Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

ઉદ્ઘવ ઠાકરે આજે કરશે સંપૂર્ણ લોકડાઉનની ઘોષણા?

જોકે પબ્લિક ટ્રાન્સપોર્ટ એસેન્શિયલ સર્વિસિસ માટે ચાલુ રહેશેઃ લોકડાઉનની અવળી અસર જેમના પર પડવાની છે એમના વિશે સરકાર વિચાર કરશેઃ રાજયના આરોગ્યપ્રધાન

મુંબઇ, તા.૨૧: મહારાષ્ટ્રમાં કોરોનાના રોગચાળા પર નિયંત્રણ લાવવા માટે લોકોના હરવા-ફરવા પર અને સાર્વજનિક વ્યવહારો પર લાગુ કરેલાં નિયંત્રણોનાં ધાર્યાં પરિણામો ન મળતાં મુખ્ય પ્રધાન ઉદ્ઘવ ઠાકરે આજે ટોટલ લોકડાઉન જાહેર કરે એવી શકયતા જણાઈ રહી છે. ગઈ કાલે રાજય વિધાનસભાની સાપ્તાહિક બેઠકમાં પ્રધાનોએ ઝાઝો વિલંબ કર્યા વગર લોકડાઉન જાહેર કરવાનો આગ્રહ દર્શાવ્યો હતો. પ્રધાનમંડળે કોરોનાના ઇન્ફેકશનનો પ્રસાર રોકવા માટે લોકડાઉન બુધવારની સાંજ સુધીમાં જાહેર કરવાની અનિવાર્યતા દર્શાવતાં એ બાબતે આખરી નિર્ણય લેવાની સત્તા મુખ્ય પ્રધાનને સોંપી હતી.

ગઈ કાલની બેઠકમાં પ્રધાનમંડળ સમક્ષ કેસલોડમાં બેફામ વૃદ્ઘિનું પ્રેઝન્ટેશન રજૂ કરીને હોસ્પિટલોમાં બેડ, દવાઓ અને આઙ્ખકિસજનના અભાવે રોગચાળા પર નિયંત્રણ મુશ્કેલ બન્યું હોવાનું જણાવ્યું હતું. એ બેઠકમાં દરેક જિલ્લાના પાલક પ્રધાને તેમના ક્ષેત્રમાં જનતાની કોરોના પ્રોટોકોલ જાળવવામાં તેમ જ નિયંત્રણો પાળવામાં બેદરકારીની સ્થિતિ વર્ણવી હતી. ગયા અઠવાડિયે મુખ્ય પ્રધાનના ટોટલ લોકડાઉનની તરફેણ સામે વિરોધ કરનારા પ્રધાનો ગઈ કાલે ઉદ્ઘવ ઠાકરેને લોકડાઉન લાગુ કરવાનો આગ્રહ કરતા હતા.

આરોગ્ય ખાતાના પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે 'મુખ્ય પ્રધાન ટોટલ લોકડાઉનની જાહેરાત કરે એવી સંભાવના છે. આવશ્યક સેવાઓ તથા અન્ય સુવિધાઓ માટેના કર્મચારીઓ માટે સાર્વજનિક વાહનવ્યવહાર ચાલુ રાખવા વિશે પણ વિચારણા કરીને જાહેરાત કરવામાં આવશે.'

સંસદીય બાબતોના પ્રધાન અનિલ પરબે જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન ઉદ્ઘવ ઠાકરે સંબંધિત તમામ બાબતોની વિચારણા કર્યા પછી લોકડાઉન વિશે જાહેરાત કરશે. અગાઉ સરકારે આવશ્યક ચીજવસ્તુઓની દુકાનોનો સમય સવારે સાત વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી મર્યાદિત કર્યો હતો.

(10:57 am IST)