Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

મોદી સરકાર એકશન મોડમાં

બધી હોસ્પિટલો ઇમર્જન્સી માટે તૈયાર રહે સરકારે જારી કરી એડવાઇઝરી : ખાનગી - સરકારી હોસ્પિટલોને લાગુ પડશે : પુરતો સ્ટાફ - વેન્ટીલેટર તૈયાર રાખવા પડશે

નવી દિલ્હી તા. ૨૧ : કેન્દ્ર સરકારે કોરોના સામે લડવા માટે તૈયારીઓને અંતિમ ઓપ આપવાનું શરું કરી દીધું છે. શુક્રવારે સરકારે દેશની તમામ હોસ્પિટલો માટે એક એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં તમામ હોસ્પિટલો અને મેડિકલ એજયુકેશન ઇન્સ્ટિટ્યુટને કેટલાક બેડ અલગ કરવા અને આઈસોલેશન સુવિધા દેવા માટે તૈયાર રહેવા જણાવ્યું છે. સરકારે આ એડવાઈઝરી સરકારી અને પ્રાઈવેટ બંને હોસ્પિટલ માટે જાહેર કરી છે. સરકારે કહ્યું છે કે દરેક હોસ્પિટલમાં પૂરતી માત્રામાં વેન્ટિલેટરની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે. હાઈ ફલો ઓકિસજન માસ્ક પણ તૈયાર રાખવામાં આવે અને કોવિડ-૧૯ સાથે લડવા પૂરતી માત્રામાં સ્ટાફ પણ તૈયાર રાખવામાં આવે.

આ નવી એડવાઈઝરી કોરોના વાયરસના સતત વધી રહેલા કેસને જોઈને આપવામાં આવી છે. જોકે હજુ સુધી એવો એક પણ કેસ સામે નથી આવ્યો જે એ દર્શાવતો હોય કે ભારતમાં કોરોના મહામારી તેના ત્રીજ ચરણ કોમ્યુનિટી સ્પ્રેડમાં પહોંચી ગઈ છે. પરંતુ એડવાઈઝરી દ્વારા સરકાર દર્શાવવા માગે છે કે તેઓ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે. જો મહામારી ફેલાય છે અને દર્દીઓની સંખ્યામાં એકસાથે વધારો થાય છે તો તેની સામે લડવા માટે તૈયારી કરવામાં આવી રહી છે.

સરકારે તમામ હોસ્પિટલને કહ્યું કે તેઓ એવા કોઈપણ દર્દીને હોસ્પિટલમાંથી પરત ન જવા દે જે કોવિડ-૧૯ના શંકાસ્પદ કેસ છે. તેમજ આવા દર્દીને ભરતી કરવામાં આવ્યાની માહિતી પણ તુરંત જ આપે. સાથે જ દરેક ન્યુમોનિયા દર્દી માટે પણ જરુરી સૂચના આપે. આ તમામ દર્દીઓના કોવિડ-૧૯ ટેસ્ટ કરવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી સરકાર દ્વારા જાહેર કરવામાં આવે ટેસ્ટિંગ પ્રોટોકોલ એ લોકો માટે હતો જે વિદેશ યાત્રા કરીને આવ્યા છે અથવા તો આવા કોઈ વ્યકિતના સંપર્કમાં આવ્યા છે.

અત્યાર સુધીમાં આખી દુનિયામાં કોરોના વાયરસના ૨.૭ લાખ કેસ સામે આવ્યા છે. જયારે તેનાથી મરનારાની સંખ્યા ૧૧ હજારને પાર થઈ ગઈ છે. જેમાં ઇટલીની સ્થિતિ હાલ સૌથી વધુ ખરાબ અને ગંભીર છે. એકલા ઇટલીમાં ૪૭ હજાર કરતા વધુ લોકો આ રોગથી સંક્રમિત છે. ૪ હજાર કરતા વધારે લોકોના મોત થઈ ચૂકયા છે. ભારતમાં અત્યારે ૨૫૬થી વધુ લોકો કોરોના સંક્રમિત છે અને ૫ લોકોના મોત થઈ ચૂકયા છે.

(11:44 am IST)