Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

અમીતભાઈએ સંભાળી કર્ણાટકની કમાનઃ ૧૬ મંત્રીઓ- ૨૪ સાંસદોની ચૂંટણી ટીમ મોકલી

બિહાર- ઉત્તરપ્રદેશ પેટા ચૂંટણીમાં હાર બાદ ભાજપમાંથી રાષ્ટ્રીય પ્રમુખ : આ વર્ષે કર્ણાટકમાં ચૂંટણીઃ ટીમે માર્ચ સુધીમાં રીપોર્ટ આપવાનો રહેશેઃ રીપોર્ટના આધારે ટિકીટની ફાળવણી કરાશેઃ ટીમમાં મનસુખભાઈ માંડવીયાનો પણ સમાવેશ

નવી દિલ્હીઃ ભાજપના રાષ્ટ્રીય અધ્ક્ષય અમીતભાઈ શાહે આ વર્ષે યોજાનારી કર્ણાટકની ધારાસભાની ચૂંટણીની કમાન પોતાના હાથમાં લઈ લીધી છે. તેમણે ૧૬ કેન્દ્રીય મંત્રીઓ તથા ૨૪ સાંસદો સહીત ૫૫ લોકોની ટીમ બનાવી છે. ટીમે પોતાને સોંપાવામાં આવેલ કાર્ય શરૂ કરી દીધું છે.

અમીતભાઈએ ૧૬ મંત્રીઓને ૪- ૪ ધારાસભા બેઠકોની જવાબદારી સોંપી છે અને આ નેતાઓએ તેમનો કર્ણાટક પ્રવાસ પણ આરંભી દીધો છે. ૫૫ લોકોની ટીમે માર્ચ મહીનાના અંત સુધીમાં રીપોર્ટ પણ આપવાનો રહેશે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પણ હાલ બે દિવસીય કર્ણાટક પ્રવાસે છે.

બિહાર અને ઉત્તરપ્રદેશની પેટા ચૂંટણીમાં મળેલ હાર બાદ ભાજપ માટે કર્ણાટકની ચૂંટણી અગત્યની બની ગઈ છે. એક કેન્દ્રીય મંત્રીના જણાવ્યા અનુસાર કર્ણાટકમાં ભાજપના પ્રદર્શનની અસર વર્ષના અંતે યોજાનાર મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની ચૂંટણીઓ ઉપર પણ પડશે. એવામાં સામાન્ય ચૂંટણી વહેલી કરાવવા ઉપર પણ વિચાર થઈ શકે છે. પણ આ નિર્ણય પાર્ટીના કર્ણાટકની ચૂંટણી પ્રદર્શન પરથી નકકી થશે.

કર્ણાટક ચૂંટણી માટે જે.પી.નડડા, નરેન્દ્રસિંહ તોમર, થાવરચંદ ગેહલોત, ધર્મેન્દ્ર પ્રધાન, મનોજ સિન્હા, રાજયવર્ધનસિંહ રાઠોડ, ગજેન્દ્રસિંહ શેખાવત, પી.પી.ચૌધરી, અર્જુન રામ મેઘવાલ, શિવ પ્રતાપ શુકલ, પોન રાધાકૃષ્ણન, સત્યપાલ સિંહ, મનસુખભાઈ માંડવીયા, બીરેન્દ્ર કુમાર, સી.આર.ચૌધરી અને ડો.મહેશ શર્માને ૪-૪ ધારાસભા બેઠકની જવાબદારી સોંપી માર્ચ સુધીમાં રીપોર્ટ આપવા અમીતભાઈ શાહ દ્વારા જણાવાયું છે.

જો કે રાજયના પાર્ટી સંગઠનને રણનીતિક મામલાથી દુર રહી પ્રચાર અભીયાનમાં લાગી જવા પણ જણાવાયું છે. અમીતભાઈએ કર્ણાટકના મુખ્યમંત્રી પદના ઉમેદવાર યેદુરપ્પા સહીત સ્થાનીય નેતાઓને ટીકીટો અંગે ભલામણ ન કરવા જણાવ્યું છે. ૫૫ લોકોની ટીમે બુથ અને શકિત કેન્દ્રોની બેઠક કરી રીપોર્ટ આપવાનો છે. જેના પરથી ટીકિટની ફાળવણી કરવામાં આવશે.

(12:56 pm IST)