Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

તાનાશાહ કિમ જોંગ ઉન ડાહ્યા થઇ ગયાઃ પરમાણુ પરિક્ષણને બ્રેક!:

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે પ્રસંશા કરીઃ ઉત્તર કોરિયાના શાસકે ન્યૂકિલયર ટેસ્ટને બ્રેક મારીઃ ટ્રમ્પ કહે છે, વિશ્વ માટે સારા સમાચાર : બંને નેતાઓની મુલાકાત મે મહિનામાં થશે

પ્યોંગયોંગ, તા.૨૧ : ઉત્તર કોરિયાના તાનાશાહ નેતા કિમ જોંગ ઉને કહ્યું કે પરમાણુ પરીક્ષણ અને આંતરમહાદ્વીપીય મિસાઈલ લોન્ચને તેઓ રોકશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કિમ જોંગના આ નિવેદનનું સ્વાગત કર્યુ છે. આ બંને નેતાઓની મુલાકાત મે મહિનામાં થવાની છે. આ અગાઉ ૨૦ એપ્રિલના રોજ ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાએ આગામી સપ્તાહમાં થનારી શિખર વાર્તા પહેલા પોતાના નેતાઓ વચ્ચે વાતચીત માટે હોટલાઈન સેવા શરૂ કરી. શિખર વાર્તા ઉત્તર કોરિયાના પરમાણુ કાર્યક્રમ સંબંધિત સમસ્યાઓના ઉકેલ લાવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી રહી છે.

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ કાર્યાલયે જણાવ્યું છે કે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ ભવન બ્લૂ હાઉસ અને ઉત્તર કોરિયાના સ્ટેટ અફેર્સ કમિશન વચ્ચે પરીક્ષણ સંદર્ભે હોટલાઈન પર સફળતાપૂર્વક વાતચીત થઈ. સ્ટેટ અફેર્સ કમીશન ઉત્તર કોરિયાની ફેસલા લેનારી સર્વોચ્ચ સમિતિ છે. આ સમિતિના પ્રમુખ ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન છે. અઠવાડિયા બાદ કિમ જોંગ ઉન અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે આ અસૈન્ય ક્ષેત્રમાં એક ભેટ વાર્તા કરવાના છે. આ અગાઉ બંને નેતાઓ વચ્ચે પહેલીવાર ટેલિફોન પર વાતચીત કરવાની યોજના છે.

દક્ષિણ કોરિયાના અધિકારીઓએ જણાવ્યું કે શિખર વાર્તા બાદ પણ હોટલાઈન સેવા ચાલુ રહેશે અને તેનાથી તણાવ દરમિયાન ડાઈલોગ વ્યવસ્થા અને ગેરસમજ દૂર કરવામાં મદદ મળશે. કોરિયાઈ પ્રાયદ્વીપ અને તેની આસપાસ ઘૂમતી કૂટનીતિ વચ્ચે ઉઠાવાયેલા આ એક નવા પ્રકારનું પગલું છે જેની અસર જોવા મળશે.

(12:18 pm IST)