Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

આતંકવાદી હુમલા કરવા શીખ યુવાનોને ખાસ તાલીમ અપાઈ

આઈએસઆઈની શીખ યુવાનોને કટ્ટરપંથી બનાવવા પ્રયાસ : ભારતમાં આતંકવાદી ગતિવિધિને અંજામ આપવા પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ ખુબ જ સક્રિય : કેનેડા, અન્યત્ર રહેતા શીખ યુવાનોનો સંપર્ક

નવીદિલ્હી, તા. ૨૧ : ભારતે કહ્યું છે કે, પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ શીખ યુવાનોને ભારતમાં હુમલા કરવા માટે તાલીમ આપી રહી છે. જેથી ભારત ઉપર શીખ આતંકવાદીઓ દ્વારા હુમલાનો ખતરો તોળાઈ રહ્યો છે. ગૃહમંત્રાલય દ્વારા સોમવારના દિવસે સંસદીય પેનલને કહેવામાં આવ્યું હતું કે, આઈએસઆઈના સ્થળ પર આ યુવાનોને તાલીમ આપવામાં આવી રહી છે. ભારતમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપી શકે તે માટે આ તૈયારી કરવામાં આવી રહી છે. એટલું જ નહીં કેનેડા અને અન્ય જગ્યા ઉપર રહેતા શીખ યુવાનોને પણ ભારતની સામે ભડકાવવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહ સચિવના નેતૃત્વમાં ગૃહ મંત્રાલયના ટોપના અધિકારીઓએ મૂલ્યાંકન કમિટિને કહ્યું છે કે, ઇન્ટરનેટ અને સોશિયલ મિડિયાનો ખોટો ઉપયોગ કરીને ત્રાસવાદીઓ યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તેમને ઉશ્કેરી રહ્યા છે. તેમને કટ્ટરપંથી માર્ગ ઉપર લઇ જવાના પ્રયાસ કરાઈ રહ્યા છે. આ સ્થિતિ સરકાર માટે એક પડકારજનક સ્થિતિ તરીકે ઉભરી છે. સોમવારના દિવસે સંસદમાં રજૂ કરવામાં આવેલી કમિટિના રિપોર્ટમાં આ બાબત ઉપર ભાર મુકવામાં આવ્યો હતો કે, શીખ આતંકવાદીઓને લઇને ખુબ હિલચાલ જોવા મળી રહી છે. પંજાબ અને દેશના અન્ય ભાગોમાં શીખ આતંકવાદને ફરી સજીવન કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાની આતંકવાદી સંગઠન ઉપર આઈએસઆઈના દબાણ છે અને પંજાબ જ નહીં બલ્કે ભારતના અન્ય રાજ્યોમાં હિંસા ફેલાવવા તેમના ઉપર દબાણ આવી રહ્યું છે. આઈએસઆઈ તરફથી આતંકવાદીઓ ઉપર દબાણ લાવવામાં આવી રહ્યું છે. આના માટે પાકિસ્તાનના શીખ ત્રાસવાદી સંગઠન કેદીઓ, બેરોજગારો, અપરાધીઓ અને તસ્કરોને આતંકવાદી ગતિવિધિ માટે તાલીમ આપવામાં આવી રહી છે. કમિટિના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આ ગતિવિધિ પર કેન્દ્ર અને અન્ય સુરક્ષા સંસ્થાઓની ચાંપતી નજર હોવા છતાં આ ગતિવિધિને રોકવાની બાબત સરળ નથી. જ્યારે પણ જરૂર પડી છે ત્યારે આવી ગતિવિધિનો સામનો કરવા માટે સુરક્ષા દળો સજ્જ રહ્યા છે. કમિટિએ પોતાના રિપોર્ટમાં સૌથી મોટા પડકારનો પણ ઉલ્લેખ કર્યો છે અને કહ્યું છે કે, યુવાનોને કટ્ટરપંથી અને જેહાદી બનાવવા માટે ઇન્ટરનેટ અને સોશિયલ મિડિયાનો ખોટીરીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આને લઇને સરકાર ચિંતિત બની રહી છે. સોશિયલ મિડિયાના દુરુપયોગને રોકવા માટે પણ વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. ગૃહ મંત્રાલય દ્વારા સંસદીય પેનલને કહેવામાં આવ્યું છે કે, ભારત હંમેશાથી પાકિસ્તાનના લશ્કરે તોઇબા અને જૈશે મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનોના નિશાના ઉપર રહ્યું છે.

આ ઉપરાંત સિમી, અલ ઉમ્મા, ઇન્ડિયન મુઝાહીદ્દીન જેવા અન્ય ત્રાસવાદી સંગઠનો પણ ભારત ઉપર નજર રાખે છે અને તક મળતાની સાથે જ હુમલાને અંજામ આપે છે. આ આતંકવાદી સંગઠનોના ત્રાસવાદીઓ ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે. પહેલાથી જ ઘણા પડકારો હતા. હવે આતંકવાદી ગતિવિધિને રોકવા માટે વધારે પડકાર આવી ગયા છે. આતંકવાદને લઇને ભારતમાં પડકારો સતત વધી રહ્યા છે. બેરોજગારો અને અપરાધીઓને આતંકવાદી ગતિવિધિ માટે સૌથી વધારે પસંદ કરવામાં આવી રહ્યા છે.

(7:40 pm IST)