Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

રેમડેસિવિરની ખાલી બોટલ્સમાં એન્ટિબાયોટિક વેચવાનું કૌભાંડ

કોરોના કાળમાં લોકોની મજબૂરીનો લાભ લેતા ધૂતારા : મૈસૂરની ગેંગનો પર્દાફાશ, ખાનગી હોસ્પિ.નો કર્મચારી જબ્બે

બેંગ્લોર, તા. ૨૦ : દેશભરમાં કોરોનાની સારવાર માટેના રેમડેસિવિર ઈન્જેક્શનની અછત છે અને આવા સમયમાં લોકોની મજબૂરીનો લાભ લઈને પૈસા ખંખેરનારા તત્વો સક્રિય બન્યા છે.

કર્ણાટકના મૈસૂરમાં તો એવી ગેંગનો પર્દાફાશ થયો છે જે રેમડેસિવિરની ખાલી બોટલોમાં એન્ટિબાયોટિક દવા ભરીને વેચતી હતી. આ મામલામાં એક ખાનગી હોસ્પિટલના કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના કહેવા પ્રમાણે ગિરિશ નામના આરોપી પાસેથી ૪૧ નકલી રેમડેસિવિર અને ૨.૮૫ લાખ રુપિયા રોકડામળ્યા છે. તે પોતાના સંપર્કો થકી રેમડેસિવિરની ખાલી બોટલો મેળવતો હતો અને તેમાં એન્ટી બાયોટિક દવા ભરી દેતો હતો. તેની સાથેના બીજા લોકો મારફતે તે આ નકલી દવા વેચતો હતો.

પોલીસ આ છેતરપિંડીમાં સામેલ બીજા લોકોની પણ શોધખોળ કરી રહી છે. રેમડેસિવિરના દેશમાં કાળા બજાર થઈ રહ્યા છે અને આ પહેલા પણ મધ્યપ્રદેશમાં નકલી રેમડેસિવિર વેચનાર ડોક્ટરની પોલીસે ધરપકડ કરી હતી.

(12:00 am IST)