Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

ઉત્તરપ્રદેશના નગીનામાં પ્રેમિકાએ લગ્નમાં પ્રેમીના ગળામાં વરમાળા નાખી દીધી

નવી દિલ્‍હીઃ યુપીના બિજનૌરના નગીના પોલીસ સ્ટેશન વિસ્તારની આ ઘટનામાં એક સામાન્ય જે રીતે લગ્ન થતા હોય છે તેમ લગ્ન પ્રસંગ હતો. દુલ્હાને લઈને જાન નાચતી ગાતી વિવાહના સ્થળે પહોંચી. દુલ્હનના ઘરવાળાઓએ  ભરપૂર સ્વાગત કર્યું. બધા અંદર પહોંચ્યાં અને દુલ્હાને સ્ટેજ પર લઈ જવામાં આવ્યો. ત્યારબાદ દુલ્હનને પણ લાવવામાં આવી.

દુલ્હા-દુલ્હનને સ્ટેજ પર વરમાળા આપવામાં આવી. જ્યારે ગળામાં વરમાળા નખાવા માટે વરરાજા આગળ આવ્યો તો દુલ્હને તેને પહેરાવવાની જગ્યાએ બાજુમાં ઊભેલા યુવકના ગળામાં વરમાળા નાખી દીધી. ત્યાં હાજર લોકો સ્તબ્ધ થઈ ગયાં. દુલ્હાના પરિજનોએ યુવક અંગે પૂછ્યું તો જાણવા મળ્યું કે તે છોકરાવાળા તરફથી છે જ નહીં. ત્યારબાદ જ્યારે દુલ્હનને પૂછપરછ કરવાનો સમય આવ્યો તો તેણે કહ્યું કે વરમાળા જેને પહેરાવી તે તેનો પ્રેમી છે.

યુવક દુલ્હાના પરિજનો સાથે અડધે રસ્તે જ જાનમાં સામેલ થઈ ગયો અને નાચતા નાચતા વિવાહ સ્થળ સુધી પહોંચી ગયો. ત્યારબાદ તે સ્ટેજ ઉપર પણ પહોંચી ગયો. જ્યાં દુલ્હને તેને વરમાળા પહેરાવી. યુવતીના ઘરવાળાઓએ યુવકને બરાબર મેથીપાક ચખાડ્યો. સૂચના મળતા પોલીસ પણ વિવાહસ્થળે પહોંચી ગઈ. યુવકની અટકાયત કરી લેવાઈ. ત્યારબાદ તો યુવતીએ લગ્ન કરવાની જ ના પાડી દીધી અને કહ્યું કે તે વિવાહ તેના પ્રેમી સાથે જ  કરશે. આ બધુ જોઈને જાન દુલ્હનને લીધા વગર જ વીલે મોઢે પાછી ફરી.

કહેવાય છે કે દુલ્હન બનેલી યુવતીનો પ્રેમી અને યુવતી કોલેજમાં સાથે ભણે છે. બંને એકબીજાને પસંદ કરે છે પરંતુ ઘરવાળા તેમના આ સંબંધ માટે રાજી નહતા. કારણ કે યુવતીના લગ્ન પહેલેથી નક્કી હતાં. પોલીસ હાલ યુવતીના ઘરવાળાને સમજાવવાની કોશિશ કરી રહી છે. યુવક અને યુવતી બંને સગીર હોવાના કારણે પોલીસ કોશિશ કરી રહી છે કે પરિવારની મરજીથી બંનેના વિવાહ થાય.

(5:12 pm IST)