Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

દેશભરમાં સન્નાટો : સ્વયંભૂ તાળાબંધી

જનતા કર્ફયુ પૂર્વે સર્વત્ર ડર - દહેશત - ભય - અફવાનો માહોલ : નાના - મોટા ગામો - શહેરોમાં અઘોષિત કર્ફયુ : હાઇવે - રાજમાર્ગો સૂમસામ બન્યા : બજારો બંધ થવા લાગી : સરકારી - અર્ધસરકારી કચેરીઓ - બેંકો - ઔદ્યોગિક એકમોમાં પાંખી હાજરી : આજે રાતથી બસ - ટ્રેન - વિમાન સેવા બંધ : લોકો ઘરોમાં પૂરાવા લાગ્યા : જીવન જરૂરી ચીજવસ્તુઓની કૃત્રિમ અછત

રાજકોટ તા. ૨૧ : દેશભરમાં કોરોના વાયરસે કાળોકેર મચાવ્યો છે અને ૨૫૦થી વધુ કેસ નોંધાયા છે ત્યારે આ વાયરસનો ફેલાવો વધુ ન થાય તે માટે વડાપ્રધાને આવતીકાલે જનતા કર્ફયુનું એલાન આપ્યું છે તે પૂર્વે જ તકેદારી અને સાવચેતીના પગલા સ્વરૂપે આજથી જ દેશભરમાં સ્વયંભૂ તાળાબંધીથી લઇને અઘોષિત કર્ફયુનો માહોલ જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસનો ડર અને દહેશત લોકોના ઉપર હાવી થયો છે અને તેને કારણે લોકોએ પોતાના ઘરોમાં જ પૂરાવાનું શરૂ કરી દીધું છે. જનતા કર્ફયુ પૂર્વે જ બજારો બંધ થવા લાગી છે, રસ્તાઓ સૂમસામ થવા લાગ્યા છે, બેંકો - સરકારી કચેરીઓ - અર્ધસરકારી કચેરીઓમાં પાંખી હાજરી હોવા મળી રહી છે તો આજ મધરાતથી ૩૭૦૦ ટ્રેનો અને ૧૦૦૦ જેટલી ફલાઇટો બંધ થઇ જશે. જીવન જરૂરી ચીજોની કૃત્રિમ અછત જોવા મળી રહી છે અને ડરના માર્યા લોકો ખરીદી માટે દોડાદોડી કરી રહ્યા છે.

ગુજરાતમાં કોરોના ૮ કેસ સહિત દેશભરમાં ૨૫૭ જેટલા કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે અને પાંચના મોત થયા છે. કોરોના વાયરસનો ફેલાવો ન થાય તે માટે આવતીકાલે સવારે ૭ થી રાત્રીના ૯ સુધી જનતા કર્ફયુનું એલાન આપવામાં આવ્યું છે તે પૂર્વે જ લોકોએ તકેદારી રાખવાનું શરૂ કરી દીધું છે અને વિવિધ પગલાઓ ભરવાનું શરૂ પણ કરી દીધું છે. લોકો સ્વયંમ શિસ્ત અપનાવી પોતાના ઘરોમાં પૂરાય રહેવાનું મુનાશિફ માની રહ્યા છે.

સામાન્ય રીતે ભરચક્ક રહેતી નાના - મોટા શહેરોની બજારો ખાલીખમ્મ જોવા મળી રહી છે. તો અનેક દુકાનોએ શટર પાડી દીધા છે. અનેક લોકો સ્વયંભૂ જ લોકડાઉન અપનાવી રહ્યા છે. રાજકોટમાં સોનીબજાર મંગળવાર સુધી બંધ રહેવાનું એલાન કરવામાં આવ્યું છે. તો મોરબી કલોક એસોસીએશને ૩૧ માર્ચ સુધી દુકાનો બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

સમગ્ર દેશ આજથી જ લોકડાઉન તરફ આગળ વધી રહ્યો છે. શહેરો અને ગામોમાં અઘોષિત કર્ફયુનો માહોલ જોવા મળી રહ્યો છે. હાઇવે, રાજમાર્ગો વગેરે ઉપર ટ્રાફિક નહિવત દોડી રહ્યો છે. અત્રે નોંધનિય છે કે મલ્ટીપ્લેકસ, સ્કુલ, કોલેજ, સ્વીમીંગ પુલ, સિનેમા ગૃહ, બાગ-બગીચા વગેરે બંધ રાખવાના આદેશો આપવામાં આવ્યા છે. આ સિલસિલામાં બસો, ખાનગી બસો ટેકસીઓ, બીઆરટીએસની બસો વગેરે  પણ બંધ રાખવાના આદેશો આપવામાં આવ્યા છે.

કોરોના મામલે વહીવટી તંત્રએ એલર્ટની સાથે લોકોએ પણ સાવચેતી રાખવાનું શરૂ કરી દીધું છે. લોકો માત્ર જરૂરી હોય તો જ બહાર નિકળી રહ્યા છે જેને કારણે રસ્તાઓ ઉપર ચહલપહલ ઓછી જોવા મળી રહી છે. સામાન્ય રીતે જ્યાં લોકોનો જમાવડો હોય છે તેવા સ્થળો સૂમસામ ભાષી રહ્યા છે.

દરમિયાન સરકારી, અર્ધસરકારી કચેરીઓ, બેંકો, ઓૈદ્યોગિક એકમોમાં પાંખી હાજરી જોવા મળી રહી છે. જે ઓફિસો અને બેંકો ખુલ્લી છે તેમાં તકેદારીના પગલા લેવામાં આવ્યા છે. અનેક શહેરોમાં ઘરેથી કામ કરવા જણાવાયું હોવાથી લોકો ઘરેથી કામકાજ નિપટાવી રહ્યા છે.

વડાપ્રધાન મોદીના જનતા કર્ફયુના સૂચનને સમગ્ર દેશે વધાવી લીધો છે અને તેને સફળ બનાવવા ચોતરફા સફળ બનાવવા એલાન પણ થઇ રહ્યા છે. રેલ્વે આજરાતથી ૩૭૦૦ ટ્રેનો નહિ ચલાવે. લગભગ ૧૦૦૦ જેટલી ફલાઇટો પણ આજ રાતથી બંધ થઇ જશે.

દરમિયાન ભારતમાં કોરોનાએ કહેર વર્તાવતા લોકોમાં ભયનો માહોલ છવાઇ ગયો છે. દિવસો સુધી લોકડાઉન થશે એવી દહેશતને પગલે લોકો બિનજરૂરી રીતે સંગ્રહખોરી કરી રહ્યા છે અને કૃત્રિમ અછત ઉભી કરી રહ્યા છે. સરકારે આવું નહિ કરવા લોકોને સલાહ આપી છે.

(3:45 pm IST)