Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

રાફેલ ડિલમાં મોદી સરકારે ૧ર૬૦૦ કરોડ બચાવ્યા છે

કોંગ્રેસના આક્ષેપોને ભાજપ દ્વારા રદિયો : એનડીએના શાસનકાળમાં વિમાનોની કિંમત વધી ગઇ હોવા અંગેના યુપીએના આક્ષેપને સ્પષ્ટપણે રદિયો અપાયો

નવીદિલ્હી, તા. ૨૧: ફ્રાંસની સાથે રાફેલ ડિલમાં એનડીએ સરકારે ૧૨૬૦૦ કરોડ રૂપિયાની બચત કરી લીધી છે. એનડીએ સરકારનું કહેવું છે કે તે ફ્રાંસની સાથે ૩૬ વિમાનોની સમજૂતિ સહિત અન્ય હથિયાર, તાલીમ અને જાળવણીના સોદામાં મોટી બચત કરી ચુકી છે. રાફેલ સોદાબાજીમાં એનડીએની અવધિ દરમિયાન કિંમતો વધી જવાનો યુપીએના આક્ષેપનો જવાબ આપતા સરકાર તરફથી આ વાત કરવામાં આવી છે. કોંગ્રેસ પાર્ટીના આક્ષેપોને ફગાવતા સરકારી સુત્રોએ કહ્યું છે કે, આ વિમાનોને ઉંડાણની સ્થિતિમાં ખરીદવામાં આવ્યા છે. બિલકુલ તૈયાર સ્થિતિમાં આ વિમાનોની ખરીદી કરવામાં આવી છે. એટલું જ નહીં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે, યુપીએ સરકારની અવધિમાં આ સંબંધમાં કોઇ ડિલ થઇ જ ન હતી. આપહેલા કોંગ્રેસ પ્રવક્તાઓએ આ ડિલને લઇને મોદી સરકાર ઉપર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, વિમાનોની સોદાબાજીમાં કિંમતમાં રોકેટગતિએ વધારો થયો છે. કોંગ્રેસના કહેવા મુજબ યુપીએના શાસનકાળમાં એક વિમાનની કિંમત ૫૨૬ કરોડ રૂપિયા હતી જ્યારે એનડીએ સરકારમાં આ વિમાનની કિંમત ૧૫૭૦ કરોડ રૂપિયા થઇ ગઇ છે. આના પર સરકારી સુત્રોએ કહ્યું છે કે, અમે તમામ વિમાનોને ઉડવાની સ્થિતિમાં ખરીદી રહ્યા છીએ. યુપીએના શાસનકાળમાં ૧૨૬ વિમાનોની સમજૂતિની દરખાસ્તને માત્ર ૧૮ ફ્લાઇ કન્ડીશનમાં હતા પરંતુ એનડીએ સરકારે આ કરાર પર ફરીવાર કામ કરીને તમામ વિમાનોને ફ્લાઇ કન્ડીશનમાં ખરીદવાનો નિર્ણય કર્યો છે. સરકારી સુત્રોનું કહેવું છે કે, એનડીએ સરકારે એક ફાઇટર જેટને નવ મિલિયનમાં ખરીદવાનો નિર્ણય લીધો છે જ્યારે યુપીએના શાસનકાળમાં આ સોદાબાજી ૧૦૦ મિલિયન ઉપર થઇ હતી. આ રીતે એનડીએ સરકારે આ ડિલમાં જંગી બચત કરી છે.

(4:00 pm IST)