Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

રોકડની તંગી વચ્ચે સરકારે નવી નોટ છાપવાનું કામ ઝડપી બનાવ્યું

હાલમાં ૨૪ કલાક નોટોનું પ્રિન્ટીંગ થાય છે : સરકારે કેશનું સંકટ પુરૂ ન થઈ જાય ત્યાં સુધી રૂપિયા ૨૦૦ અને ૫૦૦ની નોટો પ્રિન્ટ કરવાનો નિર્ણય લીધો

નવી દિલ્હી, તા.૨૧ : દેશના કેટલાક રાજ્યોમાં રોકડની તંગી વચ્ચે સરકારે નવી નોટને છાપવાનું કામ ઝડપી બનાવી દીધું છે અને હાલમાં ૨૪ કલાક નોટોનું પ્રિન્ટિંગ થાય છે. સરકારે કેશનું સંકટ જ્યાં સુધી પુરૂ ન થઈ જાય ત્યાં સુધી ૨૦૦ અને ૫૦૦ રૂપિયાની નોટો પ્રિન્ટ કરવાનો નિર્ણય લીધો છે. નાણા મંત્રાલયના એક ટોચના અધિકારીએ આપેલી માહિતી પ્રમાણે દેશમાં ૭૦,૦૦૦ કરોડ રૂપિયાની કેશની કમીની આપૂર્તિ માટે સતત રૂપિયા ૫૦૦ અને ૨૦૦ની નોટોનું પ્રિન્ટીંગ થઈ રહ્યું છે. ભારત સરકારની કરન્સી છાપવાનું કામ ચાર પ્રિન્ટીંગ પ્રેસમાં થાય છે. આ ચારેય પ્રિન્ટીંગ પ્રેસ દિવસમાં સરેરાશ ૧૮થી ૧૯ કલાક કામ કરે છે અને માત્ર ત્રણથી ચાર કલાકનો જ બ્રેક લે છે. જોકે રોકડની માંગ વધવાને કારણે તેમજ એટીએમ મશીન ખાલી હોવાના કારણે હાલમાં સતત ચોવીસ કલાક પ્રિન્ટિંગનું કામ ચાલી રહ્યું છે.

સામાન્ય રીતે મુદ્રા પ્રિન્ટ કરવાનું ચક્ર ૧૫ દિવસનું હોય છે. જે નોટ છપાતી હોય છે એ મહિનાના અંત સુધી માર્કેટમાં મળતી થઈ જાય છે. આમ, આ અઠવાડિયે જે નોટોનું પ્રિન્ટીંગ શરૂ થયું છે એ મહિનાના અંતમાં માર્કેટમાં મળતી થઈ જશે. આ પહેલાં નોટબંધી વખતે પ્રિન્ટીંગ મશીનો ચોવીસ કલાક ચાલી હતી અને ૨૦૦૦ રૂપિની નોટોનું પ્રિન્ટીંગ કરવામાં આવ્યું હતું. હાલમાં દેશમાં કેશની અછત પ્રવર્તી રહી છે ત્યારે સરકારનો દાવો છે કે દેશના મોટાભાગના વિસ્તારોમાં એટીએમ ચાલે છે અને એમાં કેશ છે. મંત્રાલયના સુત્રોએ આપેલી માહિતી પ્રમાણે પંજાબ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર, નોર્થ ઇસ્ટ, ઓડિસા તેમજ તામિલનાડુના ૯૦ ટકા એટીએમમાં કેશ ઉપલબ્ધ છે. સૌથી પહેલાં નાણાંકીય તંગીનો સામનો કરનાર તેલંગાણામાં પણ ૭૭ ટકા એટીએમ કામ કરે છે. કેશ સંકટ પર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચેરમેન રજનીશ કુમારે કહ્યું છે કે એકાદ દિવસમાં આ સંકટ સમાપ્ત થઈ જશે.

(12:10 pm IST)