Gujarati News

Gujarati News

News of Sunday, 21st April 2019

શેરબજારમાં પ્રવાહી સ્થિતિ રહી શકે : વિવિધ પરિબળો પર નજર

એફએન્ડઓ પૂર્ણાહુતિ, કમાણીના આંકડાની અસર જોવા મળશે : છેલ્લા સપ્તાહમાં સેન્સેક્સ-નિફ્ટી ચાવીરૂપ ઈન્ડેક્સમાં એક ટકા સુધી ઉછાળો નોંધાયા બાદ તેજી રહી શકે છે : એફપીઆઈ પ્રવાહ જારી રહેતા નવી આશા

મુંબઈ, તા. ૨૧ : શેરબજારમાં આવતીકાલથી શરૂ થતા નવા કારોબારી સેશનમાં જુદા જુદા પરિબળોની સીધી અસર બજારની દિશા નક્કી કરશે. આવતીકાલથી શરૂ થતા નવા કારોબારી સેશનમાં એફએન્ડઓ એક્સપાયરી, ચોથા ત્રિમાસિક ગાળાના કમાણીના આંકડા અને અન્ય પરિબળો દલાલ સ્ટ્રીટની દિશા નક્કી કરશે. છેલ્લા સપ્તાહમાં સેન્સેક્સ અને નિફ્ટમાં ખૂબ સારો દેખાવ રહ્યો હતો. બંને ચાવીરૂપ ઈન્ડેક્સમાં આશરે એક ટકાનો ઉછાળો રહ્યો હતો. પસંદગીના હેવી વેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રી, ટીસીએસ અને ટાટા મોટર્સના શેરમાં ઉછાળો નોંધાયો હતો. છેલ્લા સપ્તાહમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં ક્રમશઃ ૩૯૪૮૭ અને ૧૧૮૫૬ની સપાટી જોવા મળી હતી. ચોથા ત્રિમાસિક ગાળામાં કમાણીના આંકડા, એફપીઆઈ પ્રવાહ અને વૈશ્વિક ઘટનાક્રમની અસર હવે જોવા મળી શકે છે. આગામી સપ્તાહમાં એફએન્ડઓ પૂર્ણાહુતિ થઈ રહી છે. શેરબજારમાં કેટલીક કંપનીઓના પરિણામ પણ અસર કરી શકે છે. ચોથા ત્રિમાસિક ગાળામાં કમાણીના આંકડા ઉપર તમામની નજર રહેશે. એસીસી, ઈન્ડિયા બુલ્સ, ભારતી ઈન્ફ્રાટેલ, અલ્ટ્રાટેક, એક્કિસ બેન્ક, મારૂતિ સુઝુકી, ટાટા સ્ટીલ, હીરો મોટો, યશ બેંકના કમાણીના આંકડા જારી કરવામાં આવનાર છે. જો આ આંકડા અપેક્ષા કરતા સારા રહેશે તો બજારમાં નવી ઉંચાઈ જોવા મળી શકે છે. પોઝિટીવ આઉટલુકની સ્થિતિમાં શેરબજારમાં તેજી રહેશે અને રોકાણકારોને મોટો ફાયદો થશે. જાણકાર લોકો એમ પણ માની રહ્યા છે કે ચુંટણીની અસર પણ જોવા મળી રહી છે. ચુંટણી પરિણામ ૨૩મી મેના દિવસે જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી શેરબજારમાં પ્રવાહી સ્થિતિ રહી શકે છે. ચુંટણી પુરી ન થાય ત્યાં સુધી દબાણની સ્થિતિ રહેશે. મોટાભાગના લોકો માની રહ્યા છે કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ ફરી સત્તામાં આવશે પરંતુ અંડરકરંટની સ્થિતિને લઈને પણ ચર્ચા જોવા મળી રહી છે. કોઈપણ પ્રકારના જુદા પરિણામ શેરબજારને નુકસાન કરી શકે છે. એફપીઆઈ પ્રવાહની ચર્ચા પણ જોવા મળી રહી છે. એપ્રિલ મહિનામાં હજુ સુધી એફપીઆઈ દ્વારા જંગી નાણાં ઠાલવવામાં આવ્યા છે. રૂપિયાની દિશા કેવી રહેશે તેના ઉપર પણ રોકાણકારોની નજર રહેશે. સાપ્તાહિક આધાર ઉપર છેલ્લા સપ્તાહમાં રૂપિયો ૧૮ પૈસા ઘટી ગયો હતો. સ્થિર રૂપિયો રહેવાની સ્થિતિમાં રોકાણકારોને રાહત આપશે. વૈશ્વિક સ્તેર પણ ઘટનાક્રમ જોવા મળશે. બેંક ઓફ જાપાનની બેઠક આજે મળી રહી છે. ગુરૂવારના દિવસે વ્યાજદરના સંદર્ભમાં પરિણામ જાહેર કરાશે. અમેરિકાની કંપનીઓના કમાણીના આંકડા પણ જારી કરવામાં આવનાર છે. આગામી સપ્તાહમાં માઈક્રોસોફ્ટ, ફેસબુક અને એમેઝોન ડોટકોમ દ્વારા આંકડા જારી કરવામાં આવનાર છે.

(8:03 pm IST)