Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

કેમ્બ્રિજ એનાલિટિકાને રોકવા માટેનો હવે ભાજપ પર આક્ષેપ

કોંગ્રેસ પાર્ટીએ ભાજપ ઉપર વળતા આક્ષેપ કર્યા : ૨૦૧૦ની બિહાર ચૂંટણીમાં ભાજપે આ એજન્સીની સેવા લીધી હતી : રણદીપ સુરજેવાલાનો ભાજપ ઉપર આક્ષેપ

નવી દિલ્હી,તા. ૨૧ : ભાજપે જે વિવાદાસ્પદ ડેટા ફર્મ સાથે કનેક્શનને લઇને કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યો છે તેમાં હવે નવો વળાંક આવી ગયો છે. કોંગ્રેસ પાર્ટીએ વળતા પ્રહાર કરતા કહ્યું છે કે, બ્રિટિશ એજન્સી કેમ્બ્રિજ એનાલિટિકાની ક્લાઇન્ટ કોંગ્રેસ પાર્ટી નહીં બલ્કે ભારતીય જનતા પાર્ટી છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ એજન્સીની વેબસાઇટ પાસેથી મળેલી માહિતીના આધાર પર આ અંગેનો દાવો કર્યો છે અને કહ્યું છે કે, ૨૦૧૦ની બિહાર ચૂંટણીમાં ભાજપે આ એજન્સીની સેવા લીધી હતી. એ જ વખતે ભાજપના જેડીયુ સાથે ગઠબંધનની બાબત સપાટી ઉપર આવી હતી. અલબત્ત ભાજપે કોંગ્રેસના તમામ આક્ષેપોને ફગાવી દીધા છે. ભાજપે કહ્યું છે કે, ૨૦૧૦માં બિહાર ચૂંટણી દરમિયાન પાર્ટીએ આ એજન્સીની સેવા લીધી ન હતી. જો જેડીયુએ આ પાર્ટીની સેવા લીધી છે તો તેમની પાસે માહિતી નથી. થોડાક સમય પહેલા જ કાયદામંત્રી રવિશંકર પ્રસાદે કોંગ્રેસ પાર્ટીના આ એજન્સી સાથે સંબંધ હોવાની વાત કરી હતી. પ્રસાદે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીએ ૨૦૧૯ના ચૂંટણી પ્રચાર માટે બ્રિટિશ એજન્સી કેમ્બ્રિજ એનાલિટિકાને જવાબદારી સોંપી છે. તેના ઉપર લાંચ લેવા, સેક્સ વર્કરો મારફતે રાજનેતાઓને ફસાવવા અને ફેસબુકથી ડેટા ચોરી કરવાના ગંભીર આક્ષેપો લાગી ચુક્યા છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ચૂંટણી પ્રચાર દરમિયાન આજ સંસ્થાની સેવા લીધી હતી. સુરજેવાલાએ કહ્યું છે કે, ભાજપની ફેક ન્યુઝની ફેક્ટ્રીમાંથી આ એક નવી બાબત સપાટી ઉપર આવી છે. સુરજેવાલાએ કહ્યું હતું કે, ખોટા નિવેદનબાજી કરવાની, બનાવટી પત્રકાર પરિષદ યોજવાની ભાજપને ટેવ પડી ગઇ છે. રવિશંકર પ્રસાદ બિનજરૂરીરીતે આ પ્રકારના આક્ષેપો કરી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે, જે કંપની પર વિવાદ થયો છે તેના ઉપર ફેસબુકના આશરે પાંચ કરોડ યુઝરની માહિતી લીક થવાથી ફાયદો લેવાનો આક્ષેપ કરવામાં આવી ચુક્યો છે. કોંગ્રેસના પ્રવક્તાનું કહેવું છે કે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષે ક્યારે પણ કેમ્બ્રિજ એનાલિટીકા કંપનીની સેવા લીધી નથી. સુરજેવાલાનું કહેવું છે કે, આ એક બોગસ એજન્ડા તરીકે છે. રવિશંકર પ્રસાદ ખોટી વાતો કરીને ગેરમાર્ગે દોરી રહ્યા છે. કોંગ્રેસના પ્રવક્તાનું કહેવું છે કે, નાના મોદી ભાગી જવાથી આ મુદ્દે સરકારને જવાબ આપવો ન પડે તે માટે આવી ગતિવિધિ ચલાવવામાં આવી રહી છે. અગાઉ રવિશંકર પ્રસાદે કોંગ્રેસ પર વળતા પ્રહાર કર્યા હતા. ભાજપે કહ્યું છે કે, કોંગ્રેસના આની સાથે કનેક્શન રહેલા છે. રવિશંકર પ્રસાદે કોંગ્રેસ પર સોશિયલ મિડિયા મારફતે ચૂંટણીને પ્રભાવિત કરવાના પ્રયાસ કરવાનો આક્ષેપ કર્યો છે. કેન્દ્રીયમંત્રીએ દાવો કર્યો હતો કે, બિનજરૂરીરીતે વિવાદ સર્જવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાની સોશિયલ મિડિયા પ્રોફાઇલમાં કેમ્બ્રિજ એનાલિટિકાની ભૂમિકા સ્પષ્ટ કરવી જોઇએ. તેમણે કહ્યું હતું કે, ફેસબુક સહિત અન્ય સોશિયલ મિડિયાનો દુરુપયોગ કરીને ચૂંટણીને પ્રભાવિત કરવાની કોઇને મંજુરી આપવામાં આવશે નહીં. ફેસબુક પણ હાલમાં વિવાદના ઘેરામાં છે.

નેતાઓને ફસાવવા સેક્સ વર્કરોનો ઉપયોગ થાય છે

કેમ્બ્રિજ એનાલિટિકા પર આરોપ

        નવી દિલ્હી,તા. ૨૧ : બ્રિટિશ એજન્સી કેમ્બ્રિજ એનાલિટિકાને લઇને ભાજપ અને કોંગ્રેસ દ્વારા એકબીજા ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. બંનેએ એકબીજા ઉપર પ્રહાર કરીને ડેટા કંપનીને ફાયદા પહોંચાડવાનો આક્ષેપ કરી રહ્યા છે. કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદ તો અહીં સુધી કહી ચુક્યા છે કે, કેમ્બ્રિજ એનાલિટિકા એ એજન્સી છે જેના પર લાંચ લેવા, સેક્સ વર્કરો મારફતે રાજનેતાઓને ફસાવવા અને ફેસબુકથી ડેટા ચોરી કરવાના આક્ષેપ થઇ ચુક્યા છે.

(7:38 pm IST)