Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

કોરોના વાયરસનો ડર

પરપ્રાંતિઓ મુંબઇ છોડવા લાગ્યાઃ રેલ્વે સ્ટેશનોએ ભીડ

યુપી-બિહાર બંગાળના લોકોની વતન તરફ દોટઃ બસ સ્ટેશનો પર પણ ભીડ

મુંબઈ, તા.૨૧: કોરોનાના કેસ ૫૦ને પાર થઈ જતાં મહારાષ્ટ્રને આંશિક લોકડાઉન કરી દેવાયું છે, ત્યારે મુંબઈમાં રહેતા પરપ્રાંતિયો શહેરમાંથી ભાગી રહ્યા છે. એક તરફ સરકાર લોકોને મોટી સંખ્યામાં ભેગા ન થવા અપીલ કરી રહી છે, ત્યારે બીજી તરફ પોતાના વતન જવા માટે લોકો સરકારની અપીલને નેવે મૂકી હજારોની સંખ્યામાં રેલવે સ્ટેશનો પર ઉમટી રહ્યા છે.

 

મુંબઈના CSMT, LTT, થાણે અને કલ્યાણ જેવા રેલવે સ્ટેશનો પર પરપ્રાંતિયોની જોરદાર ભીડ જોવા મળી રહી છે. રેલવે દ્વારા મુસાફરોનું સ્ક્રિનિંગ કરાઈ રહ્યું છે, પરંતુ આ અહેવાલ છપાયો ત્યાં સુધીમાં એકેય મુસાફરને ટ્રેનમાં બેસવાથી રોકવામાં નહોતો આવ્યો. શહેરના ઈન્ફેકશન સ્પેશિયાલિસ્ટ ડો. ઓમ શ્રીવાસ્તવનું કહેવું છે કે, આવી સ્થિતિમાં આટલી મોટી સંખ્યામાં લોકોનું રેલવે સ્ટેશન પર ભેગા થવું ભયાનક છે. સરકાર ભીડ ભેગી ન થાય તે માટે બધું બંધ કરી રહી છે, પરંતુ રેલવે સ્ટેશન પર કંઈક ઉંધી જ સ્થિતિ દેખાઈ રહી છે.

કોરોના હજુ ભારતના વધુ ભાગોમાં નથી ફેલાયો, ત્યારે મુંબઈથી આ ટ્રેનો જે રાજયમાં જઈ રહી છે ત્યાં પણ કોરોના પહોંચવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. મુંબઈના જે ચાર સ્ટેશનો પર ભીડ દેખાઈ રહી છે ત્યાંથી દેશના ઉત્તર અને પૂર્વ ભાગો તરફ ટ્રેનો જાય છે. જેમાં યુપી, બિહાર, ઓડિશા જેવા રાજયોનો સમાવેશ થાય છે.

મુંબઈ છોડી રવાના થનારા મોટાભાગના યુપી, બિહાર અને બંગાળના લોકો

રેલવે સ્ટેશનો જેવા જ દ્રશ્યો એસટી બસના સ્ટેશનો પર દેખાઈ રહ્યા છે. જયાં મહારાષ્ટ્રના આંતરિયાળ વિસ્તારમાંથી આવેલા મજૂરો મુંબઈ છોડી પોતાના ગામભેગા થવા મોટી સંખ્યામાં ભેગા થઈ રહ્યા છે. મુંબઈ ઉપરાંત પુણેમાં રહેતા મજૂરો અને કામદારો પણ શહેર છોડી પોતાના વતન ભાગી રહ્યા છે.

સેન્ટ્રલ રેલવેના તાબામાં આવતા ચાર સ્ટેશનોએ શુક્રવારે માત્ર એક જ દિવસમાં ૧૦ હજાર અનરિઝર્વ્ડ ટિકિટો વેચાઈ હતી. લોકોની ભીડ અચાનક વધી જતાં મુંબઈ અને પુણેથી ૧૪ સ્પેશિયલ ટ્રેનો શરુ કરવામાં આવી છે. જેમાં નવ ટ્રેનો યુપી, બિહાર અને બંગાળ જશે. આ ટ્રેનોમાં જે લોકો શહેર છોડી ભાગી રહ્યા છે તેમાંના મોટાભાગના રોજનું કમાઈને ખાનારા મજૂરો છે. કોરોનાના ડરને કારણે તેમના ધંધા-રોજગાર ભાંગી પડયા છે.

બિહારના મધુબની જઈ રહેલા ૩૪ વર્ષના રાકેશ યાદવ મુંબઈમાં મજૂરીનું કામ કરે છે. હાલ તેઓ પોતાના વતન પરત જઈ રહ્યા છે. તેમનું કહેવું છે કે, તેઓ પોતાના ભાઈ સાથે નવી મુંબઈમાં કન્સ્ટ્રકશન સાઈટ પર મજૂરી કરતા હતા. જોકે, છેલ્લા ચાર દિવસથી કામકાજ બંધ થઈ ગયું છે, અને કોન્ટ્રાકટર કહી રહ્યા છે કે કામ ફરી શરુ થવામાં કેટલાક દિવસોનો સમય લાગશે. આવી સ્થિતિમાં પોતાની પાસે રોજગાર ન રહેતા રાકેશ બિહાર પરત ફરી રહ્યા છે.

બિહારના દાનપુરના રહેવાસી રામ સાગર મિસ્ત્રીની હાલત પણ કંઈક આવી જ છે. તેઓ જણાવે છે કે તેમના જેવા લોકો રોજ કમાઈને ખાય છે. જો કામ મળતું બંધ થઈ જાય તો મુંબઈ જેવા શહેરમાં ઝાઝા દિવસ ટકવું તેમના માટે અશકય થઈ જાય છે. મજૂરો જ નહીં, ટેકસી અને રિક્ષા ચલાવતા ઘણા લોકો પણ શહેર છોડી રવાના થઈ રહ્યા છે. ઓફિસો બંધ થવાથી લોકો ઘરેથી કામ કરી રહ્યા છે, જેના કારણે શહેરમાં હવે રિક્ષા અને ટેકસીવાળાઓને પેસેન્જર જ નથી મળી રહ્યા.

મુંબઈમાં ઓલા-ઉબરની કેબ ચલાવતા ૫૦ હજારથી વધુ ડ્રાઈવરો શહેર છોડીને નીકળી ગયા છે તેવો દાવો મહારાષ્ટ્ર રાષ્ટ્રીય કામગાર સંદ્યના આગેવાન સુનિલ બોરકરે કર્યો છે. તેમનું કહેવું છે કે, શહેરમાં ફરતી ૩૨ હજારમાંથી ૧૬ હજાર જેટલી કાળી-પીળી ટેકસી ગાયબ થઈ ગઈ છે. મુંબઈના રિક્ષાચાલક યુનિયનના વડા શશાંક રાવનું માનીએ તો શહેરમાં ૨.૨૦ લાખ રિક્ષાઓ છે, જેમાંથી ૯૦ હજાર જેટલી રિક્ષાઓ હાલ બંધ પડી છે.

સેન્ટ્રલ રેલવેએ એક જ દિવસમાં ૧૦ હજારથી વધુ અનરિઝર્વ્ડ ટિકિટો વેચી

બીજા જે લોકો મુંબઈ છોડીને ભાગી રહ્યા છે તે એપીએમસીમાં કામ કરતા રોજિંદા મજૂરો છે. તેમના યુનિયનના નેતા નરેન્દ્ર પાટિલનું માનીએ તો ૫૦ ટકા જેટલા મજૂરો છેલ્લા કેટલાક દિવસોમાં પોતાના વતન રવાના થઈ ગયા છે. સરકાર માર્કેટ ચાલુ રાખવા માગે છે, પરંતુ મજૂરો માટે કોઈ વ્યવસ્થા જ નથી કરાઈ. અહીં ના તો માસ્ક ઉપલબ્ધ છે કે ના સેનેટાઈઝર. અહીં કામ કરતા મોટાભાગના મજૂરો પુણે અને સતારા જિલ્લાના છે. સરકારે શુક્રવારે લોકડાઉન જાહેર કરતાં જ મુંબઈના એસટી સ્ટેશનો પર તેમની જોરદાર ભીડ જોવા મળી હતી.

કોંગ્રેસના મુંબાદેવીના ધારાસભ્ય અમિન પટેલના જણાવ્યા અનુસાર, લોકડાઉન થતાં રોજિંદા મજૂરો માટે કોઈ કામ જ નથી રહ્યું. તેઓ જયાં જમે છે તેવા રોડ પર આવેલા ઢાબા અને ગલ્લા પણ બંધ થઈ ગયા છે. તેમની પાસે પોતાના વતન જતા રહેવા સિવાય કોઈ વિકલ્પ જ નથી.

(11:08 am IST)