Gujarati News

Gujarati News

News of Sunday, 21st April 2019

પ્રિયંકાગાંધીએ વડાપ્રધાન મોદીને નબળા વડાપ્રધાન ગણાવ્‍યા બાદ સામે પિયુષ ગોયલે આપ્‍યો સણસણતો જવાબ, મોદી જ હિમ્‍મતવાન છે જે દુશ્‍મનોનો ખાતમો કરવા LOC પાર કરી શકે

પુલપલ્લી/મનંતવાડી: લોકસભા ચૂંટણી 2019ના ત્રીજા તબક્કાના મતદાન અગાઉ કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શનિવારે નિશાન સાધતા કહ્યું કે અત્યારના જેવી નબળી સરકાર અગાઉ ક્યારેય જોવા નથી મળી અને આટલા 'નબળા વડાપ્રધાન' પણ ક્યારેય રહ્યાં નહતાં.  વાયનાડમાં ભાઈ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના પક્ષમાં ચૂંટણી પ્રચાર કરવા માટે આવેલા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે તેઓ જાણવા માંગે છે કે શું સરકારની નીતિઓની ટીકા કરનારાનો અવાજ દબાવવો એ 'રાષ્ટ્રવાદ' છે. જેના જવાબમાં પીયૂષ ગોયલે કહ્યું કે આનાથી સારી મજાક બીજી કોઈ ન હોઈ શકે. આ પીએમ મોદીની હિંમત જ છે કે દુશ્મનોને ખતમ કરવા માટે અમે એલઓસી પાર કરી અને બાલાકોટમાં તેમના પર હુમલો કર્યો. તેના કારણે આજે પાકિસ્તાન ડરેલુ છે અને આખી દુનિયા ભારત સાથે છે.

તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ સરકારે જેમણે તેમને સત્તામાં બેસાડ્યાં તે લોકોનો વિશ્વાસઘાત કર્યો છે. ભાઈની જોરદાર તરફેણ કરતા પૂર્વ ઉત્તર પ્રદેશ મામલાના પ્રભારી કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ વાયનાડમાં ચાર રેલીઓમાં ભાગ લીધો અને ખેડૂતોની પણ મુલાકાત કરી. આ અવસરે પ્રિયંકાની પુત્રી મિરાયા અને પુત્ર રેહાન પણ તેમની સાથે હતાં. રાહુલ ઉત્તર પ્રદેશના અમેઠીથી પણ  ચૂંટણી લડી રહ્યાં છે.

પુલપલ્લીમાં ખેડૂતોની વિશાળ રેલીને સંબોધતા પ્રિયંકાએ રાષ્ટ્રવાદ પર સવાલ ઉઠાવ્યાં હતાં. તેમણે કહ્યું કે લોકોને એક એવા વડાપ્રધાન જોઈએ  છે જે તેમનું સન્માન કરે અને પોતે આપેલા વચનોને  બેદરકારીથી ફગાવે નહીં. તેમણે કહ્યું કે વાઈનાડના ભાઈ-બહેનો મેં ભારતમાં છેલ્લા પાંચ વર્ષમાં સત્તામાં રહેલી આ સરકાર જેટલી નબળી સરકાર ક્યારેય જોઈ નથી.

તેમણે કહ્યું કે મેં ભારતના આજના વડાપ્રધાન જેટલા નબળા વડાપ્રધાન પણ અગાઉ ક્યારેય જોયા નથી. મને લાગે છે કે તમે વધુ સારું મેળવવાને હકદાર છો. તમે એક એવી સરકાર મેળવવાને હકદાર છો જે તમારી વાત કરે. પ્રિયંકાએ કહ્યું કે તમને એક એવી સરકાર મળવી જોઈએ જે તમને તમારો અવાજ ઉઠાવવા માટે પ્રોત્સાહિત કરે પછી ભલે તે મુદ્દાઓ સરકાર વિરુદ્ધ કેમ ન હોય. તેમણે કહ્યું કે મારું માનવું છે કે તમને એક એવા વડાપ્રધાન મળવા જોઈએ જે તમારું સન્માન કરે અને તમારી સામે બોલાયેલા દરેક શબ્દનું સન્માન કરે તથા પોતે કરેલા વાયદાઓને બેદરકારીથી ફગાવે નહીં.

કોંગ્રેસ મહાસચિવે લોકોને પૂછ્યું કે શું લોકોના અધિકારોની રક્ષા કરવી, બંધારણને ખતમ કરવું અને સંસ્થાઓને નબળી કરવી એ રાષ્ટ્રવાદ છે. તેમણે પૂછ્યું કે તેઓ (ભાજપ) તમારામાં ભાગલા પાડવાનો પ્રયાસ કરે છે અને રાષ્ટ્રવાદની વાતો કરે છે. જ્યારે દેશના ખૂણે ખૂણેથી હજારો ખેડૂતો ખુલ્લા પગે તમારા (ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર) દરવાજે ગયા તો તમારી સમસ્યાઓ સાંભળ્યા વગર જ તમને પાછા મોકલી દીધા. તેમણે કહ્યું કે જ્યારે લોકો તમારા વિરોધમાં અવાજ ઉઠાવે છે, જ્યારે તેઓ તમારી નીતિઓની આલોચના કરે છે. ત્યારે તમે તેમને જેલમાં નાખી દો છો, પીટો છો... શું આ રાષ્ટ્રવાદ છે?

એએનઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં જ્યારે પીયૂષ ગોયલને પ્રિયંકા ગાંધી દ્વારા મોદીને નબળા ગણાવવા અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે આનાથી સારી મજાક બીજી કઈ ન હોઈ શકે. આ પીએમ મોદીની હિંમત જ છે કે દુશ્મનોને ખતમ કરવા માટે અમે એલઓસી પાર કરી અને બાલાકોટમાં તેમના પર હુમલો કર્યો. તેના કારણે આજે પાકિસ્તાન ડરેલુ છે અને આખી દુનિયા ભારત સાથે છે.

(12:18 pm IST)