Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

ઇરાકમાંથી ભારતીયોના મૃતદેહને પરત લાવવામાં ૮થી ૧૦ દિવસ લાગશે

કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ

નવી દિલ્હી તા. ૨૧ : ઈરાકમાં માર્યા ગયેલા ૩૯ લોકોના નશ્વર દેહને ભારત પરત લાવવા માટે વિદેશ રાજય મંત્રી જનરલ વી કે સિંહ આવતા સપ્તાહે ઈરાક માટે રવાના થશે. જનરલ વી કે સિંહે કહ્યું હતું કે સમગ્ર કાનૂની પ્રક્રિયા પુરી થવામાં ૮-૧૦ દિવસ લાગી શકે છે. ત્યાર બાદ જ તમામ મૃતદેહોને ભારત પરત લાવી શકાશે.

વિદેશ મંત્રી સુષમા સ્વરાજે રાજયસભામાં આપેલા નિવેદનમાં પણ આ બાબતની જાહેરાત કરી હતી.

ઈરાકમાંથી ૩૯ ભારતીયોના મૃતદેહોને આજે બુધવારે જ ભારત લાવવામાં આવશે તેવી વાત વહેતી થઈ હતી. જોકે વિદેશ મંત્રાલયે આ વાતને અફવા ગણાવતા કહ્યું હતું કે, મૃતદેહોને સ્વદેશ પરત લાવવામાં થોડો સમય લાગશે. જેવી તમામ ઔપચારીક પ્રક્રિયા પૂર્ણ થઈ જશે, ત્યાર બાદ મૃતદેહોને ભારત લાવવાની વ્યવસ્થા કરવામાં આવશે અને આ બાબતે મંત્રાલય સૂચિત કરશે.

વિદેશ મંત્રીએ ગઈ કાલે જણાવ્યું હતું કે, ૩૯ લોકોના નશ્વર દેહને તેમના પરિવારને સોંપવામાં આવશે. ત્યાર બાદ જ સરકાર તેમને કલોઝર રિપોર્ટ અપાશે. વિમાન પહેલા પંજાબ જશે. અહીં હિમાચલ અને પંજાબના મૃતકોના નશ્વર દેહને તેમના પરિજનોને અંતિમ સંસ્કાર માટે સોંપવામાં આવશે. ત્યાર બાદ વિમાન બિહાર અને પશ્યિમ બંગાળ જશે.

સુષમા સ્વરાજે જાણકારી આપી હતી કે, ઈરાકમાં મૃત્યું પામનારા ૩૦ લોકોમાં ૩૧ પંજાબ અને હિમાચલ પ્રદેશના છે, જયારે બાકીના લોકો બિહાર અને પશ્યિમ બંગાળના છે.

(4:16 pm IST)