Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

પીએનબીનો દર મહિને ૧૫૦ કરોડની વસૂલીનો લક્ષ્યાંક

ડુબેલા નાણાં પાછા મેળવવા PNB નું અનોખુ મિશન : ગાંધીગીરીના અભિયાન હેઠળ બેંકના કર્મચારીઓ ડિફોલ્ટરોની ઓફિસો અને કાર્યાલયોની બહાર શાંતિથી તકિયા લઈને બેસે છે

નવી દિલ્હી, તા.૨૧ : પંજાબ નેશનલ બેંક (પીએનબી)ના કર્મચારીઓએ ડૂબેલા રૂપિયાની વસૂલાત માટે એક અનોખુ અભિયાન શરૂ કર્યુ છે. આ ગાંધીગીરીના અભિયાન હેઠળ બેંકના કર્મચારીઓ ડિફોલ્ટરોની ઓફિસો અને કાર્યાલયોની બહાર શાંતિથી તકિયા લઈને બેસે છે. પીએનબીને આશા છે કે આ પ્રકારે રૂપિયા ન ચૂકવનારા કર્જદારોને શરમમાં મૂકીને તેઓ ૧૫૦ કરોડ રૂપિયા સુધીની રકમ દર મહિને વસૂલ કરશે. પીએનબીનું મિશન ગાંધીગીરી એક વર્ષ સુધી ચાલશે. સાર્વજનિક ક્ષેત્રની આ બેંક ૧૩૦૦૦ કરોડ રૂપિયાના કૌભાંડનો ભોગ બની અને ત્યારથી તે આલોચનાનો શિકાર થઈ રહી છે. મિશન ગાંધીગીરીની શરૂઆત પીએનબીએ મે ૨૦૧૭થી કરી હતી. આ હેઠળ બેંકની એક ટીમ દેવાદારની ઓફિસ કે ઘરે જઈને શાંતિથી બેસે છે. હાલ બેંકના ૧૧૪૪ ફીલ્ડ કર્મચારીઓ આ મિશનને આગળ વધારી રહ્યાં છે. બેંકે એક નિવેદનમાં જણાવ્યું કે આ મિશન હેઠળ તેમનો હેતુ ડિફોલ્ટરોને વાતચીત દ્વારા મુદ્દા પર લાવવાનો છે જેના કારણે તેઓ દર મહિને ૧૦૦થી ૧૫૦ કરોડ ડૂબેલા નાણાની વસૂલાત કરી શકે. બેંક આ અગાઉ જ ૧૦૮૪ લોકોને જાણી જોઈને દેવું ન ચૂકવવાની દાનતવાળા ગણાવી ચૂકી છે. ૨૬૦ લોકોના તો અખબારોમાં ફોટા પણ છપાવવામાં આવ્યાં. બેંકે કહ્યું કે ડિફોલ્ટરો વિરુદ્ધ તેમના આક્રમક વલણ અંતર્ગત છેલ્લા કેટલાક મહિનામાં ૧૫૦ પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યાં. બેંકે ૩૭ ડિફોલ્ટરો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે. આ ઉપરાંત બેંકે રૂપિયાની વસૂલાત માટે ડેટા વિશ્લેષણ તથા જોખમ પ્રબંધકોની એક પ્રમુખ ક્રેડિટ એજન્સી સાથે કોલબ્રેશન કર્યું છે. ડિસેમ્બર ૨૦૧૭ સુધીમાં પીએનબીની એનપીએ કુલ દેવાની ૧૨.૧૧ ટકા એટલે કે ૫૭૫૧૯ કરોડ રૂપિયા હતી.

(12:10 pm IST)