Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

મોતની સજાના મામલે આજે કેબિનેટમાં નિર્ણય લેવાશે

સગીરા સાથે રેપ કેસમાં નિર્ણય લેવાશે : બેઠકમાં 'પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સ' એટલે કે પોક્સો એક્ટમાં સંશોધનને મંજૂરી આપી શકે છે

નવી દિલ્હી, તા.૨૧ : કેન્દ્રીય કેબિનેટ સગીર સાથે રેપના કેસમાં ફાંસીની સજાની જોગવાઈના પ્રસ્તાવને આજે મંજૂરી આપી શકે છે. શનિવારે કેબિનેટની બેઠકમાં 'પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સ' એટલે કે પોક્સો એક્ટમાં સંશોધનને મંજૂરી આપી શકે છે. ત્યારપછી ૧૨ વર્ષની ઉંમર સુધીના બાળકોના રેપના દોષિતોને મોતની સજા આપી શકાશે. અત્યારે પોક્સો એક્ટ અંતર્ગત વધુમાં વધુ આજીવન કેદ અને ઓછામાં ઓછી સાત વર્ષની જેલની સજા આપવામાં આવે છે. જમ્મુના કઠુઆ અને ઉત્તર પ્રદેશના એટામાં સગીર બાળકી સાથે થયેલી રેપની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે.

બીજી જોગવાઈ એસસી-એસટી એક્ટ સાથે જોડાયેલી છે. આ અધ્યાદેશ પણ તૈયાર છે. તેમાં એસસી-એસટી એક્ટને જૂના સ્વરૂપે લાવવામાં આવશે. સુપ્રીમ કોર્ટે હાલના કાયદામાં ફેરફાર કરીને તેમાં જેલ મોકલતા પહેલાં અમુક શરતો લગાવી છે. ત્યારપછી સમગ્ર દેશમાં દલિત આંદોલન થયું હતું. કાયદા મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે, આ પ્રમાણેના વિવાદોનો ઉકેલ લાવવા માટે આજે આવો એક અધ્યાદેશ રજૂ થાય તે જરૂરી છે. આ સંશોધન બિલ માટે ચોમાસુ સત્ર જુલાઈમાં શરૂ થાય ત્યાં સુધી રાહ જોવી પડશે.નોંધનીય છે કે, કેન્દ્ર સરકારે એક જનહિતની અરજી પર સુનાવણી ચાલી રહી હતી તે દરમિયાન સુપ્રીમ કોર્ટને આ વાત કરી છે. કેન્દ્ર સરકાર તરફથી સુપ્રીમ કોર્ટને પત્ર લખવામાં આવ્યો હતો. આ પત્રમાં લખવામાં આવ્યું હતું કે, ૧૨ વર્ષ સુધીના બાળકો સાથે રેપ જેવી ઘટના બને તો આરોપીને મહત્તમ ફાંસીની સજા આપવા કેન્દ્ર સરકાર POCSO એક્ટમાં ફેરફાર કરવાનું વિચારી રહી છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે, નિર્દોષો સાથે રેપની સજાને વધારીને ફાંસી કરવા જઈ રહી છે. આ વિશે પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટ હવે આ વિશે ૨૭ એપ્રિલે સુનાવણી કરશે.

નોંધનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી બાળકો સાથે રેપના મામલે સજા વધારીને ફાંસી કરવાની માગણી કરવામાં આવી રહી છે. આ જ મુદ્દાને લઈને દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતી માલિવાલ સાત દિવસથી અનશન કરી રહી છે. તેમની પણ આ જ માગણી છે કે, બાળકો સાથે રેપ જેવો ગુનો કરનાર દોષિતોને ફાંસીની સજા આપવી જોઈએ.

(12:06 pm IST)