Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

ડિમોલિશન વેળાએ ડખ્ખોઃ સુત્રોચ્ચાર-ઝપાઝપીઃ ૮ની અટકાયત

સ્વામિનારાયણ ચોકમાં પાર્કિંગ-માર્જીનના દબાણો હટાવવાની કાર્યવાહી અટકાવવા કોંગ્રેસ-ભાજપ બંને મેદાનમાં આવ્યા!: કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર સહિતના આગેવાનો-કાર્યકરો બુલડોઝર આગળ બેસી ગયાઃ ભાજપના બે આગેવાનોએ કોર્પોરેશનના અધિકારીઓ સાથે ઝડપાઝપી કરી

ભારે વિરોધ વચ્ચે ડિમોલિશન : સ્વામિનારાયણ ચોક-કૃષ્ણનગર મેઇન રોડ પર મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની જગ્યા રોકાણ શાખાનો કાફલો પોલીસ અને વિજીલન્સ બંદોબસ્ત સાથે પાર્કિંગ અને માર્જીનના દબાણ હટાવવાની કાર્યવાહી માટે પહોંચ્યો ત્યારે કોંગ્રેસના મહિલા કોર્પોરેટર, આગેવાનો અને કાર્યકરોએ ભાજપ હાય...હાય..ના નારા લગાવ્યા હતાં અને દબાણ હટાવવામાં કિન્નાખોરી થઇ રહ્યાનો રોષ વ્યકત કરી કાર્યવાહી અટકાવવા પ્રયાસ કર્યો હતો. કોંગી કોર્પોરેટર, આગેવાનો, કાર્યકરો મહાપાલિકાના બુલડોઝર આગળ બેસી ગયા હતાં. તો બીજી તરફ ભાજપના જ બે આગેવાનોએ પણ ખોટી રીતે દબાણ હટાવાઇ રહ્યાનો રોષ વ્યકત કરી ઉગ્ર રજૂઆત કરી હતી. આ બંનેને વિજીલન્સ અધિકારી અને સ્ટાફ સાથે ઝપાઝપી પણ થઇ હતી. પોલીસે ભાજપ-કોંગ્રેસ બંનેના આગેવાનો, કાર્યકરોની અટકાયત કરી હતી. તસ્વીરોમાં ડિમોલીશનની કાર્યવાહીના દ્રશ્યો, સુત્રોચ્ચાર થયા તે દ્રશ્ય, ચડભડ-ઝપાઝપી થઇ તે દ્રશ્યો અને છેલ્લે પોલીસે અટકાયત કરી તે જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ,  તા.,૨૧:  મ્યુ. કોર્પોરેશનની 'વન-ડે વન રોડ' ઝુંબેશ હેઠળ આજે ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા મવડી વિસ્તારમાંથી  પાર્કિંગ તથા માર્જિનમાં થયેલી ઓટા, ગ્રીલ તથા છાપરાના દબાણ દૂર કરાવવા ડીમોલીશન હાથ ધરવામાં આવતા વોર્ડ નં.૧૩નાં કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર અને વિસ્તારવાસીઓ દ્વારા સ્વામીનારાયણ ચોક વિસ્તારમાં પાણી ભરાઇ જાય છે.  એટલે ઓટલા રાખવા પડે છે. આ માટે દુકાનદારોને થોડો સમય આપવા કોંગ્રેસ અને ભાજપ દ્વારા સ્થળ ઉપર ઉપસ્થિત અધિકારીઓને  રજુઆત કરવામાં આવી હતી. પરંતુ તંત્ર દ્વારા નક્કી થયેલ મુજબ ડીમોલીશન હાથ ધરવામાં આવતા  કોંગ્રેસનાં કોર્પોરેટર જાગૃતીબેન ડાંગર, રવજીભાઇ ખીમસુરીયા તથા આગેવાન  પ્રભાતભાઇ ડાંગર બુલડોઝર આડે બેસી જતા વિજીલન્સ પોલીસે તેમની અટકાયત કરી હતી. કોંગ્રેસનાં આગેવાન અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી.કોંગ્રેસ દ્વારા ભાજપ હાય હાયના સુત્રોચ્ચારો થયા હતા. જયારે ભાજપના આગેવાનો દ્વારા પણ

આ ડીમોલીશન ન કરવા ઉગ્ર રજુઆત કરી હતી. તંત્ર દ્વારા ડીમોલીશન કરવામાં આવતા ભાજપના બે આગેવાનો અને અધિકારીઓ વચ્ચે ઝપાઝપી થવા પામી હતી. ભાજપ અને કોંગ્રેસના ૮ આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. તંત્ર દ્વારા આંનંદ બંગલા ચોકથી સ્વામીનારાયણ ચોક સુધીના વિસ્તારના ૪૧ થી વધુ સ્થળોએ માર્જીનમાં થયેલ ઓટા તથા છાપરાના દબાણ દુર કરવામાં આવ્યા હતા.

આ અંગે તંત્રની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ કમિશ્નર બન્છાનિધિ પાનીની સૂચના અનુસાર નાયબ કમિશ્નર, સેન્ટ્રલ ઝોન સી.કે. નંદાણી તથા ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ રોજ શહેરના ઇસ્ટ ઝોન વિસ્તારમાં આનંદ બંગલા ચોક થી સ્વામિનારાયણ ચોક સુધીના વિસ્તારમાં  'વન વીક વન રોડ અંતર્ગત' વોર્ડ નં.૧૩ માં પાર્કિંગ તથા માર્જિનમાં થયેલ કુલ  સ્થળોએ માર્જિનમાં થયેલ ઓટા, ગ્રીલ તથા છાપરાના દબાણ દૂર કરાવવામાં આવ્યા હતા.

જેમાં શ્રી બસાણી ફોર્મ, આનંદ બંગલા ચોક, સ્માઇલ ફાસ્ટ ફૂડ, અર્પણ કોમ્પ્લેક્ષ, પૂજા ઓપ્ટીકલ, અર્પણ કોમ્પ્લેક્ષ, રવેચી ટી સ્ટોલ, રાજમોતી કોમ્પ્લેક્ષ, શિવ ફાઇનાન્સ, રાજમોતી કોમ્પ્લેક્ષ, તુલશી પાન એન્ડ કોલ્ડ્રીંકસ, ન્યુ શુભમ પાન એન્ડ કોલ્ડ્રીંકસ, નીસિત શુભમ પાન એન્ડ કોલ્ડ્રીંકસ, પાર્થ મોબાઇલ, આવકાર કોમ્પ્લેક્ષ, પટેલ પાન એન્ડ કોલ્ડ્રીંકસ, પાર્થ ટી સ્ટોલ, શિવ પાન એન્ડ કોલ્ડ્રીંકસ, અવધ એપાર્ટમેન્ટ ગોૂકલ હેર આર્ટ, રાઘે ટેલરિંગ મટીરીયલ્સ, ડો. એલ.જી. મોરી, ફેમીલી, ફિઝીયશન, બાલાજી ભેળ હાઉસ, સ્વામિનારાય ચોક, ખોડીયાર હોટેલ, દુગ્ધાલય તથા ફૂડ શોપમાં કોમ્પ્લ., રૂપ બ્યુટી પાર્લર શોપ, બાલાજી પાન એન્ડ કોલ્ડ્રીંકસ, જય સીયારામ કેટરર્સ એન્ડ ફરસાણ, શ્રી રાજ ડેરી ફાર્મ, રવિ ઓટો સર્વિસીઝ, મારૂતી નંદન-૧ કોમ્પ્લેક્ષ, મયુર પાણીપુરી, મારૂતી નંદન-૧ કોમ્પ્લેક્ષ  કૌટીલ્ય સ્ટેશનરી એન્ડ બુક સ્ટોલ, ઉમીયાજી પાન એન્ડ કોલ્ડ્રીંકસ ભારત ફલોર મીલ, શ્યામ લેડીઝ ટેઇલર્સ એન્ડ મેચીંગ સેન્ટર, દુલ્હન સાડી એન્ડ મેચીંગ સેન્ટર, શ્રધ્ધા મેડીકલ સ્ટોલ, ક્રિષ્ના જવેલર્સ, શાંતિ નિકેશન એપાર્ટમેન્ટ, પટેલ ઓટો સર્વિસ, મહેશ્વર કોમ્પલેક્ષ, નીલ કોલ્ડ્રીંકસ, મહેશ્વર કોમ્પલેક્ષ, ગાયત્રી ડેરી ફાર્મ, સત્યમ જનરલ સ્ટોર, આશાજીલ એપાર્ટમેન્ટ, સિંધોઇ ટી. સ્ટોલ, એવન શુભમ ડીલકસ પાન એન્ડ કોલ્ડ્રીંકસ, પિતૃકૃપા સાયકલ સર્વિસ સેન્ટર સહિત કુલ ૪૧ સ્થળોએથી ઓટા, છાપરા, ગ્રીલના દબાણો દુર કરી પાર્ર્કીંગ, માર્જીગ દુર કરવામાં આવ્યા હતા.

તાજેતરમાં મ્યુનિસીપલ કમિશ્નર દ્વારા વન વીક વન રોડ અંતર્ગત સંયુકત કાર્યવાહી કરવા હુકમ કરવામાં આવેલ. આ કામગીરીમાં ટાઉન પ્લાનીંગ શાખા સેન્ટ્રલ ઝોનના આસી. ટાઉન પ્લાનર શ્રી બી.પી.વાઘેલા, શ્રી એસ.એસ.ગુપ્તા, શ્રી કે.કે.મહેતા, આસી. એન્જીનીયર શ્રી વિજય બાબરીયા, શ્રી ઋષિ ચૌહાણ, એડીશ્નલ આસી. એન્જીનીયર શ્રી દિલીપ પંડયા, શ્રી તુષાર લીંબડીયા, શ્રી એસ.એફ.કડીયા તથા અન્ય સેન્ટ્રલ ઝોનનો તમામ ટી.પી. સ્ટાફ હાજર રહેલ.

આ ઉપરાંત સ્થળ પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના નાયબ પર્યાવરણ ઇજનેરશ્રી જીંજાળા તથા તેમનો સ્ટાફ તેમજ બાંધકામ શાખાના નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી વસવા તથા તેમનો સ્ટાફ, દબાણ હટાવ શાખા તથા રોશની શાખાનો સ્ટાફ પણ હાજર રહેલ. આ કામગીરી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજીલન્સ શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહેલ.

પોલીસે ભાજપ-કોંગ્રેસના ૮ની અટકાયત કરી

ડિમોલિશનની કાર્યવાહી અટકાવવા માટે કોંગ્રેસના વોર્ડ નં. ૧૩ના મહિલા કોર્પોરેટર જાગૃતિબેન પ્રભાતભાઇ ડાંગર સહિતના કોર્પોરેશનના બુલડોઝરની આગળ બેસી ગયા હતાં. તો ભાજપના બે આગેવાનો પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને સામે થઇ જતાં ઝપાઝપી થઇ ગઇ હતી. મામલો બીચકે તેવી સ્થિતિ ઉભી થઇ જતાં વિજીલન્સ અધિકારી અને માલવીયાનગર પોલીસે દરમિયાનગીરી કરી હતી અને કાર્યવાહીમાં વિક્ષેપ ઉભો કરનારા કોંગી કોર્પોરેટર, આગેવાનો, કાર્યકરો, ભાજપના બે આગેવાનોની અટકાયત કરી હતી.

પોલીસે કોંગી કોર્પોરેટર દ્વારકેશ પાર્કમાં રહેતાં જાગૃતિબેન ડાંગર, પ્રભાતભાઇ લાખાભાઇ ડાંગર, કોંગી આગેવાન આંબેડકરનગરના રવજીભાઇ ચનાભાઇ ખીમસુરીયા,  ખોડિયારનગરના ઇકબાલભાઇ અલ્લારખાભાઇ હેરંજા, આંબેડકરનગરના છગનભાઇ અમરાભાઇ ચાવડા,  ખોડિયારનગરના સુલતાનભાઇ હારૂનભાઇ ધાડા અને ગોકુલધામના યોગેશભાઇ શરદભાઇ ગોંધીયા તથા નવલનગરના વાલભાઇ હરસુરભાઇ માવલાની કલમ ૬૮ મુજબ અટકાયત કરી બાદમાં ૬૯ મુજબ મુકત કરવાની કાર્યવાહી કરી હતી. માલવીયાનગરના ઇન્ચાર્જ પી.આઇ. આર. જે. જાડેજા, મહિલા પોલીસનો સ્ટાફ, હેડકોન્સ. જાવીદભાઇ રિઝવી, રાહીદભાઇ, અરૂણભાઇ, ઇન્દ્રજીતસિંહ, મયુરસિંહ, દિલીપસિંહ જાદવ સહિતે અટકાયતની કાર્યવાહી કરી હતી. 

ડીમોલેશન એક નાટકઃ કોંગ્રેસનો આક્ષેપ

સ્વામીનારાયણ ચોક વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યા બાદ ડિમોલીશન કરોઃ  ડાંગર-ખીમસુરીયા-રામાણી

રાજકોટ : રાજકોટ મનપાની ટી.પી. શાખા દ્વારા વોર્ડ નં.૧૩માં આનંદ બંગલા ચોકથી ગુરૂપ્રસાદ ચોક સુધીના રોડ પર ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી અને ડીમોલેશનની કામગીરી કરવામાં આવેલ હતી તે સંદર્ભે કોંગ્રેસના વોર્ડ નં.૧૩ના જાગૃત કોર્પોરેટરશ્રી જાગૃતિબેન ડાંગરની આગેવાનીમાં આ નાટકીય ડીમોલેશનનો સખ્તપણે વિરોધ કરવામાં આવ્યો હતો અને વિસ્તારમાં જે ખરેખર ગેરકાયદેસર બાંધકામો હોય છે તે ગેરકાયદે બાંધકામો દૂર થતા નથી તેમજ તંત્રને અવારનવાર લેખીતમાં જાણ કરેલ હોવા છતાં તંત્રના અધિકારીઓ અને ભાજપના શાસકો દ્વારા આવા વોર્ડવાઇઝ નાટકો કરવામાં આવે છે. વધુમાં અનેકવાર લેખીત પત્રો આપેલ હોય તે અંગે કોઇ જ પગલા ભરતા નથી અને આજરોજ આ કામગીરી કરતા કોંગ્રેસના કોર્પોરેટર જાગૃતીબેન ડાંગર, રવજીભાઇ ખીમસુરીયા, નીતીનભાઇ રામાણી, તેમજ પ્રભાતભાઇ ડાંગર, કમલેશ કડીવાર, ઇકબાલભાઇ હેરંજા, છગનભાઇ ચાવડા દ્વારા ઉગ્ર વિરોધ કરાયો હતો. તેમ કોંગ્રેસની યાદીમાં જણાવાયું છે.

વધુમાં જાગૃતિબેન ડાંગરએ જણાવ્યું હતું કે આ રોડ રસ્તા ઉપર હાલ વરસાદી પાણીના નીકાલની જે વ્યવસ્થા હોય છે તે રસ્તા ઉપર ગેરકાયદે ઓટલાઓ તોળવા જરૂરી છે.પરંતુ પહેલા આ સમસ્યા હલ કરવા માંગ કરવામાં આવી છે.  આ અંગે મ્યુનિ. કમિશ્નરે રજૂઆત કરવામાં આવશે તેવું અંતમાં જણાવ્યું હતું.

(4:31 pm IST)