Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

ઝારખંડમાં કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપનો ભવ્‍ય વિજયઃ પ૮માંથી ૨૬ બેઠકો જીતીને હોદ્દા ગ્રહણ કર્યા

રાંચીઃ ઝારખંડમાં યોજાયેલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપનો ભવ્‍ય વિજય થતા ભાજપમાં ખુશાલી છવાઇ ગઇ છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના કુલ 58 પદો માટે પહેલીવાર પાર્ટી આધાર પર લડાયેલી ચૂંટણીમાં ભાજપે 26 પદો હાંસલ કર્યાં. ઝારખંડના રાજ્ય ચૂંટણી કમિશનર એન એ પાંડેયએ એક પત્રકાર સંમેલનમાં જણાવ્યું કે રાજ્યની પાંચ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપરાંત કુલ 29 નગર પરિષદ અને નગર પંચાયતોના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના પદો માટે થયેલી ચૂંટણીમાં ભાજપે સૌથી વધુ 15  પદ અધ્યક્ષના અને 10 પદ ઉપાધ્યક્ષના જીતી લીધા. આ ઉપરાંત પાર્ટીએ ઝુમરી તલૈયા જિલ્લા પરિષદના અધ્યક્ષ માટે થયેલી પેટાચૂંટણીમાં પણ જીત મેળવી. આમ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના પદો માટે કુલ 26 ઉમેદવારોએ જીત મેળવી. ઝારખંડના રાંચી, મેદનીનગર, હજારીબાગ, ગિરિડીહ અને આદિત્યપુરમાં મેયર અને ડેપ્યુટી મેયર માટે ચૂંટણી થઈ હતી. તમામમાં ભાજપે કબ્જો જમાવ્યો છે.

પાંડેયએ જણાવ્યું કે ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસે પણ અધ્યક્ષના કુલ પાંચ પદ અને ઉપાધ્યક્ષના ચાર પદો પર જીત મેળવી. ઝારખંડ મુક્તિ મોરચાના અધ્યક્ષના કુલ ત્રણ પદ અને ઉપાધ્યક્ષના કુલ ચાર પદો પર જીત મેળવી. તેમણે જણાવ્યું કે આ ચૂંટણીમાં ઝારખંડ વિકાસ મોર્ચાએ એક અધ્યક્ષ અને ત્રણ ઉપાધ્યક્ષ પદો પર જીત મેળવી. આ પ્રકારે ઓલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયનને ચૂંટણીમાં બે અધ્યક્ષ પદ અને બે ઉપાધ્યક્ષ પદ મળ્યાં. આરજેડીને ફાળે મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગર પરિષદોની ચૂંટણીમાં કઈ આવ્યું નહીં. પરંતુ નગર પંચાયતોમાં તેના ઉમેદવારોએ એક અધ્યક્ષ પદ અને બે ઉપાધ્યક્ષ પદ મેળવ્યાં.

પાંડેયએ જણાવ્યું કે આ ચૂંટણીમાં બે અપક્ષોએ પણ અધ્યક્ષ પદ અને 3 અપક્ષોએ ઉપાધ્યક્ષ પદ મેળવ્યાં છે. આ ચૂંટણીઓમાં કપાલી નગર પરિષદના ઉપાધ્યક્ષ પદની ચૂંટણી ટેકનિકલ ખામીના કારણે સ્થગિત કરાઈ હતી. જે બાદમાં કરાવવામાં આવશે.

(5:07 pm IST)