Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

આઈઓસી દ્વારા પુણેમાં ડિઝલની હોમ ડિલિવરી

પ્રાયોગિક ધોરણે હોમ ડિલિવરીની શરૂઆત :ડિઝલ ભરનાર મશીનને ટ્રકમાં સ્થાપિત કરાયું : પેટ્રોલ પમ્પની જેમ જ મશીન સંપૂર્ણપણે કામ કરશે : અહેવાલ

નવીદિલ્હી,તા. ૨૧ : જાહેર ક્ષેત્રની કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને પુણેમાં ડિઝલની હોમ ડિલિવરીની પ્રાયોગિક શરૂઆત કરી દીધી છે. કંપનીના ચેરમેન સંજીવ સિંહે આજે આ મુજબની માહિતી આપી હતી. કંપનીએ આના માટે ડિઝલ ભરનાર મશીનને એક ટ્રકમાં મુકી દીધી છે. આ મશીન એવી જ  રીતે કામ કરે છે જે રીતે પેટ્રોલ પંપ ઉપર મશીનો કામ કરે છે. ટ્રકમાં એક ટાંકી પણ મુકી દેવામાં આવી છે જેના મારફતે શહેરના લોકોને ડીઝલની હોમ ડિલિવરી કરવામાં આવશે. તેમણે કહ્યું છે કે, પેટ્રોલિયમ અને વિસ્ફોટક સુરક્ષા સંગઠન પેસોની મંજુરી મળી ગયા બાદ આ પ્રકારની સેવા શરૂ કરનાર પ્રથમ કંપની બની ગઇ છે. કંપનીએ કહ્યું છે કે, હાલમાં આને પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવી છે પરંતુ આગામી દિવસોમાં આને પ્રયોગ સફળ થયા બાદ અન્ય ક્ષેત્રોમાં પણ લંબાવવામાં આવશે. ત્રણ મહિનાની પરીક્ષણ અવધિમાં પ્રાપ્ત થનાર અનુભવના આધાર પર અન્ય શહેરોમાં આની શરૂઆત કરવામાં આવશે. પેટ્રોલની પણ હોમ ડિલિવરી ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવશે. આઈઓસીની જેમ જ જાહેર ક્ષેત્રની કંપનીઓ પણ આ દિશામાં આગળ આવી શકે છે. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ પણ હોમ ડિલિવરી માટે પેસોની મંજુરી લઇ ચુકી છે. તેમને પ્રાયોગિક સંચાલન કરવા માટે જુદા જુદા ક્ષેત્રો આપવામાં આવ્યા છે. આને ચોક્કસપણે સફળતા મળશે તેમ માનવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલે પુણેમાં ડિઝલની હોમ ડિલિવરી શરૂ કરતા આને લઇને ઉત્સુકતા વધી ગઈ છે. પ્રતિક્રિયાઓ પણ લોકોની સારી મળી રહી છે.

(7:51 pm IST)