Gujarati News

Gujarati News

News of Sunday, 21st April 2019

FPI દ્વારા એપ્રિલ મહિનામાં કુલ ૧૧૦૧૨ કરોડનું રોકાણ

ઈક્વિટીમાં ૧૪૩૦૦.૨૨ કરોડનું રોકાણ : ડેબ્ટ માર્કેટમાંથી ૩૨૮૮ કરોડની રકમને પાછી ખેંચાઈ

મુંબઈ, તા.૨૧ : વિદેશી મૂડીરોકાણકારોએ એપ્રિલ મહિનામાં હજુ સુધી ભારતીય મૂડી માર્કેટમાં ૧૧૦૧૨ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. વૈશ્વિક સ્તર પર લિક્વિડિટીની સ્થિતિને લઈને માહોલ સુધરી રહ્યો છે. આંકડા દર્શાવે છે કે વિદેશી મૂડીરોકાણકારોએ અગાઉના બે મહિનામાં જંગી નાણા ઠાલવ્યા હતા જે પૈકી ફેબ્રુઆરી મહિનામાં ૧૧૧૮૨ કરોડ રૂપિયા અને માર્ચ મહિનામાં ૪૫૯૮૧ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા હતા. તે પહેલા જાન્યુઆરી મહિનામાં મૂડી માર્કેટમાંથી એફપીઆઈ દ્વારા ૫૩૬૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. ડિપોઝીટરી ડેટામાં જણાવવામાં આવ્યું છે કે પહેલીથી ૧૬મી એપ્રિલ વચ્ચેના ગાળામાં વિદેશી મૂડીરોકાણકારોએ ઈક્વિટીમાં ૧૪૩૦૦.૨૨ કરોડ રૂપિયા ઠાલવ્યા છે જ્યારે ડેબ્ટ માર્કેટમાંથી ૩૨૮૮.૧૨ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. આની સાથે જ એપ્રિલ મહિનામાં હજુ સુધી ૧૧૦૧૨.૧૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. વિદેશી મૂડીરોકાણકારોએ ફેબ્રુઆરી મહિના બાદથી ભારતીય માર્કેટમાં સતત લેવાલી જાળવી રાખી છે. નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં એફપીઆઈએ શેરમાં ૨૫૬૩૪ કરોડ અને બોન્ડ માર્કેટમાં ૧૧૯૦૩૫ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આની સાથે જ કુલ રોકાણ ૧૪૪૬૬૯ કરોડ રૂપિયા રહ્યું હતું. ૨૦૧૬-૧૭માં ૪૮૪૧૧ કરોડ અને ૨૦૧૭-૧૮માં ૧૪૪૬૮૨ કરોડ રૂપિયા એફપીઆઈથી મળ્યા હતા. અમેરિકી ફેડરલ દ્વારા વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરવામાં આવ્યા બાદ તેના કારણે પણ એફપીઆઈ ભારત તરફ આકર્ષિત થઈ રહ્યું છે. ક્રુડ ઓઈલની કિંમતો સ્થિર રહી છે. જેની અસર પણ વિદેશી મૂડીરોકાણકારોના મૂડી પ્રવાહ ઉપર થઈ છે. આ વર્ષની ધીમિ ગતીએ શરૂઆત થયા બાદથી એફપીઆઈમાં ભારતીય ઈક્વિટી માર્કેટમાં આત્મવિશ્વાસ દેખાઈ રહ્યો છે. જાણકાર લોકોનું કહેવું છે કે આગામી દિવસોમાં પણ બજારમાં તેજી રહી શકે છે. જાન્યુઆરી મહિનામાં યુએસ ફેડરલ દ્વારા વ્યાજદરમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો. તેમના અર્થતંત્ર માટે ચીન અને યુરોપિયન સેન્ટ્રલ બેન્ક દ્વારા સ્ટીમ્યુલસ પેકેજની જાહેરાત કરવામાં આવ્યા બાદ અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો.  સ્થિર સરકાર ચુંટણી બાદ રચાય તેવી આશા પણ દેખાઈ રહી છે. જાણકાર લોકોનું કહેવું છે કે, ભારતમાં લોકસભા માટેની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવ્યા બાદ જુદા જુદા સર્વેમાં એનડીએની વાપસીના સંકેત મળી રહ્યા છે ત્યારે એફપીઆઈ રોકાણકારો દેશમાં રોકાણ કરવા વધારે આશાવાદી દેખાઈ રહ્યા છે.

FPI દ્વારા લેવાલી.....

*    એફપીઆઈ દ્વારા એપ્રિલ મહિનામાં હજુ સુધી ૧૧૦૧૨ કરોડ રૂપિયાનું જંગી રોકાણ કરવામાં આવ્યું

*    ફેબ્રુઆરી મહિનામાં ૧૧૧૮૨ કરોડ અને માર્ચ મહિનામાં ૪૫૯૮૧ કરોડ રૂપિયાનું રોકાણ કરાયા બાદ સ્થિતિમાં સુધારો

*    એફપીઆઈએ પહેલીથી ૧૬મી એપ્રિલ દરમિયાન ઇક્વિટીમાં ૧૪૩૦૦.૨૨ કરોડ ઠાલવ્યા

*    કેન્દ્રમાં સ્થિર સરકાર બનવાનો આશાવાદ મજબૂત બનતા મૂડીરોકાણમાં વધારો

*    ૨૦૧૯-૧૯ના નાણાંકીય વર્ષમાં ૪૪૫૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચાયા હતા

*    ૨૦૧૭-૧૮માં શેરમાંથી ૨૫૬૩૪ કરોડ રૂપિયાનું રોકાણ કરાયું

*    ૨૦૧૭-૧૮માં કુલ રોકાણનો આંકડો ૧૪૪૬૬૯ કરોડ રહ્યો

*    એફપીઆઈ માટે ભારત આકર્ષક રોકાણ કેન્દ્ર બન્યું છે

*    ભારત દુનિયાની સૌથી ઝડપથી ઉભરી રહેલી મોટી આર્થિક વ્યવસ્થા હોવાને લઇને રોકાણકારો પણ આકર્ષિત

*    વિદેશી રોકાણકારો સ્થાનિક બજારને લઇને આશાવાદી

એફપીઆઈની સ્થિતિ

એફપીઆઈએ ભારતીય મૂડી માર્કેટમાંથી ૨૦૧૮માં ૮૩૦૦૦ કરોડ પાછા ખેંચી લીધા હતા. છેલ્લા કેટલાક વર્ષમાં મૂડી માર્કેટમાં એફપીઆઈનું વલણ નીચે મુજબ રહ્યું છે.

વર્ષ............................................................ આંકડા

૨૦૧૮................................. ૮૩૧૪૬ કરોડ ખેંચાયા

૨૦૧૭............................... ૫૧૦૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૬............................... ૨૦૫૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૫............................... ૧૭૮૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૪............................... ૯૭૦૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૩........................... ૧.૧૩ લાખ કરોડ ઠલવાયા

૨૦૧૨........................... ૧.૨૮ લાખ કરોડ ઠલવાયા

(8:03 pm IST)