Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

WHOએ જારી કરી ગાઇડલાઇન્સ

ફેબ્રિક કે સર્જિકલ માસ્ક? કયારે-કયો માસ્ક પહેરવો? ડબલ માસ્ક કેટલો સુરક્ષિત?

નવી દિલ્હી, તા.૨૧: ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરમાં લોકો જે રીતે સંક્રમિત થઈ રહ્યા છે. તેને જોતાં લોકોમાં ભયનો પણ માહોલ છે. લોકો પોતાને તેમજ તેમના પ્રિયજનોને ખૂબ જ ચેપી એવા કોરોનાથી કેવી રીતે બચાવી શકે. લોકો તેના માટે સતત પ્રયાસો પણ કરી રહ્યા છે. લોકોએ કેવી રીતે કોરોનાથી બચવું જોઈએ તેને લઈને સૌથી પહેલું અને જરૂરી પગલું એ છે કે જો તમારે જયાં સુધી ઘરની બહાર જવાની જરૂરિયાત ન હોય ત્યાં સુધી બહાર ન જાઓ. ઘર પર રહો સુરક્ષિત રહો. જો જરૂર પડે તો ઘર બહાર નીકળતાં પહેલાં માસ્કનો ખાસ ઉપયોગ કરો. સિંગલ લેયર માસ્ક તમને ૪૦ ટકા સુરકા પુરી પાડે છે. પરંતુ લોકોમાં પણ કન્ફ્યૂઝન છે કે કેવું માસ્ક પહેરવું. મેડિકલ માસ્ક, ફેબ્રિક માસ્ક કે પછી બંને. અર્થાત્ ડબલ માસ્ક.

વિશ્વ આરોગ્ય સંસ્થા WHOએ મેડિકલ માસ્ક અને ફેબ્રિક માસ્ક ના ઉપયોગને લઈને કેટલીક જરૂરી માર્ગદર્શિકા પણ બહાર પાડી છે. અને જણાવ્યુ છે કે કયા સમયે કેવા પ્રકારનું માસ્ક પહેરવું જોઈએ તો કોરોના વાયરસથી ખૂબજ સારી સુરક્ષા મેળવી શકો. ટ્વિટર પર એક વીડિયો શેર કરતાં WHO એ સલાહ આપીછે કે મેડિકલ અર્થાત સર્જીકલ માસ્ક એવા લોકોએ પહેરવું જોઈએ જે હેલ્થ વર્કર છે. એવા લોકો જેમાં કોવિડના લક્ષણો જોવા મળતા હોય. જે લોકો કોવિડ સંક્રમિત દર્દીઓની સારવાર કરી રહ્યા હોય. આ ઉપરાંત જે વિસ્તારમાં વાયરસ વધારે ફેલાયેલો હોય અને જયાં ૧ મીટરનું સોશ્યલ ડિસ્ટેન્સિંગનું પાલન ના થઈ રહ્યું હોય. ત્યાં પર ૬૦ થી વધુ ઉંમરના બુઝુર્ગ અને એવા લોકો જેમને પહેલા કોઈ બીમારી છે તેમણે મેડિકલ અથવા સર્જીકલ માસ્ક પહેરવું જોઈએ.

WHO એ સલાહ આપી છે કે જે લોકોને કોવિડ ૧૯ નહી અથવા જેમાં ઇન્ફેકશનના કોઈ લક્ષણો નથી તેઓ ફેબ્રિક માસ્કનો ઉપયોગ કરી શકે છે. આ ઉપરાંત પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરનારા લોકો, ઓફિસમાં કામ કરનારા લોકો, રાશનની દુકાનમાં કામ કરનારા લોકો અર્થાત રાશન ખરીદવા જયાં દુકાનોમાં ભીડભાડ થતી હોય ત્યાં તમે ફેબ્રિક માસ્કનો ઉપયોગ કરી શકો છો.ડોકટરોનું માનવું છે કે ડબલ માસ્ક વાયરસ વિરુદ્ઘ વધારે સુરક્ષા આપે છે. વાયરસથી સંક્રમિત થવાની આશંકા પણ ઓછી થઈ જાય છે. હાલમાં જ અમેરિકાના CDC ના એક અભ્યાસનું માનવામાં આવે તો જો તમામ લોકો ડબલ માસ્ક પહેરેશે તો કોવિડ૧૯નો ભય ૯૬.૪ ટકા જેટલો ઓછો કરી શકાય છે. એવામાં જો તમે ભીડભાડવાળી જગ્યાએ જેવી કે, બસસ્ટેન્ડ, એરપોર્ટ, અથવા પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરી રહ્યા હોવ તો ડબલ માસ્કનો પ્રયોગ કરવો જોઈએ. એના માટે સર્જીકલ માસ્કની ઉપર કપડાંનું માસ્ક અથવા પછી ૨ કપડાવાળા માસ્ક એકસાથે વાપરી શકાય છે. જો તમે એન૯૫ માસ્ક યુઝ કરી રહ્યા હોવ તો ડબલ માસ્કની જરૂર નથી.

(4:14 pm IST)