Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

સાત વિરોધ પક્ષોએ દીપક મિશ્રા વિરૂધ્ધ પાંચ આરોપો મૂકયાઃ ઉપરાષ્ટ્રપતિ નિર્ણય લેશે

નવી દિલ્હી તા. ૨૧ : કોંગ્રેસ અને અન્ય છ વિપક્ષે શુક્રવારે એક અભૂતપૂર્વ પગલું ભરીને દેશના સર્વોચ્ચ ન્યાયમૂર્તિ દીપક મિશ્રા પર 'ગેરવર્તન' અને સત્તાના 'દુરુપયોગ'નો આક્ષેપ મૂકીને મહાભિયોગની (હોદ્દા પરથી દૂર કરવાની) નોટિસ આપી હતી. આ ઉપરાંત, તેમની તપાસ યોજવાની પણ માગણી કરી હતી.

વિપક્ષોના નેતાઓ ઉપરાષ્ટ્રપતિ અને રાજયસભાના અધ્યક્ષ એમ. વેંકૈયા નાયડુને મળ્યા હતા અને સંસદના ઉપલા ગૃહના ૬૪ સાંસદની સહી ધરાવતી દેશના મુખ્ય ન્યાયમૂર્તિ સામેની મહાભિયોગની નોટિસ આપી હતી.

દેશના ઇતિહાસમાં અત્યાર સુધી કયારેય દેશના મુખ્ય ન્યાયમૂર્તિ સામે મહાભિયોગની કાર્યવાહી નથી ચલાવાઇ અને ઉપરાષ્ટ્રપતિ હવે કાનૂની સલાહમસલત કર્યા બાદ જો યોગ્ય લાગશે તો જ વિપક્ષોની આ નોટિસ હાથ ધરશે.

અગાઉ, સોહરાબુદ્દીન શેખના કહેવાતા બનાવટી એન્કાઉન્ટરના કેસની સુનાવણી કરી રહેલા ન્યાયાધીશ બી. એચ. લોયાના મૃત્યુની સ્વતંત્ર તપાસની માગણી કરતી અનેક અરજીને સર્વોચ્ચ અદાલતે ગુરુવારે કાઢી નાખી હતી, તેના પછીના જ દિવસે આ નોટિસ અપાઇ હતી.

કોંગ્રેસના નેતા કપિલ સિબલે પત્રકાર પરિષદમાં દેશના મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રાના કહેવાતા 'ગેરવર્તન'ના પાંચ આક્ષેપ મૂકયા હતા અને જણાવ્યું હતું કે અમે ભારે હૃદય સાથે મહાભિયોગની નોટિસ આપી રહ્યા છીએ.

તેમણે જણાવ્યું હતું કે અમે જનપ્રતિનિધિ તરીકે જે રીતે જનતાને જવાબદાર છીએ એ રીતે અમે પણ દેશના મુખ્ય ન્યાયમૂર્તિને (ખોટા કાર્ય બદલ) જવાબદાર ગણાવી શકીએ છીએ. કાયદાની સત્ત્।ા અન્ય કરતાં વધુ મહત્ત્વની ગણાય. વિપક્ષોએ દેશના મુખ્ય ન્યાયમૂર્તિ સામે તપાસ યોજવાની પણ માગણી કરી હતી.

કપિલ સિબલે જણાવ્યું હતું કે અમે સત્યને જાહેર કરવા માટે યોગ્ય તપાસની આશા રાખીએ છીએ. ન્યાયતંત્ર જો મજબૂત હોય તો જ લોકશાહી ટકી શકે છે અને બંધારણીય કામગીરી પ્રામાણિકતાથી, ડર રાખ્યા વિના એકલે હાથે કરી શકાય છે. તેમણે જણાવ્યું હતું કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો જ માને છે કે ન્યાયતંત્રની સ્વતંત્રતા જોખમમાં છે.

વિપક્ષે દેશના મુખ્ય ન્યાયમૂર્તિ સામે આપેલી મહાભિયોગની નોટિસમાં મૂળ ૭૧ સાંસદની સહી હતી, પરંતુ રાજયસભામાંના વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે જણાવ્યું હતું કે સહી કરનારા સાત સાંસદ નિવૃત્ત્। થયા હોવાથી અમે તેઓની ગણતરી નહિ કરવા વિનંતિ કરી હતી.

રાજયસભામાં મહાભિયોગની દરખાસ્ત માટે ઓછામાં ઓછા પચાસ સાંસદની સહી જરૂરી હોય છે. તેમણે જણાવ્યું હતું કે અમે દેશના મુખ્ય ન્યાયમૂર્તિના પાંચ 'ગેરવર્તન'બદલ તેમને હોદ્દા પરથી દૂર કરવા વિનંતિ કરી છે.

દીપક મિશ્રાના કહેવાતા ગેરવર્તનની પાંચ ઘટનામાં પ્રસાદ એજયુકેશન ટ્રસ્ટ કેસમાં ગેરકાયદે લાભ કરાવવાનો અને આ જ કિસ્સામાં વડી અદાલતના નિવૃત્ત્। ન્યાયાધીશ સામે કાર્યવાહી કરવાની પરવાનગી નહિ આપવાનો સમાવેશ થાય છે.

વિપક્ષોએ મૂકેલા અન્ય એક આરોપ મુજબ દીપક મિશ્રા જયારે વકીલ હતા ત્યારે તેમણે 'ખોટા સોગંદનામા'હેઠળ જમીન મેળવી હતી.

દેશના મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રા સામેની મહાભિયોગની દરખાસ્ત પર કોંગ્રેસ, એનસીપી, માકર્સવાદી પક્ષ, સામ્યવાદી પક્ષ, સમાજવાદી પક્ષ (એસપી), બહુજન સમાજ પક્ષ (બીએસપી) અને ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગના સાંસદોની સહી છે.

વિપક્ષોએ દેશના મુખ્ય ન્યાયમૂર્તિ પર એવો આરોપ પણ મૂકયો હતો કે દીપક મિશ્રા દ્વારા સંવેદનશીલ કેસો ચોક્કસ ન્યાયાધીશોને જ સોંપાય છે.

અગાઉ, સર્વોચ્ચ અદાલતના ચાર વરિષ્ઠ ન્યાયમૂર્તિએ ગયા જાન્યુઆરીમાં પત્રકાર પરિષદ યોજીને દીપક મિશ્રાની સામે આરોપ મૂકયા હતા.

રાજયસભાના અધ્યક્ષને મહાભિયોગની દરખાસ્ત સુપરત કરાય તે પછી તેઓ આ દરખાસ્ત હાથ ધરવી કે નહિ તેનો નિર્ણય લે છે.

રાજયસભાના અધ્યક્ષને જો મહાભિયોગની દરખાસ્ત હાથ ધરવા યોગ્ય લાગે તો જ તેઓ તે સંબંધમાં આગળ કાર્યવાહી કરી શકે છે નહિતર તેમને આ દરખાસ્ત કાઢી નાખવાનો અધિકાર પણ છે.

રાજયસભામાં જો આ દરખાસ્ત રજૂ થાય તો દેશના ઇતિહાસમાં મુખ્ય ન્યાયમૂર્તિ સામે મહાભિયોગની દરખાસ્ત હાથ ધરાઇ હોવાનો આ સૌપ્રથમ કિસ્સો હશે.(૨૧.૮)

 

(11:22 am IST)