Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

વિશ્વમાં કોરોનાએ ૧૧૧૯૩નો ભોગ લીધો

ઇટાલીમાં સ્થિતિ બેકાબુ : લંડન લોકડાઉન : હાહાકાર

નવી દિલ્હી તા. ૨૧ : વિશ્વના ૧૮૨ દેશો સાંજ સુધીમાં કોરોનાના ભરડામાં આવી ગયા છે અને ૧૧,૧૯૩ લોકોનો ભોગ લીધો છે. આખા વિશ્વમાં ૨,૬૭,૯૨૦ લોકો કોરોના સંક્રમિત છે, જયારે ૯૦,૬૦૩ લોકોને સાજા કરાયા છે. અમેરિકાના કેલિફોર્નિયામાં સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવતા ૪ કરોડ લોકોને ઘરમાં પુરાઈ રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. અમેરિકામાં ૧૮ વધુનાં મોતથી મૃતાંક ૨૨૫ થયો છે, જયારે ૨,૭૨૮ વધુ લોકોને ચેપ લાગ્યો છે. અમેરિકાએ જરૂર પડે ત્યાં મદદ માટે આર્મીને ઉતારવાની તૈયારી કરી છે.

અમેરિકામાં મૃત્યુઆંક વધીને ૨૨૫ને પાર થયો છે. ૧૬,૫૧૭થી વધુ લોકોને સંક્રમણ થયું છે. ન્યૂ જર્સીમાં એક જ પરિવારના ૪ લોકોના કોરોનાનાં કારણે મોત થયાં છે, જયારે પરિવારના અન્ય ૩ સભ્યો લાઇફ સપોર્ટ સિસ્ટમ પર છે. મેડિકલ સાધનોની અછતની ફરિયાદને કારણે ટ્રમ્પે તમામ રાજયોમાં મેડિકલ સામગ્રી તત્કાળ પહોંચાડવા આદેશ આપ્યો છે.

ટ્રમ્પે મેલેરિયાની સારવાર માટે ઉપયોગમાં લેવાતી દવાથી કોરોનાની સારવારના પ્રયોગો કરવા છૂટ આપી છે. બીજી તરફ કોરોના વાઇરસને ચીન દ્વારા છુપાવવામાં આવતા આખંુ વિશ્વ આજે તેના ભરડામાં ફસાયું હોવાના ચીન પર આક્ષેપો કર્યા છે. યુએસ પ્રમુખ ટ્રમ્પે ય્-૭ની સમિટમાં વ્યકિતગત હાજર રહેવાનું મુલત્વી રાખ્યું છે.

હવે વીડિયો કોન્ફરન્સ દ્વારા સમિટ યોજાશે. અમેરિકામાં જાપાનની કાર ઉત્પાદક કંપનીઓ ટોયોટા, નિસાન અને હોન્ડાએ ઉત્પાદન બંધ કર્યું છે. ટોયોટાએ ૩ એપ્રિલ, નિસાને ૬ એપ્રિલ અને હોન્ડાએ ૨૯ માર્ચ સુધી પ્લાન્ટ બંધ રાખ્યા છે. સેનેટના નેતા મિચ મેક્કોલેન દ્વારા ગ્રાહકો, કંપનીઓ અને સ્થાનિક સરકારો માટે જંગી સ્ટિમ્યુલસ પેકેજ જાહેર કરાયું છે.

યુરોપના ઇટાલીમાં સ્થિતિ બેકાબૂ અને વિસ્ફોટક બની ગઈ છે. ઇટાલીમાં મોતનો આંકડો ૪,૦૩૨ થયો છે જે ચીન કરતાં વધારે છે. ચીનનો મૃત્યુઆંક ૩,૨૪૮ થયો છે. ઇટાલીમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૨૭ લોકો કોરોનાના ભોગ બન્યા છે. બેરગામો નામના શહેરમાં જયાં જુઓ ત્યાં લાશોના ઢગ ખડકાયા છે. મૃતદેહોને દફનાવવા આર્મીની મદદ લેવાઈ છે. રસ્તાઓ પર સૈનિકો તહેનાત કરવા છતાં મોતનો માતમ ઘટયો નથી. ઇટાલીના મહત્ત્વનાં શહેરો વેરાન લાગી રહ્યાં છે. લાશોના તાબુતથી બે હોસ્પિટલો ખીચોખીચ ભરાઈ ગઈ છે.

ઇરાનમાં પણ સ્થિતિ વિસ્ફોટક બની રહી છે. દર ૧૦ મિનિટે એકનું મોત થઈ રહ્યું છે અને દર ૫૦ મિનિટે નવો કેસ પ્રકાશમાં આવે છે. ઇરાનમાં છેલ્લાં ૨૪ કલાકમાં ૧૪૯ લોકોનાં મોત થયાં છે. ઇરાનમાં કુલ ૧૪૩૩ લોકોનાં મોત થયાં છે, જયારે ૧૯,૬૪૪ લોકોને અસર થઈ છે. રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ ૧૫ દિવસ સુધી દેશના તમામ બજારો બંધ રાખવા આદેશ આપ્યો છે.

યુકેમાં કોરોનાના કારણે શુક્રવારે વધુ ૪૦ લોકોના મોત થતાં મૃતાંક ૧૭૭ થયો છે. વડાપ્રધાન બોરિસ જહોનસને યુકેમાં લોકડાઉન જારી કર્યું છે. કેફે, કલબ, પબ, જીમ, રેસ્ટોરન્ટ અને થિયેટરોને તાત્કાલીક અમલથી બંધ કરવામાં આવ્યાં છે. લંડનમાં કોરોનાએ વ્યાપ ફેલાવ્યો છે અને ૧૭૭ લોકોનાં મોત થયાં છે. લંડન હવે કોરોનાનું હોટબેડ બન્યું છે. કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા વધીને ૩૯૮૩ થઈ છે. ખાસ કરીને વેસ્ટમિન્સ્ટર, સાઉથવોર્ક અને લામ્બેથ કોરોનાની પકડમાં આવી ગયા છે. લંડનનું ટ્રાન્સપોર્ટ નેટવર્ક બંધ કરાયું છે અને ૨૦,૦૦૦ સૈનિકોને સાબદાં કરાયા છે.ઙ્ગ લેટિન અમેરિકાના દેશોમાં આજર્િેન્ટનામાં લોકડાઉન જાહેર કરાયું છે. લોકોને ઘરની બહાર નહીં નીકળવા આદેશ આપ્યા છે. કારણ વિના ઘરની બહાર નીકળતા લોકો પાસેથી દંડ વસૂલવા નક્કી કરાયું છે.

(12:09 pm IST)