Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

ભગવાન શ્રી કૃષ્‍ણના દર્શનનું હોળી પર્વમાં વિશેષ મહત્વ હોવાથી ગુજરાતના મંદિરોમાં ૧ મહિનાથી જામે છે હોળી-ધૂળેટીનો માહોલ

અરવલ્લી :અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે ફાગણ સુદ પૂર્ણિમા અને હોળીના પાવન અવસરે ભગવાન શામળીયાના દર્શને ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. હજારો ભક્તો ભગવાન શામળીયાના દર્શન કરી ધન્ય બન્યા હતા.

આજે ફાગણ સુદ પૂર્ણિમા એટલે હોળીનો તહેવાર. હોળીના પાવન અવસરે ભગવાન શ્રી કૃષ્ણના દર્શનનું વિશેષ મહત્વ હોવાના કારણે રાજ્યના કૃષ્ણ મંદિરોમાં ભક્તો દર્શન માટે ઉમટે છે. ત્યારે અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે આજે હોળી પર ભગવાન શામળાજીનાં દર્શન માટે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. વહેલી સવારથી જ ભક્તો ભગવાન કાળીયા ઠાકોરના દર્શન માટે મંદિર પરિસરમાં લાઈનમાં જોડાયા હતા.

હોળી ઉત્સવ પ્રસંગે ભગવાન શામળાજીને વિશેષ સોનાનાં આભૂષણ અને સફેદ કોટનના વસ્ત્રોથી શણગાર કરાયા હતા. ત્યાર બાદ ઠાકોરજીને મંદિરના પૂજારી દ્વારા અબીલ ગુલાલ તેમજ કેસૂડાંનાં રંગે હોળી રમાડાઇ હતી. આ પ્રસંગે અહીં આવેલા હજારો ભક્તો પણ ભગવાન શામળીયાના અબીલ ગુલાલનાં રંગે રંગાયા હતા. જોકે ભગવાન શામળાજીને મહા સુદ પંચમ એટલે વસંત પંચમીથી એક માસ ધૂળેટી સુધી શણગાર આરતી સમયે રોજે રોજ અબીલ ગુલાલ છાંટી હોળી રમાડવામાં આવે છે.

(9:32 am IST)