Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

બેંક કર્મચારીઓએ ૨૭ માર્ચની હડતાળ પડતી મૂકી

મુંબઈ, તા.૨૧: કોરોના વાઈરસના ફેલાવાને કારણે તેમજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી અપીલને પગલે બેન્ક કર્મચારીઓએ આવતી ૨૭ માર્ચે નિર્ધારિત એમની દેશવ્યાપી હડતાળને પડતી મૂકી દીધી છે.

દેશના બેન્કિંગ સેકટરમાં બે મોટા કર્મચારી યુનિયનો છે – ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પલોઈઝ એસોસિએશન અને ઓલ ઈન્ડિયા બેન્ક ઓફિસર્સ એસોસિએશન.

આ બંને યુનિયને ૨૭ માર્ચની હડતાળને પડતી મૂકી દીધી હોવાની આજે જાહેરાત કરી છે.

મેગા બેન્ક મર્જર્સ વિશે કેન્દ્ર સરકારના નિર્ણય તેમજ આઈડીબીઆઈ બેન્કનું ખાનગીકરણ કરવાની હિલચાલ સામેના વિરોધમાં બંને બેન્ક કર્મચારી સંગઠનોએ દેશવ્યાપી હડતાળનું એલાન કર્યું હતું.

વડા પ્રધાન મોદીએ ગઈ કાલે ટીવી પર કરેલા દેશવ્યાપી સંબોધનમાં કરેલી અપીલને ધ્યાનમાં લઈને તેમજ કોરોના વાઈરસને કારણે દેશભરમાં ઊભી થયેલી ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આ સંકટના સમયમાં લોકોની સાથે રહેવા માટે બેન્ક યુનિયનોએ હડતાળ પર ન જવાનું નક્કી કર્યું છે.

યુનિયનોએ એમના તમામ આંદોલનકારી કાર્યક્રમો પણ રદ કર્યા છે.

(10:59 am IST)