Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

રિફંડની અરજી સ્‍વીકારવામાં સેન્‍ટ્રલ અને સ્‍ટેટ GSTના અલગ નિયમોથી મુશ્‍કેલી

૧૫ દિવસમાં અરજી સ્‍વીકારવાના નિયમને ઘોળીને પી જતા SGSTના અધિકારીઓ

મુંબઇ,તા. ૨૧ : જીએસટી રિફંડ અરજી સ્‍વીકારવામાં પણ એસજીએસટી અને સીજીએસટીના અલગ અલગ નિયમોને કારણે વેપારીઓએ તકલીફ વેઠવી પડે છે. જો કે સીજીએસટીમાં જીએસટીના નિયમ પ્રમાણે કામગીરી કરવામાં આવે છે. જ્‍યારે એસજીએસટીએ પોતાની મરજી પ્રમાણેના નિયમો બનાવતા વેપારીઓએ રિફંડ મેળવવા માટે થોભો અને રાહ જુઓની સ્‍થિતિ અપનાવી પડતી હોય છે.

જીએસટી રિફંડ માટે ઓનલાઇન અરજી કરવામાં આવ્‍યા બાદ ૧૫ દિવસની અંદર અરજી યોગ્‍ય છે કે નહીં તેનો જવાબ આપી દેવાનો હોય છે. જો અરજીની અંદર કોઇ પુરાવા બાકી હોય તો તે રજુ કરવા માટેની જાણકારી પણ વોરીને ૧૫ દિવસની અંદર આપી દેવાની હોય છે. ત્‍યારબાદ બાકી રહેતા ૪૫ દિવસમાં રિફંડ વેપારીના ખાતામાં આપી દેવાનું હોય છે. જીએસટી વિભાગે આ નિયમ બનાવ્‍યો હોવા છતાં એસજીએસટીના અધિકારીઓ આવા નિયમોનું પાલન કરવાના બદલે મનમાની રીતે રિફંડની અરજી સ્‍વીકારીને તેનો જવાબ ૧૫ દિવસના બદલે ૪૦ થી ૫૦ દિવસની અંદર આપે છે.

જો કે, અરજીના પુરતા પુરાવા હોય તો તેનો નિકાલ ૬૦ દિવસમાં કરીને વેપારીના ખાતામાં રિફંડ આપી દેવામાં આવતુ હોય છે. જ્‍યારે એક પણ પુરાવો ઓછા હોય તો ૪૦ દિવસ પછી વેપારીને તેની જાણ કરવામાં આવતી હોવાની ફરિયાદ ઉઠી છે. જેથી વેપારીએ રિફંડ મેળવવા પુરાવા રજુ કરવા અને ત્‍યારબાદ ફરી ૬૦ દિવસ સુધી રાહ જોવી પડતી હોય છે. તેના કારણે જીએસટીનો કાયદો એક હોવા છતાં એસજીએસટી અને સીજીએસટીમાં અધિકારીઓની કામગીરી કરવાની રીતથી વેપારીઓ ભારે પરેશાની ભોગવી રહ્યા છે. જ્‍યારે દેશના અન્‍ય રાજયમાં ૧૫ દિવસમાં જ રીફંડની અરજી સ્‍વીકારીને તેની જાણકારી વેપારીને આપી દેવામાં આવતી હોય છે. તેમ છતાં સ્‍ટેટ જીએસટીના અધિકારીઓની આવી મનસ્‍વી કામગીરીને લીધે વેપારીઓને ઝડપથી રીફંડ મળતા નથી. (૨૨.૫)

SGSTમાં નિયમ પ્રમાણે અરજી સ્‍વીકારી જાણ કરવી જોઇએ

જીએસટીનો કાયદો એક હોવા છતાં એસજીએસટી અને સીજીએસટીમાં રિફંડની અરજી સ્‍વીકારીને તેની જાણ કરવાના અલગ અલગ નિયમો દૂર કરીને ૧૫ દિવસમાં જ અરજીનો સ્‍વીકાર કરવો જોઇએ. તેમજ તેની જાણકારી પણ વેપારીને સમયસર મળી રહે તો ઓછી તકલીફ પડે તેમ છે. જેથી આ માટેની વ્‍યવસ્‍થા એસજીએસટીમાં કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે.

- ટેક્‍સ કન્‍સલ્‍ટન્‍ટ

(10:26 am IST)