Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

અમદાવાદ-સુરત-વડોદરા અને રાજકોટ બુધવાર સુધી લોકડાઉંન : કોરોના ના મુકાબલા માટે સરકાર સજ્જ : ગુજરાતના 4 મહાનગરો બુધવાર સુધી સંપૂર્ણ બંધ રહેશે : તમામ દુકાનો બંધ રહેશે : શાકભાજી,પ્રોવિઝન,દવાની દુકાનો હોસ્પિટલને મુક્તિ : મોડીરાત્રે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે અકિલાની વાતચીત : સરકારી કર્મચારીઓ 50 ટકા ઘરે રહેશે : કોરોના ગુજરાતમાં પ્રસરે નહીં તે માટે અસરકારક -પ્રજા હિતમાં પગલાં લેતા વિજયભાઈ રૂપાણી : અમદાવાદમાં ૧ર૦૦ બેડની સિવીલ હોસ્પિટલ - રાજકોટમાં રપ૦ બેડ - વડોદરામાં રપ૦ બેડ તથા સુરતમાં પ૦૦ બેડની હોસ્પિટલ ‘ઇન્ફેકશન આઇસોલેશન હોસ્પિટલ’ તરીકે ત્વરિતએ કાર્યરત 

ગાંધીનગર : મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઇ પટેલે રાજ્યમાં સર્જાયેલી કોરોના વાયરસની પરિસ્થિતીની ઉચ્ચસ્તરીય કોર કમિટીની બેઠકમાં સમીક્ષા કરી સ્થિતીનો તકાજો મેળવ્યો હતો. કોરોના વાયરસનો વ્યાપ સામાન્યત: બીજા અને ત્રીજા સ્ટેજમાં વધતો હોવાનો ટ્રેન્ડ વિશ્વમાં જોવા મળ્યો છે તે સંદર્ભમાં ગુજરાતમાં તેનો વ્યાપ વધુ ફેલાતો અટકાવવાની તકેદારી-સતર્કતા રૂપે આ બેઠકમાં કેટલાક અતિ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.

મુખ્યમંત્રીએ આ બેઠકમાં જણાવ્યું કે, આ વાયરસનો ફેલાવો એકબીજાના સંપર્કમાં આવવાથી થતો હોવાથી રાજ્યના નાગરિકો ભીડભાડ વાળી જગ્યાએ કે જાહેર સ્થળોએ જઇને અન્યોના સંપર્કમાં ન આવે તે હેતુસર રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે, આગામી બુધવાર, તા.ર૫ માર્ચ-ર૦ર૦ સુધી રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં દૂધ, શાકભાજી, ફળફળાદી, કરિયાણું, પ્રોવિઝનલ સ્ટોર્સ તેમજ મેડીકલ સ્ટોર્સ, દવાખાના, હોસ્પિટલ, લેબોરેટરી, મેડીકલ સાધનોની ઉત્પાદક કંપની, ફાર્મસી અને આરોગ્યલક્ષી સેવાઓ જ ચાલુ રાખી શકાશે. બાકી બધુ લોકડાઉનમાં રહેશે.

આ ઉપરાંત અન્ય આવશ્યક સેવાઓ જેમાં તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન, પંચાયત સેવાઓ, વિજળી અંગેની સેવાઓ, વીમા કંપની, ઇન્ટરનેટ, ટેલિફોન અને આઇ.ટી. સંબંધિત સેવાઓ બેન્ક, એ.ટી.એમ., બેન્કના કલીયરીંગ હાઉસ તથા સ્ટોક એક્ષચેન્જ અને તમામ આવશ્યક વસ્તુઓના ગોડાઉન તથા અન્ય અતિ આવશ્યક સેવાઓ, રેલવે, ટ્રાન્સપોર્ટ સેવા, પેટ્રોલ પંપ, પાણી પુરવઠો અને ગટર વ્યવસ્થા તંત્ર તથા મીડીયા સમાચારપત્રો, ખાદ્ય પદાર્થો અને ખાદ્ય સામગ્રી, દવાઓ, પેસ્ટકંટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા તથા તેને લગતા ઇ-કોમર્સ સાથે સંકળાયેલી દુકાનો-સંસ્થાઓ જ ચાલુ રહેશે.

કોરોના વાયરસનું સંક્રમણ પ્રસરતું અટકાવવા હેતુથી આ બેઠકમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજ્ય સરકારની તમામ કચેરીઓ, બોર્ડ-કોર્પોરેશનની કચેરી તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કચેરીઓમાં તા. ર૯ માર્ચ-ર૦ર૦ સુધી વર્ગ- ર થી ૪ ના કુલ કર્મચારીઓના પ૦ ટકા કર્મચારીઓ રોટેશનલ બેજીઝ પર ઓફિસ ફરજ પર ઉપસ્થિત રહેશે.

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આવશ્યક સેવાઓના કર્મચારીઓ-અધિકારીઓ તેમજ આવશ્યક-તાત્કાલિક સેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓ-અધિકારીઓ અને કોરોના વાયરસના ચેપ નિયંત્રણ કરવાની કામગીરી સાથે સીધા સંકળાયેલા કર્મચારીઓને આ રોટેશનલ બેજીઝ પ્રથા લાગુ પડશે નહિ અને આ દિવસો દરમિયાન ફરજ પર રાબેતા મુજબ આવવાનું રહેશે.

આ વ્યવસ્થા સંબંધિત ખાતાના-વિભાગોના વડાઓએ પોતાની કચેરી-વિભાગના કાર્યભારણને અનુરૂપ કરવાની રહેશે. તેમ પણ નિર્ણય સેવામાં આવ્યો હતો. આ વૈશ્વિક મહામારી સામે દ્રઢતાપૂર્વક લડત આપવા સાથે આ વાયરસની ઓછામાં ઓછી અસર થાય તેવા આગોતરા આયોજનને પણ બેઠકમાં ઓપ આપવામાં આવ્યો હતો.
તદ્દઅનુસાર, અમદાવાદમાં સિવીલ હોસ્પિટલ સંકુલમાં આવેલી ૧ર૦૦ બેડની નવિન હોસ્પિટલને કોરોના વાયરસના પોઝિટીવ કેસીસની સારવાર માટે ઇન્ફેકશન આઇસોલેશન હોસ્પિટલ તરીકે કાર્યરત કરવામાં આવશે તેવો નિર્ણય લેવાયો હતો. આ હોસ્પિટલ આગામી સોમવારથી કાર્યરત થઇ જાય તે માટે મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજકુમારને વિશેષ જિમ્મેદારી સોપવામાં આવી છે.

આ ઉપરાંત રાજ્યના અન્ય ૩ મહાનગરો રાજકોટમાં રપ૦ બેડ, વડોદરામાં રપ૦ બેડ તથા સુરતમાં પ૦૦ બેડની હોસ્પિટલ ‘ઇન્ફેકશન આઇસોલેશન હોસ્પિટલ’ તરીકે ત્વરાએ કાર્યરત કરી દેવાની સૂચનાઓ પણ મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.

(9:37 pm IST)
  • ઇટાલીમાં 24 કલાકમાં 627 લોકોના મોત :કલ્પનાતીત ભયાનક સ્થિતિ : દર 2 મિનિટે 1 મોત થાય છે :વિશ્વ આખું સ્તબ્ધ : કુલ મૃત્યુઆંક 4000 ઉપર પહોંચ્યો : ચીનમાં લીલાલહેર : નવા કેસો બનવાનું બંધ થયું !! : સતત બીજા દિવસે એકપણ કેસ નહીં !! access_time 11:12 pm IST

  • રાજકોટ રાત્રે સુમસામ : તમામ રસ્તા ખાલીખમ : પેટ્રોલપંપ ઉપર લાઇનો access_time 9:15 pm IST

  • પાટનગર સુમસામ : ગાંધીનગરમાં રેસ્ટોરન્ટ-હોટલોમાં ખાણી-પીણીની સામ્રગી નહિં પીરસવાના આદેશઃ પાટનગરના મોટાભાગના રોડ-રસ્તાઓ સુમસામઃ લોકોએ સ્વૈચ્છીક ઘરબંધીને આપ્યુ માનઃ કોરોનાની દહેશત વચ્ચે ગાંધીનગર સુમસામ access_time 11:37 am IST