલ્હી,તા. ૨૦ : રોકાણકારો હાલમાં મ્યુચ્યુઅલ ફંડ તરફ ખેંચાઈ રહ્યા છે. રોકાણકારોમાં મ્યુચ્યુઅલ ફંડની બોલબાલા વધી રહી છે. માત્ર એક મહિનાના ગાળામાં તેમા આઠ લાખ સુધીનો વધારો થઇ ગયો છે. આઠ લાખ ફોલિયો આમા ઉમેરાઈ ગયા છે. આની સાથે જ એપ્રિલ ૨૦૧૮ના અંત સુધીમાં આંકડો ઓલટાઈણ હાઈ સુધીને પહોંચીને ૭.૨૨ કરોડ સુધી પહોંચી ગયો છે. ૨૦૧૭-૧૮ના સમગ્ર ગાળામાં ૧.૬ કરોડ ઇન્વેસ્ટર એકાઉન્ટનો ઉમેરો નોંધાયા બાદ તેમાં વધારો થયો છે. ૨૦૧૬-૧૭માં ૬૭ લાખથી વધુ ફોલિયો હતા જ્યારે ૨૦૧૫-૧૬માં ૫૯ લાખ ફોલિયો હતા. વ્યક્તિગત મૂડીરોકાણકારોના ખાતા સાથે આ બાબત સંબંધિત છે. અલબત્ત એક રોકાણકાર મલ્ટીપલ ખાતાઓ રાખી શકે છે. એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડના ડેટામાં જણાવવામાં આવ્યું છે કે, ભારતમાં કુલ રોકાણકાર એકાઉન્ટ સાથે ૪૨ ફંડ હાઉસ છે.

ફોલિયોની સંખ્યા આ વર્ષે એપ્રિલના અંતે વધીને રેકોર્ડ ૭૨૧૮૫૯૭૦ સુધી પહોંચી ગઈ છે જે માર્ચ ૨૦૧૮ના અંતમાં ૭૧૩૪૭૩૦૧ હતી. એટલે કે તેમાં ૮.૩૮ લાખનો વધારો થયો છે. છેલ્લા થોડાક વર્ષોમાં ઇન્વેસ્ટર એકાઉન્ટ વધ્યા છે. કારણ કે રિટેલ રોકાણકારોનું યોગદાન સતત વધી રહ્યું છે. એપ્રિલ મહિનામાં નવા ફોલિયોમાં વધારો દર્શાવે છે કે, નવા રોકાણકારો તેમની ચિંતા દૂર કરીને સમજી રહ્યા છે કે, મ્યુચ્યુઅલ ફંડ હજુ પણ ખુબ જ આશાસ્પદ છે અને તેમાં લાંબાગાળે રોકાણ ફાયદાકારક છે. એકંદરે મ્યુચ્યુઅલ ફંડમાં ૧.૪ લાખ કરોડ ઠાલવવામાં આવ્યા છે જ્યારે ઇક્વિટી અને ઇએલએસએસ પણ રોકાણના મુખ્ય માધ્યમ તરીકે છે. જંગી નાણા ઠાલવવા માટે રોકાણકારોમાં ધીરજનું પ્રમાણ વધી રહ્યું છે. નવેસરના રોકાણના લીધે એપ્રિલના અંતે ટોટલ એસેટ મેનેજમેન્ટ અથવા તો ટીએયુ હેઠળ આંકડો ૨૩.૨૫ લાખ કરોડ સુધી પહોંચ્યો છે. મ્યુચ્યુઅલ ફંડમાં શેરબજાર, બોન્ડ, મની માર્કેટમાં નાણાં રોકવામાં આવે છે.

(12:00 am IST)