Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

મણિપુરમાં રાહુલ ગાંધીએ મોદીની ફરીથી ડિગ્રી માંગી

રાહુલ ગાંધીએ ફરી વિવાદાસ્પદ નિવેદન કર્યું : પોતાની યુનિવર્સિટીની ડિગ્રી બતાવવા રાહુલે પડકાર ફેંક્યો

ઇમ્ફાલ, તા. ૨૦ : ચૂંટણી માહોલ જામ્યો છે ત્યારે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્રમાં સત્તા વાપસી માટે દરેક પાસા ફેંકવાની શરૂઆત કરી છે. નોર્થઇસ્ટ મિશન ઉપર રહેલા રાહુલ ગાંધીએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર પ્રહાર કરીને તેમની પાસેથી તેમની ડિગ્રીની માંગ કરી છે. મણિપુરના પાટનગર ઇમ્ફાલમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતા રાહુલે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી  પોતાની યુનિવર્સિટીની ડિગ્રી બતાવે તે જરૂરી છે. રાહુલે પોતાના ભાષણમાં કહ્યું હતું કે, અમને હજુ પણ વડાપ્રધાનની યુનિવર્સિટીની ડિગ્રી મળી નથી. હકીકતમાં કોઇને માહિતી નથી કે, વડાપ્રધાન યુનિવર્સિટીમાં ગયા હતા કે કેમ. દિલ્હીમાં એક આરટીઆઈ દાખલ કરીને વડાપ્રધાનની ડિગ્રીની માંગ કરવામાં આવી હતી પરંતુ આનો કોઇ જવાબ મળ્યો ન હતો. નોટબંધીને સ્વૈચ્છિક નિર્ણય તરીકે ગણાવીને રાહુલે કહ્યું હતું કે, આરબીઆઈની અવગણના કરીને આ નિર્ણય કરવામાં આવ્યો હતો. આરીતે કોઇપણ યોજના વગર નિર્ણય કરાયો હતો. વડાપ્રધાને અનેક મોટી ભુલો કરી છે. પીએમઓને પ્રાઇમ મિનિસ્ટર્સ ઓફિસ કહેવાના બદલે પબ્લિસિટી મિનિસ્ટર્સ ઓફિસ કહેવાની જરૂર છે. હકીકતમાં તેમનો રસ આમા વધારે રહ્યો છે. નાગરિકતા સુધારા બિલને લઇને રાહુલે મોદી સરકાર ઉપર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી લોકોની સંસ્કૃતિ અને ઇતિહાસનું રક્ષણ કરશે. નાગરિકતા સુધારા બિલને અમે પાસ થવા દઇશું નહીં.

(12:00 am IST)